નવી દિલ્હી, તા. 9 : ઓમાનના દરિયામાંથી
કરુણ દુર્ઘટનામાં ગુજરાતના દેવભૂમિ દ્વારકા જિલ્લાના સલાયા બંદરનું એક માલવાહક જહાજ
ઓમાનના દરિયામાં ડૂબી ગયું છે. જહાજ પર સવાર કુલ 14 ખલાસીમાંથી બે ગુજરાતી ખલાસીનાં કમનસીબ મોત નીપજ્યાં છે, જ્યારે અન્ય 12 ખલાસીને બચાવી લેવામાં આવ્યા
છે. આ દુર્ઘટનામાં જીવ ગુમાવનારા કમનસીબ ખલાસીઓની ઓળખ ગંઢાર યાસીન નૂરમામદ અને ઇમરાન
ઇશાક ભાયા તરીકે થઈ છે. પ્રાપ્ત વિગતો અનુસાર, અકસ્માતનો ભોગ બનેલું સલાયાનું આ માલવાહક જહાજ 'મહેબૂબ
એ બુખારી' હતું, જેનો રજિસ્ટ્રેશન નંબર
બીડીઆઈ 1415 છે. આ જહાજ ગત 3 જુલાઈના દુબઈથી જનરલ કાર્ગો (સામાન) ભરીને
આફ્રિકાના જીબુટી જવા માટે રવાના થયું હતું. જહાજ જ્યારે ઓમાનના દરિયાઈ વિસ્તારમાંથી
પસાર થઈ રહ્યું હતું, ત્યારે અચાનક
હવામાન પલટાયું હતું અને દરિયામાં તોફાન શરૂ થયું હતું. ઊંચા ઉછળતાં મોજાં વચ્ચે જહાજના
બંને મુખ્ય એન્જિન એકસાથે એકાએક ફેઈલ થઈ ગયાં હતાં. જહાજને નિયંત્રિત કરવાના અને ડૂબતું
બચાવવાના તમામ આખરી પ્રયાસો નિષ્ફળ રહ્યા હતા. આખરે જહાજમાં પાણી ભરાવા લાગતાં અને
તે જળમગ્ન થવાની અણી પર હોવાથી, ટંડેલે સમયસૂચકતા વાપરીને તમામ
14 ક્રૂ મેમ્બરને પોતાનો જીવ બચાવવા
તાત્કાલિક દરિયામાં કૂદી પડવાનો આદેશ આપ્યો હતો.