• રવિવાર, 31 મે, 2026

અનોખી જીવદયા : કચ્છ બહાર હિજરત રોકતું કામચલાઉ મોસમી ગામડું

ભુજ, તા. 30 : કચ્છની ધરતી તેની પરોપકારની ભાવના માટે જાણીતી છે. ઉનાળો પોતાની ચરમસીમાએ હોય છે, ત્યારે ખાવડા અને લખપત જેવા સરહદી સુકા વિસ્તારોમાં ઘાસ ખૂટી જાય અને પાણીના તળ ઊંડા ઊતરી જાય એટલે માલધારીઓ માટે પોતાના અબોલ `માલ'ને સાચવવા હિજરત કરી જતા હોય છે. આ માટે બિદડાના ગોરસિયા સેવા ફાઉન્ડેશને કચ્છના માલધારીઓ માટે કાળઝાળ ઉનાળાનું હૂંફાળું સરનામું ઊભું કરી આપ્યું છે. વર્ષ 2018-19માં ઓછા વરસાદનાં પગલે દુષ્કાળની પરિસ્થિતિને ધ્યાને લેતાં ગજોડ પાસે બિદડાના ગોરસિયા સેવા ફાઉન્ડેશનના અગ્રણી પરબતભાઈ ગોરસિયા અને તેમના પરિવાર સાથે મળીને મિત્ર વર્તુળમાંથી મળેલ દાનની મદદ લઈ આ વ્યવસ્થાને આકાર આપ્યો હતો. વર્ષ 2021થી સંસ્થા દ્વારા સ્થાનિકે નંદીશાળામાં 325 નંદી અને 225 ગાયો સાથેની ગૌશાળા ચાલે છે તથા ગિરધરભાઈની લેર પાસે જમીન પર મુખ્યમંત્રી ગૌ પોષણ યોજના સાથે સમન્વય કરી નંદીશાળાનું સંચાલન કરવામાં આવે છે. પરબતભાઈ કહે છે, અન્ય સામાજિક સેવાઓ કરતાં આ સેવામાં રૂપિયા સૌથી કઠિન અને મહત્ત્વની છે. જે લોકો માત્ર અને માત્ર નિ:સ્વાર્થ સેવાના ઉદ્દેશથી જ પોતાના નાણા વાપરવા માગતા હોય એ જ જીવદયાનાં કાર્યોમાં જોડાય છે. મૂળ માધાપરના ટાન્ઝાનિયા સ્થિત કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરતા ગીરધરભાઈ પિંડોરિયાએ પોતાની જમીન તથા મોટો આર્થિક સહયોગ આપીને સેવાને વેગવંતી બનાવી અને એનક માલધારીઓને હિજરત કરતા રોક્યા છે. તેમણે નંદીશાળા કે ગૌશાળા માટે જમીન ફાળવણી કરવા ઉપરાંત તળાવો બનાવવા, તળાવોની સાફ-સફાઈ કરવી જેવાં અનેક સેવાકીય કાર્યો પડદા પાછળ રહીને કરે છે. - 40થી પ0 પરિવાર, 4000 ઢોરને આશ્રય : દર વર્ષે ઉત્તરાયણ અને હોળીની વચ્ચેના સમયગાળામાં માલધારીઓ અહીં આવી પહોંચે છે અને ચોમાસાંના પ્રથમ વરસાદની સાથે પોતાના વતન ભણી પરત ફરે છે. ચાલુ વર્ષે પણ અંદાજે 40થી પ0 પરિવાર પોતાના ચારથી પાંચ હજાર પશુધન સાથે અહીં આશ્રય લઈ રહ્યા છે. અહીં તેમને પૂરતા પ્રમાણમાં નીરણ (ઘાસચારો), શુદ્ધ પાણી અને પરિવારોને રહેવાની સુવિધા કરી આપવામાં આવે છે.  

Panchang

dd