ભુજ, તા. 6 : વર્ષોથી ભુજમાં રહેતા અબડાસાવાસીઓની
રૈયાણ આગામી કચ્છ નવું વરસ આષાઢી બીજની પૂર્વસંધ્યાએ યોજવા નિર્ણય લેવામાં આવ્યો હતો.
અબડાસાના અંદાજે 150 ગામના વૈષ્ણવ
સમાજના ભાઇઓને એકતાંતણે બાંધવા એક અનોખી શરૂઆત કરવામાં આવી હતી. મારો મત મારા ગામમાં
આ સૂત્રને સાર્થક કરવા ભુજ ખાતે આજે અબડાસાના વૈષ્ણવ સમાજના પ્રતિનિધિઓની મળેલી બેઠકમાં
આગામી આષાઢી બીજની પૂર્વસંધ્યાએ `અબડાસાની
રેયાણ' યોજવા ચર્ચા હાથ ધરવામાં આવી હતી. બેઠકમાં હાજર
રહેલા સાંસદ વિનોદભાઇ ચાવડાએ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ધંધા-રોજગાર અર્થે ભલે આપણે ગામો છોડયા છે પરંતુ આપણા મતાધિકાર પ્રત્યે પણ
ગંભીર બનીને પોતાના પરિવારજનોના વોટિંગ સ્થાનિકે ગામમાં હોવા જોઇએ. આ પ્રકારની પહેલ
અબડાસાવાસીઓએ કરી છે તે અભિનંદનને પાત્ર છે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના મોવડી હિંમતસિંહ
વસણે પણ સૌને જાગૃત થવા અને મતદાન અવશ્ય કરીને આ મતદાનથી આપણે આપણા વતન સાથે નાતો કાયમ
બનશે એમ કહ્યું હતું. આ પ્રકારનું આયોજન કરવું કે નહીં આ માટે અબડાસાના આગેવાનો જે.
પી. ગોર, મુકેશભાઇ ભટ્ટ, અજય જોષી,
ગિરીશ જોષી વગેરેની બેઠકમાં રેયાણ યોજવાનો નિર્ણય લેવાયા પછીની આજની
બેઠકને સંબોધતાં જે. પી. ગોરે જણાવ્યું કે, અબડાસા આપણો દૂરનો
તાલુકો છે. જો આપણે અત્યારથી નહીં જાગીએ તો બાળકો ભૂલી જશે. મતદાન તો પોતાના વતનમાં
અવશ્ય થાય એ માટે સૌ એક બનીએ. પત્રકાર ગિરીશ જોષીએ કહ્યું કે, હંમેશા આવા ક્રાંતિકાર્ય નિર્ણયની શરૂઆત અબડાસાએ કરી છે ત્યારે પોતાની જેમ
બધાને મતદાન માટે ગામમાં જવા અપીલ કરી હતી. અગ્રણી અજય જોષીએ કેવી રીતે એક થઇ શકીએ
તેની પૂર્વ ભૂમિકા આપી હતી. અહીં ઉપસ્થિત અબડાસા ભાજપના પ્રમુખ જયદીપસિંહ જાડેજાએ ખાતરી
આપી કે જે તે ગામમાં મતદાનમાં નામો દાખલ કરાવવા પોતે સહયોગી બનશે. અગ્રણી મુકેશ ભટ્ટે
આગામી આષાઢી બીજની પૂર્વસંધ્યાએ રેયાણરૂપી સ્નેહમિલન યોજવાનો પ્રસ્તાવ મૂક્યો હતો જેના
પર ચર્ચા બાદ સહમતી થઇ હતી. અગ્રણી નારાણગર ગોસ્વસામીએ અબડાસાવાસીઓની એકતા પર ભાર મૂક્યો
હતો. જિલ્લા પંચાયતના ઉપપ્રમુખ મહાવીરસિંહ જાડેજા, જિ.પં.ના સભ્ય
કમાભાઇ રબારી, વડીલ ઉમરશીભાઇ ભાનુશાલી, પ્રફુલસિંહ જાડેજા ઉપરાંત પ્રબોધ મુનવર, રશ્મિ ઠક્કર,
ચંદ્રકાંત જોષી, જેન્તીભાઇ સેજપાલ, દિનેશ દામજી દૈયા, રમેશ ડાભી, જયદીપસિંહ
એન. જાડેજા, હરેશ ઠક્કર, દિલીપ આઇયા વગેરે
હાજર રહ્યા હતા.