મુંદરા તા.9 : પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોને સીધી બજાર મળે તેવા ઉદ્દેશ સાથેની
સરકારના ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ, એગ્રિકલ્ચરલ ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સી તથા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ
બોર્ડની યોજના મુજબના મુંદરા તાલુકાનાં આ પ્રકારના પ્રથમ વેચાણ કેન્દ્રનો તાજેતરમાં
રાજ્યભરના આવા અન્ય ફાર્મની સાથે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે વર્ચ્યુઅલ લોકાર્પણ
સાથે આરંભ થયો હતો. ખેતીવાડી અધિકારીઓ, મહાનુભાવોની ઉપસ્થિતિમાં
યોજાયેલા આ સમારોહ સાથે ભોરારા- મંગરા રોડ પર સુરભી નેચરલ ફાર્મના સહયોગથી પ્રાકૃતિક
ખેત પેદાશ વેચાણ કેન્દ્રનો આરંભ કરાયો હતો.
આ કેન્દ્રમાં ખેડૂતોને ગ્રાહકોથી સીધું જોડાણ કરીને પ્રાકૃતિક શાકભાજી,
કઠોળ અને અનાજનું વેચાણ કરવાની તક મળશે. આ પ્રસંગે ખેતીવાડી અધિકારીઓ
દ્વારા જણાવાયું હતું કે, ભોરારામાં સુરભી ફાર્મના સહયોગથી શરૂ
થયેલા આ કેન્દ્રથી ખેડૂતોને કોઈ વેપારીના બદલે વેચાણનો સીધો લાભ મળશે. તેઓએ લોકોના
સ્વસ્થ જીવન માટે ખેડુતો પ્રાકૃતિક ઉપજ અપનાવે એ બાબત પર ભાર મુકયો હતો. મુંદરા તાલુકામાં આ પ્રકારનું પહેલું કેન્દ્ર છે,
જેમાં સરકાર દ્વારા ખેડૂતોને સીધો માર્કાટિંગ લાભ મળશે. આ કાર્યક્રમમાં
જિલ્લા ખેતીવાડી અધિકારી કિરણાસિંહ વાઘેલા, નાયબ ખેતીવાડી નિયામક
(વિસ્તરણ) પી. કે. પટેલ, નાયબ ખેતીવાડી નિયામક (તાલીમ) પી.
કે. તલાટી, ડેપ્યુટી પ્રોજેક્ટ ડાયરેક્ટર કલ્પેશ મહેશ્વરી,
કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક જયદીપ ગોસ્વામી, સુરભી ફાર્મના ભોગીલાલભાઈ ચાવડા, રાજ્ય અ. જાતિ મોરચા
પૂર્વ પ્રમુખ રામજીભાઈ ધેડા, જિ. પં. શિક્ષણ સમિતિના પૂર્વ ચેરમેન
વિરમભાઈ ગઢવી, મુંદરાના પૂર્વ સરપંચ ધર્મેન્દ્ર જેસર,
મુંદરા તા. પં. સદસ્ય મનોહરાસિંહ
જાડેજા વિ. ઉપસ્થિત રહ્યા હતા. ખેતી નિયામક કે. વી. પટેલે સ્વાગત કર્યું હતું.આ પ્રસંગે
ખેડૂત અગ્રણીઓ ગિરીશ ચૌહાણ, દિનેશ વાલાણી, દેવરાજ ગઢવી, ડેરીના જુણસ ધિયા, વસીમ નોડે ઉપસ્થિત રહ્યા હતા. આયોજનમાં
આશિષ સોની, નિગમ ચાવડા, મહેશ આશર, નિશાંત
ચાવડા, હરિભાઈ ગઢવીએ સહયોગ આપ્યો હતો.