• શનિવાર, 10 ઑક્ટોબર, 2026

શ્રાદ્ધ પક્ષમાં જ માતાના મઢમાં 80 હજારથી વધુ ભાવિકો પહોંચ્યા

માતાના મઢ, તા.8 : કચ્છ ધરાના માર્ગો પર હજારોની સંખ્યામાં પદયાત્રીઓનો પ્રવાહ જોવા મળી રહ્યો છે. માતાના મઢ  તરફ પોતાની માનતા પુરી કરવા ભક્તો તેરમાં શ્રાદ્ધ સુધીમાં 80 હજારથી વધુ શ્રદ્ધાળુઓ આશાપુરાજીના દર્શન કરી પોતાની કઠીન માનતાઓ પુરી કરી ચૂક્યા છે. ભુજ, ભચાઉ, સામખીયાળી માર્ગે માતાનામઢ સુધી વિવિધ સંસ્થાઓ, મંડળો, પદયાત્રી સેવા કેમ્પો દ્વારા દરવર્ષની પદયાત્રીઓની સેવા કરી રહ્યા છે. બે અઢી દાયકાથી અવિરત સેવા કેમ્પો યોજી રહ્યા છે.  અનેક શ્રેષ્ઠીઓ, દાતાઓ, ફરતા વાહનોમાં પણ વિવિધ પ્રકારની ખાણી-પીણીની સામગ્રીઓનું વિતરણ કરી રહ્યા છે. બુધ અને ગુરૂવારે બે દિવસ દરમ્યાન 80 હજારથી વધુ શ્રદ્ધાળુએ માતાજીના ચરણોમાં શીશ નમાવ્યાનો અંદાજ અંકાઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે, મા આશાપુરાના મંદિરના કપાટ સવારના પાંચ વાગ્યાથી રાત્રે 12 વાગ્યા સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લા છે. ઓધવરામ સેવા સમિતિ મુંબઈના નેજા હેઠળ કનૈયાલાલ કટારિયા પરિવાર દ્વારા માતાજીના અન્નક્ષેત્રમાં 24 કલાક રસોડું ધમધમી રહ્યું છે. માતાજીના ભુવાજી પરિવાર તથા મંદિરના સ્વયંસેવકો ખડેપગે સેવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તા.10/10ની રાત્રીએ 9:30 કલાકે મઢ જાગીરના અધ્યક્ષ રાજાબાવા યોગેન્દ્રસિંહજીના હસ્તે ઘટસ્થાપન વિધિ કરાશે તેવું જણાવાયું છે. 600થી વધુ પોલીસ, એસઆરપી, જીઆરડી, ટ્રાફિક પોલીસ સહિત એસટી, પીજીવીસીએલ,  પાણી પુરવઠા, ડ્રગ્સ એન્ડ ફુડ વિભાગના અધિકારીઓ સહિતનું તંત્ર સજ્જ  રખાયું છે. વાહનપાર્કિંગની જગ્યાઓ ટુંકી પડી રહી હોવાનું જણાવાયું હતું. માતાના મઢ ગ્રામ પંચાયત દ્વારા માતાના મઢમાં ત્રણ વખત સફાઈ કામ, બે વખત પીવાના પાણીની વ્યવસ્થા કરાઈ રહી છે. તલાટી-મંત્રી, સરપંચ, ઉપસરપંચ તથા તમામ સભ્યો સહયોગ આપી રહ્યા છે તેવું સરપંચ કાસમભાઈ કુંભારે જણાવ્યું હતું. દર્શનાર્થે આવતા ભક્તો મા આશાપુરાજીના દર્શન બાદ, હિંગલાજ માતાજી, ખટલા ભવાની, ચાચરા ભવાની, શિતળા ભવાની તથા મઢની ઉત્તરે આવેલા જાગોરા ભવાની મંદિરે પણ દર્શનનો લાભ લઈ રહ્યા છે. પ્રાપ્ત માહિતી  મુજબ ભાદરવી અમાસ અને રવિવાર સુધી ક્ષત્રિય સમાજ, પાટીદાર સમાજવાડી, લોહાણા સમાજવાડી, તેમજ હોટલો, ગેસ્ટ હાઉસ અગાઉથી બુક થઈ ગયા છે. વલસાડના સંકેતભાઈએ જણાવ્યું હતું કે વલસાડ-સુરત વાપીનો સંઘ છેલ્લા સાત વર્ષથી ભુજથી મઢની પદયાત્રા કરી રહ્યા છે. 

Ram Katha

Vyapar Utsav

Panchang

dd