• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

જીવશું ત્યાં સુધી માનાં ચરણે ...કઠિન માનતા સાથે રસ્તા માતાના મઢ ભણી

ચન્દ્રશી મહેશ્વરી દ્વારા : ભુજ, તા. 9 : કચ્છ ધણિયાણી મા આશાપુરાનાં દર્શનાર્થે પદયાત્રીઓનો પ્રવાહ આગળ ધપી રહ્યો છે. ભુજથી પુંરેશ્વર મહાદેવ સુધીના માર્ગે અંદાજે 40 હજાર જેટલાં માઇભક્ત માતાજીનાં દર્શન માટે મઢ ભણી આગળ ધપી રહ્યા છે. પદયાત્રીઓ માટે ભુજથી પુંરેશ્વર મહાદેવ સુધીના માર્ગની બંને બાજુ 150 સેવા કેમ્પ ધમધમી રહ્યા હતા. જિલ્લાના તમામ માર્ગો હવે માતાના મઢ ભણી છે અને સેવા કેમ્પોમાં રાજકોટ મોરબી, મહારાષ્ટ્રના સેવાભાવીઓ સેવા આપી રહ્યા છે.  સેવા કેમ્પમાં ચા, નાસ્તો, ભોજન, સ્નાન, મેડિકલ સારવાર, નાના બાળકો માટે ઘોડિયા સહિતની સુવિધા આપવામાં આવી રહી છે. નવરાત્રિ શરૂ થાય તે પહેલાં પગપાળા જતા ભાવિકો માતાજીનાં દર્શન કરી પરત ઘરે પહોંચી જાય છે. અમુક ભાવિકોએ માતાજીની માનતા માની છે, તો અમુક આસ્થા અને મક્કમ મનોબળ સાથે વર્ષેથી પરંપરા જાળવી છે. - જીવીશ ત્યાં સુધી માથે ગરબો  : રાજકોટ જિલ્લાના પડધરી તાલુકાના બેલાના 65 વર્ષીય વનરાજસિંહ મેરૂભા જાડેજા કહે છે તેઓ 29 વર્ષથી માથે ગરબો લઇને પગપાળા આવે છે અને જીવશે ત્યાં સુધી આ રીતે આ રીતે પગપાળા આવશે. તેમની સાથે સેવાભાવી દશરથસિંહ ભુરૂભા ઝાલા અને ધીરૂભાઈ કોળી પણ છે. - 10 કિલોની સાકળ બાંધી : ખેડાનો યુવાન જયદીપસિંહ જશવંતસિંહ કહે છે માતા બીમાર હોઈ તેમણે માનતા માની હતી અને માતા સાજા થઇ જતાં શરીરે 10 કિલોની સાંકળ બાંધી ખેડાથી 500 કિ.મી.નું અંતર કાપી દેશદેવીના દરબારમાં માથું ટેકવશે. - બે ભૂલકાં સાથે પરિવાર : મોરબીના નીતિનભાઈ બાબુભાઇ ભીલ દોઢ વર્ષ અને ત્રણ વર્ષનાં ભૂલકાં સાથે માતાજીનાં દર્શન માટે પગપાળા જાય છે, તો ઓધવરામ પરષોત્તમ ભાનુશાળી સંઘ છેલ્લાં 25 વર્ષથી માતાજીના રથ સાથે આવે છે અને આવા રથ સાથેના પાંચ ગ્રુપ છે. - 30 મણ શેરડીનો રસ : આશાપુરા ગ્રુપ ભુજના અક્ષય ગોસ્વામી કહે છે તેઓ આઠ વર્ષથી દેશલપર પાસે સેવા કેમ્પ યોજે છે અને એક જ દિવસમાં 30 મણ શેરડીનો રસ પીવડાયો છે. - નવ વર્ષથી સેવા કેમ્પ : દેશલપર પાસે કેમ્પના પીપળિયા હનુમાન ગ્રુપના ધર્મેશભાઈ કુકડિયાએ જણાવ્યું હતું કે, તેઓ અહીં નવ વર્ષથી સેવા કેમ્પ યોજે છે, જેમાં પદયાત્રીઓને ચા, નાસ્તો, ભોજન સહિતની સુવિધા અપાય છે. જેના મુખ્ય દાતા તેઓ અને ચંદુભાઈ કાપડિયા, વિનુભાઈ ચૌહાણ છે અને ગ્રુપના અન્ય 20 કાર્યકર સહયોગ આપી રહ્યા છે. દર વર્ષે દોઢ લાખનો ખર્ચ થાય છે. પ્રથમ વર્ષે મંડપનો ખર્ચ 15 હજારનો હતો, જે હાલે વધીને 25 હજારે પહોંચ્યો છે. - 12 ફૂટની ધજા : ગાંધીધામથી 25 લોકોનો સંઘ 12 ફૂટની ધજા સાથે માતાના મઢ જવા નીકળ્યો છે. તેઓએ ચાર દિવસમાં 12 ફૂટની ધજા તૈયાર કરી છે. - 50 હજાર ઢોસા ખવડાવ્યા : પુંરેશ્વર નજીક જય મા આશાપુરા યંગસ્ટર ગ્રુપ મુલુન્ડના મૂળ કચ્છના પાંચોટિયાના કનૈયાભાઈ બારોટે કહ્યું હતું કે, તેઓ અહીં છેલ્લા 16 વર્ષથી સેવા કેમ્પ યોજે છે. 35 સેવાભાવી સાથે શરૂ થયેલા સેવા કેમ્પમાં હાલે 151 કાર્યકર જોડાયા છે. કેમ્પમાં પદયાત્રીઓને ચા, કોફી, મેડિકલ, ઢોસા, શેરડીનો રસ સહિતની સેવા અપાય છે. ત્રણ દિવસમાં 100 મણ શેરડી રસ પીવડાવાયો છે અને 50 હજાર ઢોસા ખવડાવાયા છે. પ્રથમ વર્ષે અઢી લાખનો ખર્ચ થયો હતો આ વર્ષે ખર્ચ 15 લાખે પહોંચી જશે. દર વર્ષે ખર્ચ દાતાઓ, ગ્રુપના કાર્યકરો ભોગવે છે. આજે એક જ દિવસમાં આ માર્ગે 40 હજાર ભાવિક મઢ ભણી આગળ વધ્યા છે. કેમ્પમાં કીર્તન માણેક, સાગર કતિરા સહિત ભાનુશાલી, ક્ષત્રિય, ગઢવી, લોહાણા સમાજના લોકો અને મરાઠી લોકો સેવા આપી રહ્યા છે. મસાલા સહિતનો સમાન મુંબઈથી લઇ અવાય છે.  ગ્રુપના લોકોનાં ભોજન સહિતની વ્યવસ્થા નજીકમાં જુસબદાદાનાં સ્થાનકે કોઠારી પરિવાર દ્વારા કરાય છે. - 100 જણ દર્શનાર્થે : પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના પર ગામના જાડેજા હનુભાએ જણાવ્યું હતું કે, ગત વર્ષે 100 જણનો સંઘ સાઈકલથી આવ્યો હતો. આ વખતે કંઈક નવું કરવાની મહેચ્છા સાથે માતાજીનો રથ લઈને પગપાળા 300 કિ.મી. અંતર કાપી મઢ પહોંચશે. - ભુજના કેમ્પ ધમધમે છે : ભુજના પ્રવેશદ્વારે માધાપર અને આરટીઓ રિલોકેશન ખાતે 21 વર્ષથી નમો નવરાત્રિ કેમ્પ, શિક્ષક સંગઠન, આઇ.એમ.એ. તાલુકા પંચાયત, તલાટી મંડળ, મહેસૂલી કર્મચારીઓ, તો માર્ગ અને મકાન વિભાગ, રાજેન્દ્રસિંહ જાડેજા સહિત આગળ વધતા મિરજાપર પાસે મુંબઇનો કેમ્પ, તો માનકૂવા પાસે ઇશ્વરગિરિ ગોસ્વામી અને લખધીરાસિંહ જાડેજા દ્વારા ભજિયા કેમ્પની સેવાનો લાભ હજારો પદયાત્રિક લઇ રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd