તંત્રી સ્થાનેથી.. : દીપક માંકડ : વતનથી સેંકડો કિલોમીટર દૂર રોજગારી અર્થે
આવેલા પરપ્રાંતીય શ્રમિકો દિવાળીના આવનારા તહેવારોમાં પરિવાર વચ્ચે પહેંચી જવા થનગનતા
હોય... વ્હાલસોયાં સંતાનો, માતા-પિતા,
પત્ની કે બહેન...તેમની વાટ જોતાં... દિવસો ગણતાં હોય ત્યારે ખાવડા પાસેના
રણમાં શુક્રવારનો સૂર્યોદય થાય તે પહેલાં ભાંગતી રાતે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં
પળભરમાં હતા ન હતા થઇ ગયેલા સાત યુવા કામદારના પરિવારજનોને તેમનો આધાર હંમેશ માટે છીનવાઇ
ગયાની જાણ થશે ત્યારે શી હાલત થશે ? પેટનો ખાડો પૂરવા આવેલા કામદારોને
કાળ ભરખી ગયો એમાં જવાબદારી કોની ? એ મુદ્દો ગંભીર છે. અકસ્માતની
ભયાનકતા કેવી ? 7 મૃત્યુ અને
25થી વધુ ઘાયલ. જોનારનું કાળજું કંપી જાય
એવાં દૃશ્યોની તસવીર કચ્છમિત્ર પાસે આવી પણ એ પ્રસિદ્ધ કરી શકવાની હિંમત કેમ થાય ? ઔદ્યોગિક વિકાસને પગલે હરણફાળ ભરી રહેલા કચ્છની
આ કાળી બાજુ છે. ઔદ્યોગિક અકસ્માતો, માર્ગ દુર્ઘટના રોજિંદા થઇ
ગયા છે. કાયદાકીય રીતે પગલાં લેવાય, વળતરે ચૂકવાય પણ અકાળે જીવન
સમાપ્ત થઇ જાય ત્યારે પરિવારને પડતી ખોટ કદી પૂરી શકાતી નથી. ખાવડા પાસેના રણની ગોઝારી
દુર્ઘટનાને માર્ગ અકસ્માત ગણવો કે ઔદ્યોગિક અકસ્માત ? જવાબ જે
હોય તે પણ કચ્છમાં આ પ્રકારના વધતા બનાવો સૂચવે છે કે નિયમોનું પાલન બરોબર થતું નથી.
આર.ઈ. પાર્ક સીમાવર્તી ક્ષેત્ર છે, પ્રતિબંધિત વિસ્તારમાં મંજૂરી
કે પરવાના વિના ચકલુંએ ન ફરકી શકે ત્યાં કાયદાના પાલનની દરકાર કેવી થતી હશે
? એ પણ ગંભીર સવાલ છે. બોલેરોમાં 32 શ્રમિકને બેસાડાયા હોવાનું
કહેવાય છે. ધસમસતું આ વાહન કંટ્રોલ જ ક્યાંથી થાય
? કચ્છના નેશનલ અને સ્ટેટ હાઇવે ઉપરાંત અંતરિયાળ માર્ગો પર ઓવરલોડ દોડતી
ટ્રક-ટ્રેઇલરો ગમખ્વાર અકસ્માતોમાં નિમિત્ત બને છે. મીઠાની હેરફેર કરીને કંડમ થઇ ગયેલાં
ભારવાહક વાહનોની ચકાસણી કદી થાય છે ખરી ? આ બધા ગંભીર મુદ્દા
ત્વરિત ધ્યાન માગી લે છે. વિકાસ માત્ર લાખો કરોડોના મૂડીરોકાણથી જ નથી મપાતો,
ઉદ્યોગો આવે એટલે પ્રગતિ લેખાતી હશે, પરંતુ ખરો
વિકાસ ત્યારે જ લેખાય જ્યારે તેના વાહકો-તેનું માધ્યમ એવા કર્મચારી-કામદારોની,
તેમના પરિવારોની સલામતી, સુખાકારીની ચિંતા કરવામાં
આવે, પર્યાવરણ અને જીવસૃષ્ટિના જતનનીય દરકાર લેવામાં આવે,
ગેસ ગળતર, બોઈલર ફાટયું, મશીનમાં કપાઈ જવું જેવી કચ્છમાં ઔદ્યોગિક દુર્ઘટનાઓ અને ભારે વાહનોના લીધે
સર્જાતા અકસ્માતોનો હિસાબ માગીએ તો ખબર પડે કે આ જિલ્લો વિકાસની કેટલી મોટી કિંમત ચૂકવી
રહ્યો છે. ખાવડાના રણમાં સર્જાયેલા અકસ્માતનું લોહી થોડા દિવસોમાં સુકાઈ જશે,
પણ દુર્ઘટનાની ભીષણતા ભુલાવી ન જોઈએ. અકસ્માતની જાણ થતાં જ ખાવડા પોલીસે
તાબડતોબ ધસી જઈને ત્વરિત પગલાં લેતાં અનેકના જીવ બચાવી શકાયા હોવાનું જાણવા મળે છે.
તંત્રએ આનુષંગિક વ્યવસ્થા ગોઠવી પણ પછી શું એ પ્રશ્ન મોટો છે. સરકારે ઔદ્યોગિક માર્ગ સલામતીના પોતાના જ નિયમોના
અને ફેક્ટરી એક્ટના અમલ માટે કડક બનીને શ્રમજીવીઓની જિંદગી સાથે ચેડાં ન થાય એ જોવું
જોઈએ. પોલીસ આ બનાવમાં ઊંડા ઊતરીને જવાબદાર કંપની કે કોન્ટ્રાક્ટર્સ જે હોય તેની સામે
આકરી કાર્યવાહી કરે એ અપેક્ષિત રહેશે.