• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

108એ અત્યાર સુધી 6.92 લાખ જિંદગી બચાવી

ભુજ, તા. 9 : કચ્છના રણથી લઇને દરિયાકાંઠા સુધી શહેરથી છેવાડાનાં ગામડાં સુધી ગુજરાત સરકારની 108 ઇમર્જન્સી મેડિકલ સર્વિસે વર્ષ 2007થી અત્યાર સુધી 6.95 લાખથી વધુ ઇમર્જન્સી કેસોના સંચાલન સાથે 6.92 લાખથી વધુ જિંદગીઓ બચાવી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતના મુખ્યમંત્રી તરીકે તા. 29 ઓગસ્ટ, 2007ના ઈમર્જન્સી મેનેજમેન્ટ એન્ડ રિસર્ચ ઈન્સ્ટિટ્યૂટ સંસ્થા સાથે મળીને આ સેવાની શરૂઆત કરાવી હતી. જેણે આરોગ્ય સેવાઓમાં અભૂતપૂર્વ પરિવર્તન આણ્યું છે. આજે ગુજરાતની આરોગ્ય સેવાનું ચિત્ર જ બદલાઈ ગયું છે. આ સેવા કોઈપણ ચાર્જ વગર અને સતત 24 કલાક ઉપલબ્ધ છે. આ એમ્બ્યુલન્સ માત્ર વાહન નથી, પણ ફરતું દવાખાનું છે, જેમાં દર્દીને હોસ્પિટલમાં દાખલ થતાં પહેલાં જ કુશળ સ્ટાફ દ્વારા પ્રાણરક્ષક પ્રિ-હોસ્પિટલ ટ્રીટમેન્ટ આપવામાં આવે છે, જેથી અત્યંત ગરીબ વ્યક્તિ પણ આર્થિક ચિંતા વિના યોગ્ય સમયે ઉત્તમ સારવાર મેળવી શકે. કચ્છના 108 પ્રોજેક્ટ મેનેજર ડો. ભંવરલાલ પ્રજાપતિએ જણાવ્યું હતું કે, કચ્છના વિશાળ ભૌગોલિક વિસ્તારમાં 108 એમ્બ્યુલન્સનો કાફલો દિવસ-રાત સેવારત છે. જેમાં સામાન્ય એમ્બ્યુલન્સ ઉપરાંત આઇસીયુ ઓન વ્હીલ્સ, વેન્ટિલેટર અને મલ્ટિ પેરા મોનિટરથી સજ્જ એડવાન્સ લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ, બેઝિક લાઈફ સપોર્ટ એમ્બ્યુલન્સ અને નવજાત શિશુઓ માટે ખાસ ડિઝાઈન કરાયેલી નિયો-નેટલ એમ્બ્યુલન્સ પણ ઉપલબ્ધ છે. માત્ર ઓગસ્ટ-2026 મહિનામાં કચ્છમાં 5857 ઈમર્જન્સી કેસોનું સંચાલન કરવામાં આવ્યું હતું, જેમાં 5840 મેડિકલ ઈમર્જન્સી, 16 પોલીસ અને 1 આગની ઈમર્જન્સીનો સમાવેશ થાય છે. આ સમયગાળા દરમિયાન 5479 લાભાર્થીઓને મદદ પહોંચાડવામાં આવી હતી, જેમાંથી 665 જેટલા લોકોના જીવ ગંભીર પરિસ્થિતિમાં બચાવી લેવાયા હતા. મુખ્ય તબીબી કટોકટીઓમાં 2083 પ્રસૂતિ સંબંધી કેસ, 605 માર્ગ અકસ્માત અને ટ્રોમા, 236 હૃદયરોગ અને 345 શ્વાસની તકલીફના કેસ નોંધાયા હતા. તાલીમબદ્ધ ઇમર્જન્સી મેડિકલ ટેકનિશિયન દ્વારા એમ્બ્યુલન્સમાં જ 61 પ્રસૂતિઓ કરાવીને માતા અને બાળક બંનેના જીવ બચાવાયા હતા. 45652 ચોરસ કિ.મી.ના વિશાળ વિસ્તારમાં સરેરાશ માત્ર 11 મિનિટ 39 સેકન્ડના પ્રતિભાવ સમય સાથે સેવા પહોંચાડવામાં આવી હતી. 108ની સૌથી મોટી વિશેષતા એ છે કે, તે માત્ર દર્દીને લઈ જતું વાહન નથી. એમ્બ્યુલન્સમાં હાજર ઇએમટી દ્વારા ઈમર્જન્સી રિસ્પોન્સ સેન્ટરના તબીબોના માર્ગદર્શન હેઠળ દર્દીને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ સારવાર શરૂ કરી દેવામાં આવે છે. `ગોલ્ડન અવર' તરીકે ઓળખાતી આ કિંમતી મિનિટોમાં અપાતી સારવાર જ ઘણીવાર દર્દીના જીવનનો નિર્ણય કરે છે. 108 એ માત્ર સરકારી યોજના નથી, પરંતુ અડધી રાતે એક ફોન પર દોડી આવતો વિશ્વાસ છે, જીવાદોરી છે.  

Ram Katha

Vyapar Utsav

Panchang

dd