• રવિવાર, 22 નવેમ્બર, 2026

સિંધી સમાજનાં સમૂહલગ્નમાં 10 યુગલ લગ્નગ્રંથિથી જોડાયાં

ગાંધીધામ, તા. 21 : સિંધી સમાજના સંત, સમાજ સુધારક સ્વામી લીલાશાહ મહારાજના 53મા પુણ્યતિથિ મહોત્સવની ત્રીજા દિવસે સમૂહ લગ્નોત્સવ સાથે પુર્ણાહુતિ થઈ હતી. આ વેળાએ દેશ-વિદેશથી સિંધી સમાજના  લોકો આદિપુર ખાતે ઊમટયા હતા અને લાખો  લોકો આ મહોત્સવમાં જોડાયા હતા. મહોત્સવના બીજા  દિવસે  સમૂહ જનોઈમાં 150 બાળકે  યજ્ઞોપવીત ધારણ કર્યાં હતાં. આજે ત્રીજા દિવસે આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 10 યુગલે પ્રભુતામાં પગલાં પાડયાં હતાં. લગ્ન પૂર્વે સવારે  યોજાયેલા લાડા સંગીતનો લોકોએ મન મૂકીને આનંદ માણ્યો હતો. બપોરે એક સાથે 10 યુગલે પ્રભુતામાં પગલાં પાડયાં, ત્યારે લીલાશાહ કુટિયા પરિસરમાં કુર્યાત સદા મંગલમનો નાદ ગુંજી ઊઠયો હતો. કન્યાઓને દાતાઓ દ્વારા  ઘરેણા ઉપરાંત ઘરવપરાશની વસ્તુઓ ભેટ આપવામાં આવી હતી.  કન્યા વિદાય વખતે ભાવુક માહોલ સર્જાયો હતો. સંતો-મહંતો અગ્રણીઓએ ઉપસ્થિત રહીને નવદંપતીઓને આશિર્વચન પાઠવ્યાં હતાં. સ્વામી લીલાશાહ મહારાજે પોતાનું સંપૂર્ણ જીવન લોકસેવાને જ અર્પણ કર્યું હતું અને સ્વામીજી દહેજ પ્રથાના સખત વિરોધી હતા એટલે જ એમની પુણ્યતિથિના દિવસે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવે છે. દેશ વિદેશથી લોકો દર્શન કરવા ઊમટયા હતા, તો આ પુણ્યતિથિ મહોત્સવમાં સેવાનો લાભ લેવા માટે પણ શહેર તથા બહારથી આવેલા શ્રદ્ધાળુઓ સેવા માટે તત્પર રહ્યા હતા.  રહેવા-જમવા અને મેડિકલ જેવી તમામ સુવિધાઓ આ મહોત્સવમાં પૂરી પાડવામાં આવી હતી. ત્રણ દિવસમાં લાખો લોકોએ મહાપ્રસાદનો લાભ લીધો હતો.  ત્રણ  દિવસ દરમ્યાન મોટી  સંખ્યામાં ગાંધીધામ, આદિપુર અને આસપાસના  વિસ્તારના લોકો ઊમટી પડયા હતા.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd