ગાંધીધામ, તા. 26 : ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોમાં 15 દિવસની પીવાના પાણીની ગંભીર કટોકટી બાદ પાણીનો જથ્થો મળવાનું શરૂ થતાં રાજવી ફાટક નજીક મોટા લીકેજમાંથી ભવાનીનગર ફાટક અને ત્યાંથી ભારતનગર સુધી રિંગરોડ ઉપર વ્યાપક પાણીનો વેડફાટ શરૂ થયો છે. અગાઉ આ રિંગરોડના કોન્ટ્રાક્ટરે અનેક જગ્યાએ લાઈન તોડી નાખી હતી. ત્યાર પછી તેમણે લીકેજ દૂર કર્યા હોવાનો દાવો પાલિકાએ કર્યો હતો, પરંતુ હાલના સમય આ મુખ્ય લાઈનમાંથી પાણીનો વ્યાપક વેડફાટ રોડ ઉપર થઈ રહ્યો છે, જે પાણી લોકોના ઘરના નળમાં મળવું જોઈએ તે કોન્ટ્રાક્ટરે ખોદકામ કર્યું છે તેમાં જઈ રહ્યું છે. ટપ્પરમાં ખોટીપો સર્જાતાં 15 દિવસ પીવાના પાણીની ગંભીર કટોકટી સર્જાઇ હતી. તે દરમિયાન મહાનગરપાલિકાએ રામબાગ પાણીના ટાંકાથી રાજવી ફાટક થઈને ભવાનીનગર ફાટક તથા ત્યાંથી ભારતનગર થઈને સુંદરપુરી પાણીના ટાંકા સુધી જતી મુખ્ય લાઈનમાં લીકેજ દૂર કરવાની કાર્યવાહી કરવી જોઈતી હતી, પરંતુ મહાનગરપાલિકાના પાણી વિભાગ દ્વારા કોઈ કામગીરી કરવામાં આવી નથી. જેના પગલે વરસામેડીથી 35 એમએલડી સુધીનો પાણીનો જથ્થો મળવાનું શરૂ થતાં રાજવી ફાટક પાસે આ મુખ્ય લાઈનમાંથી પાણીનો વેડફાટ શરૂ થયો છે. અગાઉ રિંગરોડના કોન્ટ્રાક્ટરે આ મુખ્ય લાઈનમાંથી ગેરકાયદે કનેક્શન લેવાની પેરવી કરી હતી. ત્યાર પછી મહાનગરપાલિકાએ તેમને 10,000નો દંડ ફટકાર્યો હતો, પરંતુ તેમણે લાઇનને અનેક જગ્યાએ નુકસાન પહોંચાડયું હતું તે બાબતે કોઈ પગલાં ભરાયાં નથી. હાલના સમયે આ લાઇનમાંથી હજારો-લાખો લિટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે જે પાણી લોકોના ઘરના નળમાં મળવું જોઈએ તે પાણી રિંગરોડના કોન્ટ્રાક્ટરે જે ખોદકામ કર્યું છે તેમાં વેડફાઈ રહ્યું છે. આ બાબતે મહાનગરપાલિકાના અધિકારીઓ અને પદાધિકારીઓ દ્વારા પગલાં ભરીને તત્કાળ પાણીનો વેડફાટ રોકવો જોઈએ તેવી માંગ ઊઠી છે. - હાઉસિંગ- રોટરીનગરના લોકો પાણી માટે મનપા પહોંચ્યા : એક બાજુ રાજવી ફાટક પાસે હજારો-લાખો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તો બીજી બાજુ શહેરના ગુજરાત હાઉસિંગ બોર્ડ તથા રોટરીનગર સહિતના વિસ્તારોમાં પીવાનું પાણી ન મળતાં મહિલાઓ મહાનગરપાલિકા કચેરી પહોંચ્યા હતા અને ઉચ્ચ અધિકારીઓને રજૂઆત કરી હતી. પાણીનો જથ્થો વધ્યો છે, પરંતુ સપ્લાય નિયમિત થઈ નથી. પાલિકાએ પાણીનો વેડફાટ રોકીને લોકોને પીવાનું પાણી મળે તેવી વ્યવસ્થા કરવી જરૂરી છે.