માતાના મઢ, તા. 9 : કચ્છ કુળદેવીમાં આશાપુરાનાં
સ્થાનકે હજારો પદયાત્રીઓ સહિતનાં શ્રદ્ધાળુએ માતાજીનાં ચરણોમાં શીશ નમાવી માનંતાઓ પૂરી
કરી હતી. ઘટસ્થાન પૂર્વે જ માઈભક્તોથી મા.મઢ ધામ ઉભર્યું હતું. સવારે મંદિરનાં કપાટ
ખુલ્યા બાદ મંગળા આરતી, શ્રુંગાર આરતી
અને સંધ્યા આરતી વખતે મંદિરનાં પ્રાંગણમાં દર્શનાર્થીઓનો ભારે પ્રવાહ નજરે પડયો હતો.
રાત્રીનાં દર્શન બાદ ભાવિકોએ ભોજન પ્રસાદ લઈ મંદિર પ્રાંગણમાં પોતાનો થાક ઉતારવા વિસામો
લઈ આરામ કર્યો હતો. પદયાત્રીઓ પોતાના પરિવાર સાથે બેથી પાંચ વર્ષનાં બાળકો સાથે મઢની
પદયાત્રા પૂર્ણ કરી હતી. મઢની તમામ ઉતારા વ્યવસ્થા સાંજે હાઉસફુલ થઈ ગઈ હતી. - મોટર સાઈકલ ચોરાઈ : આસ્થા ને
શ્રદ્ધાનાં આ માહોલ વચ્ચે ગુરુવારની રાત્રીએ 8 વાગ્યાની આસપાસ મંદિરના ગેટ નંબર-2 બારેથી પાર્ક કરેલી હીરો હોન્ડા બાઈક નંબર
જીજે 12 એસી 721ની ચોરી થઈ હતી. ગ્રામપંચાયતનાં
સીસી ટીવી કેમેરામાં આ બાઈકચોર નજરે જોવા મળ્યો હતો. બાઈક માલિક લાલુભા સોઢાએ આ બનાવની
જાણ સીસી ટીવી ફુટેજ સાથે પોલીસને કરી હતી. બીજી બાજુએ મહિલાઓના બેગ-પાકિટ ચોરી થઈ
છે. તેવી ફરિયાદ ઊઠી છે. મઢ અને રવાપર વચ્ચે સવારનાં ભાગે વાહન ચાલકો અને પદયાત્રીઓનાં
પ્રવાહને કારણે એકાદ કલાક માટે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી. મઢ જાગીરનાં મેગા
કેમ્પ આજે બહોળી સંખ્યામાં ભોજન પ્રસાદ લઈ પદયાત્રીઓએ રાતવાસો કરાયો હતો.