નલિયા, તા. 20 : અબડાસા તા.ના મુખ્ય મથક નલિયા સ્થિત મોટાભર દરજી ફળિયામાં બપોરના સમયે જીવતો વીજતાર અચાનક તૂટી પડતાં નીચેથી પસાર થઈ રહેલા એક આખલાનું કરંટ લાગવાથી ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવને પગલે જીવદયાપ્રેમીઓમાં દુ:ખની લાગણી ફેલાઈ હતી. રહેણાક વિસ્તાર, ઉપરાંત આ જ શેરીમાં આંગણવાડી આવેલી હોવાથી નાનાં ભૂલકાંઓ અને લોકોની સતત અવરજવર રહે છે. બપોરે તાર તૂટતાં જ થોડી વાર માટે અફરાતફરી મચી ગઈ હતી. ફળિયાના રહેવાસી રેખાબેન દરજીએ જણાવ્યું હતું કે, તાર તૂટ્યો ત્યારે શેરીમાંથી એક બાળક અને અન્ય લોકો પણ પસાર થઈ રહ્યા હતા, પરંતુ સદ્નસીબે તેઓ બચી જતાં મોટી જાનહાનિ ટળી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, આ શેરીમાં આખો દિવસ ચહલપહલ રહે છે અને તારમાં અસંખ્ય સાંધા હોવાથી તે તૂટી પડ્યો હતો. ભવિષ્યમાં કોઈ મોટો અકસ્માત ન સર્જાય તે માટે નલિયા બજારચોકથી મોટાભર ફળિયાની શેરી થઈ રાજપૂત સમાજવાડી સુધીના જૂના અને સાંધાવાળા વીજતારો તાત્કાલિક ધોરણે બદલવામાં આવે તેવી રહેવાસીઓ દ્વારા પ્રબળ માંગ કરવામાં આવી છે.