• શુક્રવાર, 10 જુલાઈ, 2026

નિંગાળમાં રૂા. 4.36 લાખના શરાબ સાથે એકની અટક, બે હાથ ન આવ્યા

ગાંધીધામ, તા. 9 : અંજારના નિંગાળમાં બોલેરોમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને એક શખ્સને પકડી પાડયો હતો. અહીંથી રૂા. 4,36,356નો દારૂ જપ્ત કરાયો હતો. કાર્યવાહી દરમ્યાન એક શખ્સ નાસી છૂટયો હતો તેમજ મુખ્ય સૂત્રધાર હાજર નહોતો મળ્યો. બીજીબાજુ અંજારમાંથી રૂા. 23,030ના શરાબ સાથે એક શખ્સની ધરપકડ કરવામાં આવી હતી. નિંગાળમાં દરબારવાસ ક્ષત્રિય સમાજવાડી નજીક જયેન્દ્રસિંહ ઉર્ફે લાલો વાઘેલાના ઘર પાસે બોલેરોમાં દારૂનું કટિંગ કરી તેના ઘરે સંતાડવાનો હોવાની પૂર્વ બાતમીના આધારે ગત મોડી રાત્રે પોલીસ અહીં દોડી આવી હતી અને બોલેરો પાસે દોડી જતાં બે શખ્સ નાસવા લાગ્યા હતા, જે પૈકી જિગર મોહન ચૌહાણ (રહે. નિંગાળ)ને ઝડપી લેવાયો હતો જ્યારે થરાવડાનો શિવા લુહાર નામનો શખ્સ નાસી જવામાં સફળ રહ્યો હતો. આ બોલેરો નંબર જી.જે.-12 - સીટી-0478માંથી એપિસોડ 750 મિ.લિ.ની 192 બોટલ, 8 પીએમ 180 મિ.લિ.ના 1296 કવાર્ટરિયા, વાઈટલેસ જામુન વોડકા 180 મિ.લિ.ના 720 કવાર્ટરિયા, ગ્રીન લેબલ 750 મિ.લિ.ની 84 બોટલ, કિંગફિશર ટીન નંગ 72 એમ કુલ રૂા. 4,36,356નો શરાબ જપ્ત કરાયો હતો. જિગર તથા શિવાને જયેન્દ્રસિંહ ઉર્ફે લાલાએ રતનાલ-ધાણેટી જતા રોડ પાસે આઈ.ટી.આઈ.ની બાજુમાં બોલવી આ બોલેરો આપી હતી અને પોતાના ઘરે માલ ઉતારવાનું કીધું હોવાનું પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું હતું. આ મુખ્ય સૂત્રધાર તથા તેને દારૂ આપનારા શખ્સને પકડી પાડવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. બીજી કાર્યવાહી અંજારમાં ગાંધી ફળિયું, મચ્છીપીઠમાં આવેલા ત્રિકમરાય એપાર્ટમેન્ટના ત્રીજા માળે કરાઈ હતી. અહીંના એક ફ્લેટમાંથી યશ મોહન ભીંડી (સોની)ની અટક કરી તેના કબજાના આ ફ્લેટમાંથી રૂા. 23,030ની 21 બોટલ દારૂ જપ્ત કરવામાં આવ્યો હતો, પણ તેને આ દારૂ કોણ આપી ગયું તે બહાર આવ્યું નથી. 

Panchang

dd