રાજકોટ, તા. 20 : રાજકોટમાં વર્ષ 2027ના પ્રારંભે આધ્યાત્મિકતા, સંસ્કૃતિ અને લોકશિક્ષણનો ત્રિવેણીસંગમ સર્જાવા જઈ રહ્યો છે. સૌરાષ્ટ્રના 106 વર્ષ જૂના લોકપ્રિય અખબાર `ફૂલછાબ' દ્વારા મોરારિબાપુની નવ દિવસીય રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી 9થી 17 જાન્યુઆરી-2027 દરમિયાન રેસકોર્સ ખાતે યોજાનારી આ રામકથાના કાર્યાલયનું ઉદ્ઘાટન આજે રાજકોટના મેયર ડો. નેહલ શુક્લના હસ્તે કરવામાં આવ્યું હતું. આ સાથે કથાની મંગલ પૂર્વભૂમિકા રચાઈ હતી. આ પ્રસંગે મેયર ડો. નેહલ શુક્લએ જણાવ્યું હતું કે, `ફૂલછાબ' સૌરાષ્ટ્રનું સૌથી જૂનું અખબાર છે અને આ દૈનિક હંમેશાં સમાજના હિતમાં અને સમાજને ઉપયોગી થાય તેવું જ કાર્ય કરતું હોય છે, આજે જ્યારે બ્રાકિંગ ન્યૂઝની હોડ છે ત્યારે ફૂલછાબ ક્યારેય આ પ્રકારની કોઈ સ્પર્ધામાં પડયું નથી, સત્યને વરેલા સમાચારોને જ પ્રાધાન્ય આપે છે. આવા ફૂલછાબ દૈનિકના આંગણે મોરારિબાપુની કથાનું આયોજન થવા જઈ રહ્યું છે ત્યારે સોનામાં સુગંધ ભળી કહેવાય. સાંસદ શ્રી રૂપાણીએ જણાવ્યું કે, ફૂલછાબના આંગણે રામકથા યોજાઈ રહી છે, તૈયારીના ભાગરૂપે કાર્યાલયનો પ્રારંભ કરાયો છે. ખૂબ સારી રીતે કથા સંપન્ન થાય તે માટે હૃદયથી શુભકામના પાઠવું છું. ફૂલછાબ એ લોકપ્રશ્નોને વાચા આપતો સમૂહ છે, આઝાદી કાળથી લઈને અત્યારસુધી સળંગ અને સતત લોકપ્રશ્નોને વાચા આપવાનું કામ ફૂલછાબના માધ્યમથી થતું રહ્યું છે. મારા મતે રામાયણ પણ લોકજીવનને ઘડવા માટેનો તુલસીદાસજીનો સુંદર પ્રયાસ છે. મોરારિબાપુ વક્તા તરીકે પધારે છે તે આપણું સૌભાગ્ય છે. ફૂલછાબના તંત્રી જ્વલંતભાઈ છાયા અને મેનેજર નરેન્દ્ર ઝીબાએ પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે, મોરારિબાપુએ જૂન-2026માં રાજકોટમાં રામકથા માટેની તારીખો ફાળવી હતી. રાજકોટના રામકૃષ્ણ આશ્રમને ફેબ્રુઆરી 2027માં સ્થાપનાનાં 100 વર્ષ પૂર્ણ થઈ રહ્યાં છે. આ ઐતિહાસિક અવસરે આશ્રમ પણ કથામાં આધ્યાત્મિક સહયોગી તરીકે જોડાયો છે. આ રામકથા માત્ર આધ્યાત્મિક આયોજન પૂરતી સીમિત નથી. સૌરાષ્ટ્ર ટ્રસ્ટ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છમાં શિક્ષણનો વ્યાપ વધારવા `િવદ્યાવૃક્ષ' નામનો મહત્ત્વાકાંક્ષી પ્રકલ્પ હાથ ધરવામાં આવ્યો છે. અંદાજિત રૂા. 1000 કરોડના બજેટ ધરાવતા આ પ્રકલ્પ અંતર્ગત ગ્રામ્ય વિસ્તારોમાં આધુનિક શૈક્ષણિક સુવિધાઓ અને એઆઈ જેવી ટેક્નોલોજીનો લાભ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનું લક્ષ્ય છે. આ પ્રકલ્પનો આરંભ રામકથા થકી કરવામાં આવશે. ફૂલછાબ, જન્મભૂમિ અને કચ્છમિત્રની ટીમ તથા સહયોગી સંસ્થાઓ આ આયોજનને સફળ બનાવવા કાર્યરત છે. સૌરાષ્ટ્રના વાચકો અને રામકથાપ્રેમીઓને આ આધ્યાત્મિક મહોત્સવમાં ભાવભર્યું આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. નવ દિવસ દરમિયાન દરરોજ કથાશ્રવણ બાદ શ્રોતાઓ માટે ભોજનપ્રસાદની વ્યવસ્થા રહેશે. સાંજે વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો તેમજ જીવનલક્ષી પ્રવૃત્તિઓનું આયોજન પણ કરવામાં આવશે. ખાસ કરીને યુવા પેઢી મોટી સંખ્યામાં જોડાય તે માટે આયોજકો દ્વારા વિશેષ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. કાર્યાલયના ઉદ્ઘાટન સમારોહમાં મુખ્ય મહેમાનોમાં મેયર ડો. નેહલ શુકલ, સાંસદ પરસોત્તમભાઈ રૂપાલા, ધારાસભ્ય રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહ, શહેર ભાજપ પ્રમુખ માધવ દવે, રામકૃષ્ણ આશ્રમના સંત જગદીશ સ્વામી તેમજ સ્વામી મેઘજાનંદજી, પૂર્વ સાસંદ રામભાઈ મોકરિયા, કોર્પોરેટર ઘનશ્યામ હેરભા, ભાજપ મહિલા મોરચાના અગ્રણી કાશ્મીરાબેન નથવાણી, કોંગ્રેસ અગ્રણી મહેશ રાજપૂત, બાલાજી વેફર્સના ચંદુભાઈ વિરાણી, વીરપુર જલારામ પરિવારમાંથી ભરતભાઈ ચાંદ્રાણી સહિતના ઉપસ્થિત રહ્યા હતા.