• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ગાંધીધામનાં મકાનમાં SMCની કાર્યવાહીથી દોડધામ

ગાંધીધામ, તા. 9 : જિલ્લાના આર્થિક પાટનગર ગણાતા આ શહેરમાં આજે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે અચાનક એન્ટ્રી કરીને સપનાનગર વિસ્તારમાં આવેલા એક મકાનમાં કાર્યવાહી કરતાં પોલીસ બેડાં સહિત જુગારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો. પ્રાથમિક મળતી વિગતો મુજબ આ કાર્યવાહી ઈલેકટ્રોનિક યંત્રવાળી ગેમ અથવા ચકલા-પોપટ નામે રમાતા હાઈટેક જુગારના અનુસંધાને કરવામાં આવી હતી.પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો મુજબ એસ.એમ.સી.ની ટીમે રાજકોટ, ભાવનગર ખાતે ઈલેકટ્રોનિક યંત્રવાળી ગેમ અથવા ચકલા-પોપટના અડ્ડાઓ ઉપર વ્યાપક કાર્યવાહી કરી હતી. દરમ્યાન આ કૌભાંડના તાર ગાંધીધામ સુધી લંબાતા હોવાનું સામે આવ્યું હતું, જેના પગલે અહીંના સપનાનગર વિસ્તારમાં આવેલું એક મકાન રડારમાં આવ્યું હતું અને રાજ્યસ્તરની એક ટીમ અહીં દોડી આવી હતી. આ ટીમે મકાનમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ કાર્યવાહી દરમ્યાન કેટલો મુદ્દામાલ જપ્ત કરાયો છે. કેટલા લોકોની અટકાયત થઈ છે અને આ આખું નેટવર્ક કોણ ચલાવતું હતું તે સહિતની વિગતો મોડી રાત સુધી પોલીસ તંત્ર દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. આ કાર્યવાહી અત્યંત ગુપ્ત રાખવામાં આવી હોવાથી સ્થાનિક પોલીસ પણ વિગતો મેળવવા દોડતી થઈ હતી. ચકલા-પોપટ, યંત્રવાળી ગેમ ડિજિટલ અને ઓનલાઈન માધ્યમથી ઓપરેટ થતી હોવાથી તેમાં મોટાપાયે આર્થિક ટ્રાન્ઝેકશન થતાં હોવાની આશંકા છે. આ પ્રકરણમાં આગામી સમયમાં ખુલાસા થાય તેવી શક્યતા દર્શાવાઈ હતી.  

Panchang

dd