• રવિવાર, 22 નવેમ્બર, 2026

દુકાળમાં ટપ્પર ડેમ કચ્છની જીવાદોરી, પાણીની સપાટી જાળવવી જરૂરી

કૌશલ પાંધી અને રજનીકાંત કોટડિયા દ્વારા : ગાંધીધામ, તા. 20 : નહિવત વરસાદના પગલે સરકારે કચ્છમાં અછત જાહેર કરી છે તે વચ્ચે પીવાના પાણીની તંગી ન સર્જાય તે માટે કચ્છથી લઈને ગાંધીનગર સુધીનું વહીવટી તંત્ર સક્રિય થયું છે આ દુકાળના સમયે પૂર્વ અને પશ્ચિમ કચ્છને પીવાનું પાણી મળી રહે તેવા પ્રયાસ તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે અને એટલે જ હવે અંજાર તાલુકાનો ટપ્પર ડેમ કચ્છની જીવાદોરી બની રહ્યો છે. ટપ્પર ડેમના લગભગ ત્રણે જેકવેલ ઉપરથી 24 કલાકમાં 230 થી 260 એમએલડી પાણીનો જથ્થો પૂર્વ અને પશ્ચિમ કચ્છમાં અપાય છે જેમાં 150 એમએલડીની આસપાસનો પાણીનો જથ્થો અંજાર સાપેડા ઝોનમાં સપ્લાય કરવામાં આવે છે 80 એમએલડીની આસપાસનો જથ્થો વરસામેડી ઝોનમાં અપાય છે ત્યાંથી ગાંધીધામને પણ પાણી આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત 15 એમએલડીની આસપાસનો જથ્થો વર્ષામેડી ડબલ્યુટીને આપવામાં આવતો હોવાનું સૂત્રો કહી રહ્યા છે. સૌથી વધુ પાણી અંજાર સાપેડા ઝોનમાં સપ્લાય થાય છે જે પશ્ચિમ કચ્છના વિસ્તારોને પાણી પૂરું પાડે છે. અછતમાં પીવાના પાણીની અછત નહીં સર્જાઈ તેવું સંબંધિત વિભાગના સૂત્રો કહી રહ્યા છે. હાલના સમયે ટપ્પર ડેમ 40 મીટરની સપાટી સાથે લગભગ 85 ટકા ભરેલો છે જો ડેમ ઉપરથી વધુ પાણીનો જથ્થો સપ્લાય કરવાનો થશે તો તેવી સ્થિતિમાં ડેમને નર્મદાના પાણીથી ભરવાની પણ તેમની તૈયારી છે. ગાંધીધામ આદિપુર જોડિયા શહેરોમાં પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઈ હતી ત્યારપછી ડેમ ઉપર જે ખોટીપો હતો અને ક્ષતિઓ હતી તેને દૂર કરવામાં આવી છે અને ગાંધીધામને 40 એમએલડી તેમજ આદિપુરને વીડી નાગલપરના બોર સહિત 20 એમએલડી પીવાનો પાણીનો જથ્થો આપવામાં આવી રહ્યો છે અને આપાતકાલની સ્થિતિમાં વધારે જરૂરિયાત ઊભી થશે તો વધુ જથ્થો આપવામાં આવશે તેવું પાણી પુરવઠા બોર્ડના કૌશિક વર્માએ જણાવ્યું હતું.  - શિણાય ડેમને સક્રિય કરવા તંત્ર હરકતમાં : ગાંધીધામની જીવા દોરી સમાન ટપર ડેમ ઉપર કોઈ ખામી સર્જાય એટલે તેની સીધી અસર અહીં પડે છે અને પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાય છે વર્ષો વીતી ગયા છતાં પાણીના અન્ય સ્ત્રોત ઊભા કરવામાં સ્થાનિક સ્વરાજની સંસ્થા નિષ્ફળ ગઈ છે. હવે મહાનગરપાલિકા બની છે અને પાણીની ગંભીર કટોકટી સર્જાઇ હતી ત્યાર પછી 12 કરોડના ખર્ચે શિણાય ડેમને વિકસિત કરીને ત્યાંથી પાણી આદિપુર સુધી લઈ આવવા માટે મનપાનું તંત્ર હરકતમાં આવ્યું છે અને કમિશનર તેમજ સત્તાધારી પાંખની બેઠક થઈ હતી. થોડાક સમયમાં કાર્યવાહી શરૂ થાય તેવી શક્યતા છે. ભુજવાસીઓને પાણીની સમસ્યાથી મુક્તિ અપાવવા વિવિધ આયોજન :  પશ્ચિમ કચ્છને પાણી પૂરું પાડવા ટપ્પર ડેમથી કુકમા સમ્પે નર્મદાના નીર પહોંચે છે અને ત્યાંથી એક ટાંકો બન્ની તરફના વિસ્તારોને પાણી પહોંચાડવા ઉપયોગમાં લેવાય છે. જ્યારે નખત્રાણા તરફ વિતરણ માટે એક અલગ જ સેપરેટ લાઈન આવેલી છે. આમ તો વર્ષોથી ભુજનો પાણી પ્રશ્ન જટિલ બન્યો છે. ભુજવાસીઓ માટે અપાતું પાણીનો આંક પાણી પુરવઠા અને નગરપાલિકાના રેકર્ડ પર ભિન્ન ભિન્ન આવે છે. હાલમાં કુકમાથી ભુજ માટે 30 એમ.એલ.ડી. પાણી અપાય છે. ભુજમાં બોરની સ્થિતિ સારી ન હોવાથી સમગ્ર શહેર નર્મદા આધારિત રહ્યો છે. ત્યારે આવનારા સમય અને વધતી જતી કોલોનીઓને ધ્યાને લઈ સુધરાઈ દ્વારા અમુક આયોજન પૂર્ણ કરી લેવાયા છે જ્યારે અન્ય આગામી દિવસોમાં પૂર્ણ કરાશે. થયેલા અને થનારા કામો પર નજર કરીએ તો, નલ સે જલ યોજના હેઠળ કુકમા સમ્પથી ભુજીયા સુધી સેપરેટ 900 ડાયાની એક્સર્યુસ લાઈન નખાઈ છે. આ ઉપરાંત લેરડેમથી પણ લાઈનનું આયોજન આગળ ધપી રહ્યો છે. સંકટ સમયને ધ્યાને લઈ ગત વર્ષોમાં પાણીના સ્ટોરેજ માટે ભુજમાં સમ્પે તોરલ ગાર્ડન પાસે, સુરલભીટ્ટ નજીક, વાલદાસ નગરમાં તેમજ આત્મારામ સર્કલ પાસે ટાંકા બનાવાયા છે. તો, અમૃત-2.0 યોજના હેઠળ કુકમા સમ્પે ફિલ્ડર પ્લાન્ટ, નવો સમ્પ, પમ્પિંગ મશીનરી તેમજ માધાપર ખાતે ભુજની રાવલવાડીમાં તેમજ પાટવાડી સમ્પ પાસે નવા ટાંકા બનાવાશે. આ કામ જીયુડીસી હસ્તક થશે અને તેના વર્કઓર્ડર પણ અપાઈ ગયા છે જેમ આવનારા સમયમાં ભુજ શહેર માટે ઉપયોગી સાબિત થશે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd