ગાંધીધામ, તા. 30 : પાણી પુરવઠા બોર્ડ દ્વારા ગાંધીધામ-
આદિપુર જોડિયા શહેરોને પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે તેનું બિલ પાણી પુરવઠા બોર્ડ
નિયમિત રીતે મહાનગરપાલિકાને આપે છે, પરંતુ પાલિકા દ્વારા નિયમિત રીતે બિલ ભરાતું નથી, જેનાં
પગલે દેવું 132 કરોડે પહોંચ્યું
છે. પહેલાં નિયત કરેલા રૂપિયા તત્કાલીન સમયની નગરપાલિકા ભરતી હતી, પરંતુ લાંબા સમયથી તેમણે પણ બિલ ભરવાનું અનિયમિત
કર્યું હતું અને ત્યાર પછી મહાનગરપાલિકા દ્વારા પણ તે શિરસ્તો ચાલુ રાખવામાં આવ્યો
છે. નિયમિત બિલ ભરાતું નથી, પરિણામે એક અબજ 32 કરોડથી વધુનું દેવું થઈ ગયું
છે. નગરપાલિકાના તત્કાલીન પ્રમુખ હિંમતદાન ગઢવી હતા,
ત્યારે પાણીના રૂપિયા ભરવાનો વિભાગ ગુજરાત સરકારના મંત્રાલય સુધી પહોંચ્યો
હતો, જે- તે સમયે નગરપાલિકાનું કહેવું એવું હતું કે, પૂરતાં પ્રમાણમાં પાણી આપવામાં આવતું નથી અને બિલ વધારે આવે છે. આખો મામલો
સરકારમાં પહોંચ્યો હતો, ત્યારથી પાણી પુરવઠા બોર્ડનું એક મીટર
લાગ્યું છે અને દર વર્ષે નિયત રૂપિયા ભરવાનું નક્કી થયું હતું, તે મુજબ લગભગ 25 લાખ રૂપિયા
ભરવામાં આવતા હતા, પરંતુ બિલ
વધુ આવતું હતું, ત્યારથી દેવું ચડતું આવ્યું છે અને થોડાં વર્ષોથી
તત્કાલીન સમયની નગરપાલિકાએ બિલ અનિયમિત ભર્યું છે અને ત્યાર પછી મહાનગરપાલિકા આવી ત્યારથી
પણ બિલ નિયમિત ભરાતું નથી અને હાલના સમયે તો લગભગ રૂપિયા ભરાતા નથી. ઈચ્છા મુજબ ક્યારેક
બે લાખ રૂપિયા ભરાય છે, તો ક્યારેક અઢી લાખ રૂપિયા અપાય છે,
આવી રીતે થતું હોવાથી પાણી પુરવઠા બોર્ડ હાલના સમયે મહાનગરપાલિકા પાસે
1,32,94,65,580 રૂપિયા માગે છે, એટલે કુલ દેવું 132 કરોડ 94 લાખે પહોંચ્યું છે. આટલા રૂપિયા
ભરાશે કે નહીં તે પણ એક મોટો સવાલ છે, પરંતુ પાણી પુરવઠા બોર્ડ મહાનગરપાલિકા પાસે આટલા રૂપિયા માગે છે એ એક કાગળ
ઉપર સત્ય છે. ગાંધીધામ-આદિપુર જોડિયા શહેરોની દૈનિક 45 એમએલડીથી વધુની પાણીની જરૂરિયાત
છે, તેની સામે પાણી પુરવઠા બોર્ડ હાલના સમયે માંડ
માંડ 30 એમએલડી સુધીનું પાણી આપે છે
અને તેનાં કારણે ગાંધીધામ - આદિપુર જોડિયા શહેરોના અનેક વિસ્તારો પાણી વગર તરસ્યા રહે
છે. લોકોને નિયમિત પાણી આપી શકાતું નથી, જ્યારે સપ્લાય થાય ત્યારે પૂરતા પ્રમાણમાં મળતું નથી અને પૂરા ફોર્સથી પણ મળતું
નથી, જેનાં કારણે ઉનાળાના ધોમધખતા તાપમાં અસહ્ય ગરમી વચ્ચે લોકો
પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે, તેનાં કારણે આર્થિક
બોજ પણ વધી ગયો છે. મોંઘવારી વચ્ચે 600 રૂપિયાથી લઈને 1000 રૂપિયા સુધીનું વેચાતું પાણીનું ટેન્કર લેવું પડે છે. આ નરવી
વાસ્તવિકતા છે, પરંતુ અધિકારીઓ અને નેતાઓને
ગળે ઊતરતી નથી, પરિણામે લોકો હેરાનગતિનો સામનો કરી રહ્યા છે.
આ સમસ્યાનું સમાધાન કાઢવાની જવાબદારી ચૂંટાયેલા જનપ્રતિનિધિઓની અને સરકારે નિમેલા અધિકારીઓની
છે, પરંતુ આ સરકારી તંત્રની નિષ્ફળતાએ લોકો પાણી માટે વલખાં મારી
રહ્યા છે. - નેતાઓએ કર્મચારીઓને ધમકાવવાનું શરૂ કર્યું : ગાંધીધામ
- આદિપુર જોડિયા શહેરોમાં પીવાનાં પાણીની ગંભીર કટોકટી છે અને તેને નિવારવાની જવાબદારી
ચૂંટાયેલા નગરસેવકોની અને તાજેતરમાં હોદ્દા ઉપર બેઠેલા મેયર, ડેપ્યુટી મેયર સહિતના પદાધિકારીઓ અને કમિશનર
અને બંને ડેપ્યુટી કમિશનરની છે, પરંતુ આખું તંત્ર આ પીવાનાં પાણીની
સમસ્યાનું સમાધાન લાવવામાં નિષ્ફળ છે, તેનાં કારણે લોકો પાણી
વગર તરસી રહ્યા છે. આ સમસ્યાનું સમાધાન લાવવાના બદલે તાજેતરમાં નવા ચૂંટાયેલા નગરસેવકો
(કોર્પોરેટરો) પીવાનાં પાણી માટે અને ટેન્કર માટે કર્મચારીઓને ધમકાવી રહ્યા છે,
તેવી પાલિકાની કચેરીઓમાં ચર્ચા થઈ રહી છે, ખરેખર
આ સમસ્યાનું સમાધાન જલ્દી લાવવું અત્યંત જરૂરી છે.