• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

હવે રાષ્ટ્રપતિના દરબારમાં વિપક્ષોની રાવ

નવી દિલ્હી, તા. 9 : મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માંગ સાથે સળંગ ત્રણ દિવસથી રસ્તા પર ઊતરી પડતાં વિરોધ પ્રદર્શન કરી રહેલા કોંગ્રેસ સહિત વિપક્ષી ઈન્ડિયા જોડાણના નેતાઓએ શુક્રવારે રાત્રે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે મુલાકાત કરી હતી. બેઠક બાદ કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે,  દેશમાં મતચોરી થઈ રહી છે એ મુદ્દે રાષ્ટ્રપતિએ પણ ઈન્કાર કર્યો નહોતો. વિપક્ષી જોડાણે સળંગ ચોથા દિવસે પ્રદર્શન કરી, રેલી કાઢી હતી. જૂના સંસદ ભવનના સેન્ટ્રલ હોલમાં એક કલાક બેઠક કરી હતી. ત્યારબાદદ, સંસદથી રાષ્ટ્રપતિ ભવન સુધી પગપાળા રેલી કરી હતી. રાહુલ, મમતા બેનર્જી, મલ્લિકાર્જુન ખડગે સહિત 10 વિપક્ષી સાંસદોનું પ્રતિનિધિ મંડળ રાષ્ટ્રપતિને મળ્યું હતું. રાષ્ટ્રપતિએ અમારી પાસે પુરાવા માગ્યા તેવું કહેતાં રાહુલે જણાવ્યું હતું કે, હવે અમે સોમવારે સુપ્રીમ કોર્ટ જશું. અમે રાષ્ટ્રપતિને પુરાવા આપશું. મમતા બેનર્જીએ આવેદન પાઠવ્યા બાદ કહ્યું હતું કે રાષ્ટ્રપતિએ પુરાવા આપવા કહ્યું છે. રાષ્ટ્રપતિ સમક્ષ વોટચોરી મુદ્દે હસ્તક્ષેપની માગણી કરવામાં આવી હતી. તેમણે સકારાત્મક વલણ અપનાવ્યું છે અને જનતાનો અવાજ સાંભળ્યો છે. બીજી તરફ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું હતું કે, તમામ વિપક્ષી નેતાઓએ રાષ્ટ્રપતિ સામે પોતાની વાત રજૂ કરી હતી અને વોટચોરીનો મુદ્દો ઉઠાવ્યો હતો. વધુમાં ફરીથી ચૂંટણી કરાવવા, ઈવીએમ હટાવીને બેલેટ પેપર લાવવા માગણી કરાઈ હતી. રાષ્ટ્રપતિએ આ મુદ્દે પુરાવા માગ્યા છે.  રાષ્ટ્રપતિ સાથે મુલાકાત પહેલાં સાંજથી જ સેન્ટ્રલ હોલમાં વિપક્ષી સાંસદોનો જમાવડો થવા લાગ્યો હતો. લોકસભામાં વિપક્ષી નેતા રાહુલ ગાંધી, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, તૃણમૂલ કોંગ્રેસનાં વડા મમતા બેનર્જી સહિતનાં નેતાઓ ત્યાં એકત્ર થયા હતાં. અહીં જ્ઞાનેશકુમારને હટાવવા અને સર વિશે પોતાની ચિંતાઓ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવાના મુદ્દે ચર્ચા કરીને રણનીતિ ઘડવામાં આવી હતી. રાષ્ટ્રપતિએ વિપક્ષી સાંસદોને રાતે 8 વાગ્યાનો સમય આપ્યો હોવાથી તે પહેલાં જ તમામ સાંસદોએ રાષ્ટ્રપતિ ભવન તરફ જ્ઞાનેશકુમારનાં રાજીનામાંની માગણી કરતાં બેનર સાથે કૂચ કરી હતી. સઘન સુરક્ષા બંદોબસ્ત વચ્ચે આગળ વધતાં વિપક્ષી નેતાઓને વિજયચોક ખાતે રોકી લેવામાં આવ્યા ત્યારે કેન્દ્રની મોદી સરકાર અને ચૂંટણીપંચ વિરુદ્ધ જોરદાર નારાબાજી થઈ હતી અને સુરક્ષાદળો સાથે ટકરાવની સ્થિતિ પેદા થઈ ગઈ હતી. ત્યાંથી આગળ ફક્ત એ 10 સાંસદોને જ રાષ્ટ્રપતિ સાથે મુલાકાત કરવા માટે જવા દેવામાં આવ્યા હતા જેમની સાથે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મુલાકાતનો સમય આપેલો હતો, જેને પગલે બાકીનાં સાંસદો અને નેતાઓએ વિજયચોકમાં જ ધરણાં પ્રદર્શન શરૂ કરી દીધા હતાં. રાષ્ટ્રપતિ ભવન તરફ જતા રાયસીના હિલ્સ વિસ્તારમાં સઘન સુરક્ષા ઘેરો તૈનાત કરી દેવામાં આવ્યો હતો. વિપક્ષી નેતાઓએ દુનિયાનાં સૌથી મોટા લોકતંત્રમાં શાંતિપૂર્ણ પ્રદર્શન કરવાની આઝાદી પણ ન હોય તો આને અઘોષિત કટોકટી અને તાનાશાહી ચાલતી હોવાનો આરોપ  લગાવ્યો હતો. વિપક્ષના રાજ્યસભા અને લોકસભાનાં મળીને તમામ 300 સાંસદો રાષ્ટ્રપતિને મળવા માગતા હતાં પણ ફક્ત 10 લોકોને જ મળવાની અનુમતિ આપવામાં આવી હોવા સામે પણ રોષ ઠાલવવામાં આવ્યો હતો.

Ram Katha

Vyapar Utsav

Panchang

dd