• શનિવાર, 13 જૂન, 2026

નોખાણિયાનું ખખડધજ બસ મથક ભારે જોખમરૂપ

નિરોણા (પાવરપટ્ટી), તા. 12 : ભુજ-ખાવડા રોડને અડીને આવેલ નોખાણિયા ગામનું વર્ષો જૂનું બસ સ્ટેન્ડ જર્જરિત બનતાં લોકો માટે મોટું જોખમ ઊભું કરી શકે છે. લોકોની ભારે અવર-જવરવાળા રોડ પર ઊભેલા આ જોખમને વહેલીતકે નિકાલ કરવામાં આવે તે અતિ જરૂરી છે. ભુજ તાલુકાના રુદ્રમાતા જાગીરથી આગળ ખાવડા રોડની પશ્ચિમ બાજુએ નોખાણિયા ગામ આવેલું છે. એ ગામના ફાટક પાસે ખાવડા રોડને અડીને વર્ષો અગાઉ પ્રવાસીઓ માટે બસ સ્ટેન્ડ ઊભું કરવામાં આવ્યું છે. જૂના આ બસ મથકના બાંધકામમાં લોખંડ-સિમેન્ટને બદલે લાલ પડધીના પથ્થરથી ઊભા કરાયેલા કોલમ તળિયેથી ક્ષારને લઇ ખવાઇ ગયા પછી ભારે જર્જરિત બન્યા છે. કોલમના તળિયે સિમેન્ટનું પ્લાસ્ટર ઉખડી ગયા પછી પથ્થરોના કોલમ અને દીવાલો પડું-પડું હાલતમાં છે. ગામમાં એસ.ટી. સેવા ખૂબ ઓછી છે. ગામલોકોને બહાર જવા માટે વાહનો પકડવા ખાસ ગામના ફાટક સુધી આવવું પડે છે. ફાટક પાસે પ્રવાસીઓ માટે બેસવાની આ જોખમી બસ સ્ટેન્ડ સિવાય કોઇ સગવડ નહીં હોઇ નાછૂટકે યમદૂત સમાન બસ સ્ટેન્ડનો સહારો લેવો પડે છે, ત્યારે આ બસ સ્ટેન્ડ ભવિષ્યમાં મોટી હોનારત સર્જી શકે છે, જેથી વહીવટી વિભાગે આ અતિ જર્જરિત બસ સ્ટેન્ડને ધ્વસ્ત કરી તેની જગ્યાએ સુવિધાસભર નવી વ્યવસ્થાનું નિર્માણ કરવામાં આવે તેવી માંગ ગામલોકો કરી રહ્યા છે. 

Panchang

dd