• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

ગરબે ઘૂમવાને ઘેલા ઘેરદાર ઘમ્મરિયા...

હેતલ પટેલ દ્વારા : ભુજ, તા. 9 : મા અંબાની આરાધના અને રાસગરબાની રમઝટનો તહેવાર એટલે નવરાત્રિ. નવરાત્રિ આવે એટલે ખેલૈયાઓ માટે માત્ર નવા સ્ટેપ્સ સાથે રમવું નહીં, પરંતુ દરરોજ કંઈક નવું અને આકર્ષક પહેરવું પણ એટલું જ મહત્ત્વનું બની જાય છે. દર વર્ષે ફેશનમાં નવા ટ્રેન્ડ્સ જોવા મળે છે. આ વર્ષે પરંપરાગત કળા સાથે ફ્યુઝન અને કમ્ફર્ટ સાથે રોયલ લૂક સાથેનો સમન્વય જોવા મળી રહ્યો છે. પોતાના લૂકને અલગ તારવવો એ જ આજના ખેલૈયાઓનો નવો મંત્ર છે. પરંપરાગત ચણિયાચોળી સાથે ઈન્ડો-વેસ્ટર્ન આઉટફિટ, કસ્ટમાઇઝ્ડ ડિઝાઇન અને મિક્સ એન્ડ મેચ વસ્ત્રો યુવા વર્ગમાં ખાસ પસંદગી પામી રહ્યાં છે. - હેન્ડીક્રાફ્ટની વધતી માંગ : ભુજના અનમ રિંગરોડ પર આવેલા હેન્ડીક્રાફ્ટના વેપારી રિતેશભાઈ સંઘવી જણાવે છે કે, લોકો આર્ટિફિશિયલ વર્કને બદલે ઓરિજિનલ વર્ક અને સારી ગુણવત્તાવાળાં કાપડને વધુ પસંદ કરી રહ્યા છે તેમજ સફેદ રંગની ખાસ માંગ જોવા મળી રહી છે. ગ્રાહકોને નવીન પીરસવાના ઉદ્દેશથી આ વખતે રોમન સિલ્ક તથા કાલા કોટન મટીરિયલ પર કલેક્શન તૈયાર કરાયું છે તેમ કહ્યું હતું. બાળકો માટે રૂા. 1,500થી 3,500 અને મહિલાઓ માટે રૂા. 3,000થી 6,500 સુધીમાં ચણિયાચોળી વિથ દુપટ્ટાનું કલેક્શન ઉપલબ્ધ છે. વસ્ત્રો સાથે એસેસરીઝમાં મિરર બેલ્ટ, બેલ્ટ વર્ક તથા મોબાઈલ કવરની પણ માંગ જોવા મળી રહી છે. - કુર્તા-પાયજામા વિથ અજરખ જેકેટ : જે યુવકો સિમ્પલ, પરંતુ રોયલ લૂક ઈચ્છે છે, તેઓ કોટન કે સિલ્કના શોર્ટ કુર્તા અથવા કુર્તા-પાયજામા સાથે અજરખ, કચ્છી કે બાંધણી પ્રિન્ટનું જેકેટ - નેહરુ જેકેટ પસંદ કરી રહ્યા છે. ભુજના જ્યુબિલી સર્કલ પર આવેલા હેન્ડીક્રાફ્ટ વસ્ત્રોના વેપારી હસમુખભાઈ કેશરિયા કહે છે કે, આ વખતે ચોલીમાં એન્ટિક પેચવાળા લોંગ બ્લાઉઝ, હોલ્ટરનેક બ્લાઉઝ, સ્પેગેટી બ્લાઉઝ, સ્ટ્રિંગ બ્લાઉઝ, કફ્તાન વિથ કોલર સ્ટાઇલનું ચલણ વધ્યું છે, જ્યારે દુપટ્ટામાં એપલિક - કાથા વર્ક અને વિન્ટેજ તેમજ ચીનોન દુપટ્ટાની માંગ જોવા મળી રહી છે. - ચણિયાચોળીમાં સિમ્પલ ટ્રેન્ડ : ભુજના છઠીબારી રિંગરોડ પર ભાડે વસ્ત્રોના વિક્રેતા ચિંતનભાઈ મહેતાએ જણાવ્યું હતું કે, આ વખતે નવરાત્રિમાં 8થી 10 મીટરના ફૂલ-ઘેરવાળા પ્લેન ચણિયાચોળીનું ચલણ વધ્યું છે. રૂા. 200થી 400 સુધીના ભાડાંમાં મનગમતા ચણિયાચોળી ઉપલબ્ધ છે. આ સાથે માતાજીના મુખવાળી કલગીવાળી પાઘડી તથા નિયોન દાંડિયા આકર્ષણનું કેન્દ્ર બન્યા છે. નવરાત્રિના પરિધાનમાં ઇન્ડો-વેસ્ટર્ન લૂકના ટ્રેન્ડ સાથે વ્હાઇટ-બ્લેક તથા ફેન્ટા ઓરેન્જ જેવા કલર કોમ્બિનેશન તેમજ ખાસ કરીને 24 મીટરની ઘેરવાળા ચણિયાચોળીની વધુ માંગ છે તેમજ ભાવવધારો પાંચથી 10 ટકા હોવાનું જણાવું હતું  - ભગવાનના વાઘા : હવે માત્ર ખેલૈયાઓ જ નહીં, પરંતુ દેવી-દેવતાઓના શણગાર માટે પણ ખાસ કચ્છી વસ્ત્રોની માંગ ઊભી થઈ છે. ભગવાનના વાઘા પણ ચણિયાચોળીની ડિઝાઇન મુજબ તૈયાર કરાવી રહ્યા હોવાનું વેપારી સિદ્ધાર્થ ઠકકરે જણાવ્યું હતું. - નખશિખ શણગાર : ભુજની લાલન કોલેજ પાસે નવરાત્રિ સ્પેશિયલ જ્વેલરીના વેચાણ માટે રાજસ્થાનથી આવેલા રાજેશભાઈ બાવરિયાએ જણાવ્યું હતું કે, આ વર્ષે કોડી, ક્રોશિયા તેમજ એરકફ ઈયરારિંગ્સ ટ્રેન્ડમાં છે. રૂા. 600થી 1100 સુધીમાં કમર કંદોરા અને રૂા. 200થી 500ની રેન્જમાં નેકલેસ મળી રહ્યા છે. ટોપી, દાંડિયા, જ્વેલરી, બાળકો માટેની જ્વેલરી, મોજડી, પર્સ સહિત નખથી શિખ સુધીના શણગારની વિવિધ ચીજવસ્તુઓ એક જ સ્થળે ઉપલબ્ધ છે. એમ્બ્રોઈડરીવાળી ઝરી મોજડી અને કોલ્હાપુરી ચંપલ પહેરવાનો ક્રેઝ પણ વધ્યો છે. આ વખતે સિલ્વર જર્મન જ્વેલરી તેમજ ઇયર કપ્સની બોલબાલા હોવાનું ઇમિટેશન જવેલરી શોપના વેપારી શ્યામભાઈ ગોરે જણાવ્યું હતું. - મોટિફવાળી ડિઝાઇન પ્રથમ : અમદાવાદથી આવેલા વેપારી સચિન પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે ઓક્ટોપસ ચોળી તેમજ કમખા ચોળીની માંગ વધુ જોવા મળી રહી છે. ફ્રિન્જ ચોળીમાં ઘૂઘરી, કોડી અને ટેસલનું સંયોજન આકર્ષણ જમાવી રહ્યું છે. ચણિયામાં સિલ્વર-ગોલ્ડન લાડવા પેટર્ન ઉપરાંત મલ્ટીકલર, 17 પટ્ટી, ગોટા પટ્ટી, સિંગલ પટ્ટી, ડિજિટલ પ્રિન્ટ, અજરખ અને મશરૂ પ્રિન્ટના ચણિયાચોળી રૂા. 1500થી 5000ની રેન્જમાં ઉપલબ્ધ છે. સ્વસ્તિક,  પગલાં, ઘૂઘરુ તેમજ `ગરબા વાઇબ્સ' જેવા લખાણવાળી પ્રિન્ટ અને વિવિધ મોટિફ ધરાવતા ચણિયા આ વર્ષની ખાસિયત બની રહ્યા છે, તેમ સુનીલ સોલંકીએ જણાવ્યું હતું. છેલ્લા 15 વર્ષથી નવરાત્રિ દરમિયાન અમદાવાદથી ભુજમાં વેચાણ માટે આવતા અરાવિંદભાઈ પરમારે જણાવ્યું હતું કે, આ વર્ષે પુરુષો માટે ખાસ કુર્તાનું કલેક્શન લાવવામાં આવ્યું છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd