• મંગળવાર, 27 ઑક્ટોબર, 2026

દુકાળ જાહેર થતાં કચ્છ માટે શું જોગવાઈ કરાઈ

ભુજ, તા. 26 : ચાલુ વર્ષે રાજ્યમાં અપૂરતા વરસાદના કારણે દુષ્કાળની સ્થિતિ સર્જાયા બાદ સોમવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છ સહિત દ્વારકા, પોરબંદર અને જામનગરને દુષ્કાળગ્રસ્ત જાહેર કર્યા છે, આ જાહેરાત બાદ ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂા. 8500ની સહાય ચૂકવાશે, તો પશુદીઠ બે મહિના સુધી દૈનિક રૂા. 80 જેટલી રકમ આપવાનો નિર્ણય લેવાયો છે, તો માનવ કરતાં વધુ વસતી ધરાવતા પશુઓ માટે બે રૂપિયે કિલો ઘાસનું વિતરણ કરાશે અને ગ્રામ્ય વિસ્તારો સહિતના લોકોને વી.બી.જી રામ જી યોજના હેઠળ 150 માનવદિનની રોજગારી આપવાનું નક્કી કરાયું છે, આ નિર્ણયનો અમલ પહેલી નવેમ્બરથી કરાશે. કચ્છના કલેક્ટર અનિલ રાણાવસિયા કહે છે કે, જે રીતે જાહેરાતો રાહત આપવાની કરાઇ છે તેની અમલવારી કરવામાં આવશે અને ઘાસ વિતરણ ચાલુ છે, બાકી પહેલી નવેમ્બરથી સહાયનો તબક્કો શરૂ થશે, હજુ પરિપત્ર આવે તેની અમે રાહ જોઇએ છીએ.

 હેક્ટર દીઠ રૂા. 8500

અપૂરતા વરસાદના પગલે ખેડૂતોના પાકોનેય ભારે નુકસાન થયું છે, આવા સંજોગોમાં રાજ્ય સરકારે સ્થિતિની સમીક્ષા કરી અછતની જાહેરાત કરી અસરગ્રસ્ત ખેડૂતોને મહત્તમ બે હેક્ટરની મર્યાદામાં હેક્ટર દીઠ રૂા. 8500 ચૂકવવાનો નિર્ણય લેવાયો છે જેમાં કચ્છમાં અંદાજે અઢી લાખ જેટલા ખેડૂત નોંધાયેલા જેમાંથી સહાય પાત્ર ખેડૂતોને સહાય ચૂકવાશે. કચ્છમાં 1.80 લાખ હેક્ટર પિયત જમીન પૈકી મોટાભાગની જમીન પર તળાવો અને ડેમ આધારિત ખેતી કરવામાં આવે છે, હવે જ્યારે અછત જાહેર થઈ છે, ત્યારે ખાસ કરીને અછતગ્રસત ખેડૂતોને સહાય મળે તેવી ચર્ચા ખેડૂતવર્ગમાં થઈ રહી છે.

પશુઓ માટે વિકટ પરિસ્થિતિ

વરસાદના અભાવે કચ્છમાં ઘાસચારાનું વાવેતર પણ પૂરતા પ્રમાણમાં થઈ શક્યું નથી, જેથી પશુઓ માટે વિકટ પરિસ્થિતિ સર્જાઈ છે. ઓઁછા વરસાદને પગલે કચ્છના સીમાડાઓ સૂકાભઠ્ઠ પડયા છે, ઘાસનું તણખલુંયે નથી જેથી પશુઓની હાલત કફોડી બની છે, આ અછત જાહેર થવાથી માલધારીઓને બે રૂપિયે કિલો ઘાસ અપાશે તો પશુ કેમ્પમાં રહેનારા પશુદીઠ દૈનિક રૂા. 80ની સહાય બે મહિના સુધી ચૂકવાશે ત્યારબાદનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા ઉઠાવવાની જાહેરાત કરાઈ છે.

ઊંટો માટે પણ સહાય ચૂકવાય

આ જિલ્લામાં બે હજાર જેટલા ખારાઈ અને 10 હજારથી વધુ અન્ય ઊંટ છે, ભૂતકાળમાં કચ્છમાં ઊંટો માટે પણ રાહત સહાય ચૂકવાઈ હતી, ત્યારે આવા ઊંટચાલકોનેય સહાય ચૂકવાય તેવો સૂર માલધારી વર્ગમાંથી ઊઠી રહ્યો છે.

કાયમી પશુ સહાય

ગત 2018માં પણ કચ્છમાં ઓછા વરસાદને પગલે અછત જાહેર કરાઈ હતી, તે સમયે રાજ્ય સરકારે આવા કપરા સમયે પાંજરાપોળો અને ગૌશાળાઓમાં પશુદીઠ રૂા. 35ની કાયમી સહાય ચૂકવવાનો નિર્ણય લીધો હતો.

કચ્છમાં ગાય-ભેંસ વર્ગના 10 લાખથી વધુ સંખ્યામાં પશુધન હોવાનું જિલ્લા પંચાયતના મદદનીશ પશુપાલન અધિકારી રાજેશ પટેલે જણાવ્યું હતું.

29.55 લાખ કિલો ઘાસ

કચ્છમાં નાના અને સીમાંત ખેડૂતોનું પશુધન સચવાઈ રહે તે માટે  સરકારે રાહતદરે ઘાસ પૂરું પાડવાની જાહેર કરેલી યોજના અંતર્ગત ગત જૂન પછી અત્યાર સુધી 29.55 લાખ કિલો ઘાસનું વિતરણ કરાયું છે.

150 માનવદિન રોજગારી

અછતના સમયમાં ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં શ્રમજીવી પરિવારોને રોજગારી મળી રહે તે માટે રાજ્ય સરકારે દુષ્કાળગ્રસ્ત જિલ્લાઓમાં વી.બી. જી રામ જી યોજના હેઠળ 150 માનવદિન રોજગારીનીયે જાહેરાત કરી છે. કચ્છના અબડાસા, અંજાર, ભચાઉ, ભુજ, લખપત, માંડવી, મુંદરા, નખત્રાણા અને અંજારમાં વર્ષ 25-26માં અંદાજે 1.29 લાખ માનવદિન પ્રમાણે રૂા. 3.50 કરોડથી વધારે રકમનું ચૂકવણું કરવામાં આવ્યું છે.

સરકાર પડખે

ઓછા વરસાદને પગલે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, કચ્છ અને જામનગર જિલ્લાને દુષ્કાળગ્રસ્ત જાહેર કરી સરકાર ખેડૂતો અને પશુપાલકોની પડખે હોવાનું જણાવી અબડાસા મતવિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ સરકારનો આભાર માન્યો હતો.

કચ્છના પાંચ ડેમમાં સિંચાઈ માટે પાણી

રાજ્ય સરકારે અછત જાહેર કર્યા બાદ આગામી રવી સિઝનમાં સિંચાઈ માટે પાણી આપવાનુંયે આયોજન કર્યું છે, જેમાં કચ્છના પાંચ ડેમમાં પણ સિંચાઈ માટે પાણીનું આયોજન ગોઠવાયું છે.

પૂર્વ કલેક્ટર દ્વારા અછતના સામનાનું દસ્તાવેજીકરણ

કચ્છમાં અવારનવાર પડતા દુષ્કાળને નાથવા 2019માં તત્કાલિન જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને આવી કારમી અછતનો સામનો કઈ રીતે કરી શકાય તે વિષયે કચ્છના ઈતિહાસમાં પ્રથમ વખત દુષ્કાળની સ્થિતિ પર પુસ્તક લખી તેનું દસ્તાવેજીકરણ કરવાનો સ્તુત્ય પ્રયાસ કરાયો હતો. રેમ્યા મોહને કચ્છમાં અનિયમિત થતા વરસાદને પગલે સર્જાતી પરિસ્થિતિઓનું મૂલ્યાંકન કરી તે સમયે સંભવત પહેલી વખત સ્વતંત્ર અછતનું માળખું રચવામાં આવ્યું હતું અને કલેક્ટરથી માંડી મામલતદાર કક્ષાના અધિકારીઓને અછતની અલગથી કામગીરી સોંપવામાં આવી હતી.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd