ભુજ, તા. 19 : દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લામાં
સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલી પશુદીઠ રૂા. 80ની સબસિડીની રકમ નિયમોનુસાર સર્વે કરી સીધી માલધારીઓનાં બેંક
ખાતામાં જમા કરવા તથા ઘાસચારા અને પશુઆહારની યોગ્ય વ્યવસ્થા કરવા માલધારીઓએ જિલ્લા
કલેક્ટરને આપેલા આવેદનપત્રમાં માંગ કરી છે. હાલમાં રાજ્ય સરકાર દ્વારા દુષ્કાળગ્રસ્ત કચ્છ જિલ્લાના પશુપાલકોને
રાહત આપવા માટે પશુદીઠ રૂા. 80ની સબસિડી
જાહેર કરવામાં આવી છે. આ સહાય મૂંગા પશુધનને બચાવવા માટે આશીર્વાદ સમાન છે. કચ્છ જિલ્લામાં
દુષ્કાળ અને અછતની પરિસ્થિતિ દરમિયાન માલધારીઓ પોતાનાં પશુધનને જીવંત રાખવા માટે ભારે
આર્થિક મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. ભૂતકાળમાં અછત રાહતની કામગીરી દરમિયાન કેટલીક
સંસ્થાઓ અને ઢોરવાડાનાં સંચાલનને લઈને ગેરરીતિઓ તથા સબસિડીની રકમમાં કપાત થતી હોવાની
ફરિયાદો પણ સામે આવી ચૂકી છે. આ ઉપરાંત કેટલીક સંસ્થાઓ દ્વારા માલધારીઓને મળવાપાત્ર
સહાયમાંથી વહીવટી ખર્ચ કે અન્ય કારણોસર રકમની કપાત કરવામાં આવતી હોવાની ફરિયાદો ભૂતકાળમાં
ઊઠી છે. કેટલીક જગ્યાએ સ્થાનિક કર્મચારીઓ સાથેની મિલીભગતથી ઢોરવાડામાં પશુઓની વાસ્તવિક
સંખ્યા કરતાં બમણી કે ત્રણ ગણી સંખ્યા દર્શાવી સરકારી નાણાંનો દુરુપયોગ થતો હોવાની
પણ ફરિયાદો સામે આવી છે. કેટલાક કિસ્સાઓમાં ઉનાળાના અંતિમ તબક્કાના હપ્તાની સબસિડી
માલધારીઓ સુધી ન પહોંચતી હોવાની ફરિયાદો પણ ભૂતકાળમાં કરવામાં આવી છે, આવી પરિસ્થિતિનું પુનરાવર્તન ન થાય અને સરકાર
દ્વારા જાહેર કરવામાં આવેલી સહાયનો સંપૂર્ણ લાભ સીધો જરૂરિયાતમંદ માલધારીઓને મળે,
તે હેતુથી ખેડૂતો અને માલધારીઓ માટે જાહેર કરવામાં આવેલી સહાયની અમલવારી
વિના વિલંબે શરૂ કરવામાં આવે, જેથી મૂંગા પશુધનને બચાવવા સમયસર
રાહત મળી શકે. આ ઉપરાંત માલધારીઓને વાજબી ભાવે અને પૂરતા પ્રમાણમાં ઘાસચારો મળી રહે
તે માટે દૂધ ઉત્પાદન મંડળીઓ મારફતે ઘાસચારાના વિતરણની વ્યવસ્થા કરવામાં આવે. પશુઓ માટે
જરૂરી ખોળ, ભૂસું તથા અન્ય પશુઆહારના વેપારીઓ બેફામ ભાવવધારો
ન કરે તે માટે યોગ્ય ભાવ નિયંત્રણ અને દેખરેખની વ્યવસ્થા કરવા, ભૂતકાળમાં ઢોરવાડા સંચાલન દરમિયાન થયેલી ગેરરીતિઓની ફરિયાદોની નિષ્પક્ષ તપાસ
કરવામાં આવે તથા ભવિષ્યમાં પશુઓની ખોટી સંખ્યા દર્શાવી સરકારી સહાયનો દુરુપયોગ ન થાય
તે માટે કડક દેખરેખ રાખવામાં આવે, સબસિડી અને અછત રાહતની સમગ્ર
કામગીરી પારદર્શક રાખવામાં આવે તથા માલધારીઓને મળવાપાત્ર સહાયની રકમ અને તેના વિતરણ
અંગે જાહેર માહિતી ઉપલબ્ધ કરાવવા સહિતની માંગ આવેદનમાં કરવામાં આવી છે.