ગાંધીધામ, તા. 13 : અહીંના વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા સેવા સપ્તાહ
અંતર્ગત માનવસેવા અને પર્યાવરણ જતનનાં વિવિધ કાર્યોનું આયોજન કરવામાં આવ્યું હતું, જે અંતર્ગત ભાઈપ્રતાપ પ્રખંડ, જગન્નાથ પ્રખંડ,
રવેચી પ્રખંડમાં મળીને કુલ ત્રણ નિ:શુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન
કરાયું હતું, જેમાં 600થી વધુ લોકોએ આરોગ્ય
સેવાનો લાભ લીધો હતો. આ તમામ શિબિરનો પ્રારંભ પરંપરાગત રીતે દીપ પ્રાગટય દ્વારા
કરવામાં આવ્યો હતો. જૈન સેવા સમિતિ ટ્રસ્ટના સહયોગથી આયોજિત આ શિબિરોમાં અહીંના
ડો. જિજ્ઞેશ મહેતા, ડો. ભાવિન રાઠોડ, ડો. ભુમિત મિરાણી સહિતની નિષ્ણાત ટીમ દ્વારા દર્દીઓની જનરલ આરોગ્ય તપાસ
કરવામાં આવી હતી. શિબિરમાં ઉચ્ચ રક્તચાપ, મધુપ્રમેહ, દાંતની તપાસ કરી યોગ્ય તબીબી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.
સ્વસ્થ સમાજ, સમૃદ્ધ સમાજ સંકલ્પ સાથે યોજાયેલા આ
કાર્યક્રમમાં માત્ર આરોગ્ય જ નહીં પરંતુ પર્યાવરણની જાળવણી ઉપર પણ ભાર મૂકવામાં
આવ્યું હતું. ઉપસ્થિતો દ્વારા વૃક્ષારોપણ કરાયું હતું તેમજ સ્થાનિક લોકોને વધુમાં
વધુ વૃક્ષો વાવી તેનું જતન કરવા અપીલ કરાઈ હતી. આ સેવાકીય પ્રવૃત્તિમાં વિશ્વ
હિન્દુ પરિષદના પ્રાંત કાર્યકર્તા સુરેશ ગુપ્તા, મહાદેવભાઈ
વીરા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા. ઉપરાંત ગાંધીધામ નગર અધ્યક્ષ હરેશભાઈ રામવાણી,
કિરીટભાઈ કોટક, નગરમંત્રી કાનજીભાઈ ચૌધરી,
કૈલાસભાઈ રેગર તથા આંબાભાઈ રબારી, રામાભાઈ
રબારી, ધનાભાઈ રબારી સહિત મોટી સંખ્યામાં વિ.હિ.પ.ના
કાર્યકર્તાઓ, નગરજનો હાજર રહ્યા હતા. વિ.હિ.પ.ના હોદ્દેદારોએ
સેવા જ સંગઠનની ઓળખના મંત્ર સાથે સમાજના સ્વાસ્થ્ય, સેવા અને
પર્યાવરણનાં સંરક્ષણ માટે આગામી સમયમાં પણ આવા રચનાત્મક કાર્યક્રમો સતત ચાલુ
રાખવામાં આવશે તેવું જણાવ્યું હતું.