અંજાર, તા. 9 : અહીંના સત્યનારાયણ નગર મધ્યે
આવેલાં લક્ષ્મી બાલાજી મંદિર ખાતે 17મો વાર્ષિક કલ્યાણ મહોત્સવ ધામધૂમપૂર્વક ઊજવાયો હતો. ત્રિદિવસીય
આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓ ઉપસ્થિત
રહ્યા હતા. આ ધાર્મિક મહોત્સવના પ્રથમ દિવસે સવારે વિધિવત ભગવાનની પૂજા-અર્ચના અને સાંજે અંકુર અર્પણ વિધિ
કરવામાં આવી હતી. બીજા દિવસે સવારે સુપ્રભાતમ્, તોમાંલા સેવા તેમજ અષ્ટોત્તર કલાભિષેકમ્ તથા રાત્રિના સમયે ભગવાન બાલાજીનો
કલ્યાણ મહોત્સવ યોજાયો હતો. ત્રીજા દિવસે કચ્છમાં
વરસાદની વિશેષ વૃદ્ધિ અને સમયસર વરસાદ થાય તે માટે સુદર્શન યજ્ઞ કરવામાં આવ્યો
હતો. સાંજના સમયે બાલાજી મંદિરથી શોભાયાત્રા શહેરના વિવિધ મુખ્ય માર્ગો ઉપર નીકળી હતી.
સ્વામિનારાયણ મંદિર દ્ધારા શોભાયાત્રાનુ પૂજન કરવામાં આવ્યુ હતું. તિરુપતિથી આવેલા
ભૂદેવોએ શાત્રોક્તવિધિ સંપન્ન કરી હતી. આ મહોત્સવમાં મોટી સંખ્યામાં આસ્થાળુઓએ વિવિધ ધાર્મિક
કાર્યક્રમમાં ભાગ લઈને ધન્યતા અનુભવી હતી. સમગ્ર આયોજનને સફળ બનાવવા માટે મંદિરના ટ્રસ્ટી
ડો. શ્યામસુંદર અને વિજયભાઈ એમ. રાવલ સહિતનાએ
સહકાર આપ્યો હતો.