નવી દિલ્હી, તા. 20 : ભારત અને જાપાન વચ્ચે સંરક્ષણ સહયોગના ક્ષેત્રમાં એક મહત્ત્વપૂર્ણ પગલું લેવામાં આવ્યું છે. આવતા વર્ષથી, જાપાની સૈન્ય ભારતીય ફાયારિંગ રેન્જ પર પોતાની લાંબા અંતરની મિસાઇલોનું પરીક્ષણ કરી શકશે. ગઈકાલે ટોકિયોમાં બંને દેશો વચ્ચે યોજાયેલી મંત્રીસ્તરીય વાટાઘાટો દરમિયાન આ સમજૂતી સધાઈ હતી. જાપાન ખાસ કરીને તેની `ટાઇપ-25' એન્ટી-શિપ મિસાઇલો (જેની મારક ક્ષમતા આશરે 1,000 કિલોમીટર છે) અને નાના એટેક ડ્રોનનું પરીક્ષણ કરવા માંગે છે. જોકે, જાપાન પાસે આવા પરીક્ષણો માટે જરૂરી, પૂરતી વિશાળ અને નિર્જન જગ્યાનો અભાવ છે. જાપાનના સંરક્ષણ મંત્રી શિન્જીરો કોઇઝુમીએ જણાવ્યું હતું કે, અમે સહમત થયા છીએ કે આવતા વર્ષે પ્રથમ વખત જાપાનના સેલ્ફ-ડિફેન્સ ફોર્સીસ ભારતીય ફાયારિંગ રેન્જનો ઉપયોગ કરશે. વ્યૂહાત્મક દ્રષ્ટિકોણથી પણ આ એક મોટું પગલું છે. જાપાનની સામે મિસાઈલોના પરીક્ષણ માટેની જગ્યા પહેલેથી જ મોટો પડકાર રહી છે. કેમકે, જાપાન અનેક ટાપુઓથી મળીને બનેલો દેશ છે. અહીં વસ્તીની ગીચતા વધારે છે અને સમુદ્રની આસપાસ મોજૂદ જગ્યા વ્યાપારિક ગતિવિધિઓને કારણે વ્યસ્ત રહે છે. લાંબાં અંતરનાં મિસાઈલોના પરીક્ષણ માટે વિશાળ અને સુરક્ષિત ફાયરિંગ ક્ષેત્રની જરૂર રહે છે ભારત પાસે આ દ્રષ્ટિએ સારી પરિસ્થિતિ છે. આ સહમતિથી જાપાનને પોતાની મિસાઈલની ક્ષમતા ચકાસવાની તક મળશે.