ભુજ, તા. 9 : ભારત સરકાર દ્વારા દર વર્ષે
તા. 5થી 12 ઓક્ટોબર દરમિયાન આરટીઆઇ સપ્તાહની ઉજવણીનું આયોજન કરવામાં આવે
છે. તેના ભાગરૂપે ગુજરાત માહિતી આયોગ, ગાંધીનગર દ્વારા તા. 9 ઓક્ટોબરના ભુજ કલેક્ટર ઓફિસ ખાતે પરિસંવાદ રાજ્ય મુખ્ય માહિતી
કમિશનર સુબ્રમણિયમ ઐયરના અધ્યક્ષસ્થાને યોજાયો
હતો. આ પરિસંવાદમાં વાવ-થરાદ, બનાસકાંઠા
ખાતેથી કલેક્ટર સહિતના અધિકારીઓ વીડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા. તેમને પાવર
પોઇન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી અપાઇ હતી. કચ્છના નિવાસી અધિક કલેક્ટર પાર્થ કોટડિયાના
સ્વાગત પ્રવચન બાદ રાજ્ય મુખ્ય માહિતી કમિશનર, કલેકટર,
જિલ્લા વિકાસ અધિકારી અને નિવાસી અધિક કલેકટરના હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં
આવ્યું હતું. કચ્છ કલેક્ટર અનિલ રાણાવસિયાએ મુખ્ય માહિતી કમિશનરને આવકારીને જણાવ્યું
હતું કે, આર.ટી.આઈના કાયદાથી દેશમાં લોકશાહીને નવું બળ મળ્યું
છે અને લોકશાહી વધુ મજબૂત બની છે. કચ્છ કલેક્ટરે આર.ટી.આઈ. અધિનિયમ અંતર્ગત અરજદારોને
નિયત મર્યાદામાં માહિતી આપવા સહભાગીઓને અનુરોધ કર્યો હતો. આ પરિસંવાદમાં આર.ટી.આઇ. વીડીયો-પોડકાસ્ટ
રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં આર.ટી.આઈ અધિનિયમની વિવિધ કલમોની માહિતી અપાઇ હતી. મુખ્ય
માહિતી કમિશનર સુબ્રમણિયમ ઐયરે માહિતી અધિકાર અધિનિયમને લગતું માર્ગદર્શન આપ્યું હતું.
જાહેર માહિતી અધિકારીઓ અને પ્રથમ અપીલ અધિકારીઓ દ્વારા સામાન્ય રીતે કરવામાં આવતી ભૂલો
વિશે માહિતી આપીને જણાવ્યું હતું કે, અરજદારની અરજીને પ્રાથમિકતા આપીને માહિતી નિયત સમય મર્યાદામાં આપવી જોઈએ. ખાસ
કરીને દરેક વિભાગ- સંબંધિત કચેરીઓ પ્રો-એક્ટિવ ડિસ્ક્લોઝર નિયમોનુસાર અદ્યતન રાખવા
સૂચન કર્યું હતું. અધિક કલેક્ટર પી. એલ. વિઠાણીએ દ્વારા આભારવિધિ કરી હતી. આ પરિસંવાદ
દરમિયાન કચ્છ જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, કચ્છના અધિકારીઓ
સહિત બનાસકાંઠા અને વાવ થરાદ જિલ્લાના કલેક્ટરો, ડીડીઓ સહિત ઉચ્ચ
અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.