ન્યૂયોર્ક, તા. 9 : અમેરિકામાં લગભગ 21 લાખ ભારતીય મૂળના મતદાર છે
તે પૈકી બે લાખ મતદારનાં નામ કમી કરાયાં છે. તેનું એક કારણ અમેરિકામાં ત્રીજી નવેમ્બરે
યોજાનારી મધ્યસત્ર ચૂંટણી મનાય છે. આ ચૂંટણીમાં ટ્રમ્પના પક્ષને હારનો ડર પરેશાન કરે
છે. અમેરિકાના 26 રાજ્યમાં જે બે લાખ ભારતીય
મૂળના મતદારોનાં નામ રદ કરાયા તે જગ્યાએ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની સત્તા છે. ટ્રમ્પના
પક્ષનું માનવું છે કે, આ ભારતીયોનો
ઝૂકાવ હંમેશાં ટ્રમ્પ વિરોધી ડેમોક્રેટિક પક્ષ તરફ છે. 2024માં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ
હતી તેમાં લગભગ 65 ટકા ભારતીય
મૂળના મતદારોએ કમલા હેરીસને મત આપ્યા હતા. અમેરિકામાં ટ્રમ્પનું તંત્ર મતદારયાદી તપાસી
રહ્યું છે, જેથી બોગસ મતદારોના નામ કમી કરી શકાય. આ કારણે ચૂંટણીમાં થતી
ગરબડ અટકાવીને ચૂંટણી પ્રક્રિયાને વધુ સુરક્ષિત બનાવવામાં સરળતા રહેશે. આ જ કારણે ટ્રમ્પ
સેવ અમેરિકા એક્ટને સમર્થન આપે છે. ફેબ્રુઆરીમાં અમેરિકાની સંસદે ખરડાને મંજૂરી આપી
હતી. જે અંતર્ગત વ્યક્તિને અમેરિકાના નાગરિક છે તેવું સાબિત કરવા જન્મનો દાખલો કે પાસપોર્ટ
જેવા દસ્તાવેજો આપવા જરૂરી છે. ઉલ્લેખનીય છે કે, મત આપવા માટે
ઓળખપત્ર બતાવવાના નિયમ પણ કડક બનાવાશે. આ નિયમ મતદાન બૂથ પર અને ટપાલ દ્વારા કરાતા
મતદાન બન્નેમાં લાગુ પડશે. ટ્રમ્પ ચૂંટણી દરમ્યાન મોટાપાયે ગરબડો થતી હોવાનો દાવો કરે
છે, પરંતુ હજુ સુધી એ દાવાને સમર્થન આપતા નક્કર પુરાવા મળ્યા
નથી. બ્રેનન સેન્ટર ફોર જસ્ટિસની એક તપાસમાં પણ યોજાયેલી ચૂંટણીઓમાં થયેલી ગરબડોની
ઘટનાઓ ખૂબ ઓછી નોંધાઈ છે.