• શુક્રવાર, 10 જુલાઈ, 2026

ગાંધીધામના સેક્ટર-1-એમાં પેવરબ્લોકના રોડનું કામ નબળી ગુણવત્તાનું

ગાંધીધામ, તા. 9 : ગાંધીધામના સેક્ટર-1-એમાં તાજેતરમાં લાખો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવેલા પેવરબ્લોકના માર્ગનું કામ નબળી ગુણવત્તાનું થયું હોવાના ગંભીર આક્ષેપો ઊઠયા છે. જવાબદાર એન્જિનીયર વિભાગની બેદરકારીના કારણે થોડા સમયમાં જ  રોડ તૂટી જતાં લોકોમાં આક્રોશ ભભૂકી ઊઠયો છે. ડો. બાબાસાહેબ આંબેડકર સર્કલની સામેના ભાગે બગીચાની બાજુમાં લાખો રૂપિયાના ખર્ચે આ પેવરબ્લોક રોડ બનાવવામાં આવ્યો છે અને એક જગ્યાએ બ્લોક બેસી ગયા છે અને તૂટી પણ ગયા છે. આ માર્ગ તાજેતરમાં બનાવ્યો છે છતાં માર્ગની સ્થિતિ ખરાબ થઈ છે. કામગીરી સમયે એન્જિનીયરો દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી તેવામાં લોકોના ટેક્સના રૂપિયામાંથી બનતા માર્ગો  નબળી ગુણવત્તાના થઈ રહ્યા છે, રોડ તૂટી રહ્યા છે, બ્લોક બેસી રહ્યા છે તેમ છતાં કોઈ પગલાં ભરવામાં આવતાં નથી. જેની માર્ગો ઉપર દેખરેખ રાખવાની જવાબદારી છે તેવા એન્જિનીયર ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં હોવાથી શહેરમાં દિન પ્રતિદિન સ્થિતિ સુધરવાના બદલે ખરાબ થઈ રહી છે.  મ્યુનિસિપલ કમિશનર ડી.બી દવેરા દ્વારા તપાસ કરીને જવાબદારો સામે પગલાં ભરવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે. 

Panchang

dd