ઉદય અંતાણી દ્વારા : ગાંધીધામ, તા. 30 : તમાકુનું વ્યસન થોડા સમયના આનંદ માટે
લાંબા ગાળાનું જિંદગીનું જોખમ જણાતું નથી. આજે કચ્છમાં વિવિધ પ્રકારના કેન્સરના રોગમાં સતત વધારો થતો
રહ્યો છે, તેમાંથી મહત્તમ કેન્સર
પાછળ તમાકુના કારણે થતા હોવાનું બહાર
આવે છે. મોટી ઉમરના તો ખરા જ પણ ખાસ કરીને
યુવા વર્ગ આ વ્યવસન પાછળ ધકેલાતો હોવાથી યુવાનોનું કથળતું સ્વાસ્થ્ય અને પરિવારોની હાલત કફોડી બનતી
જતી હોવાની સ્થિતિ
સર્જાય છે. તમાકુ નિષેધ દિવસે તબીબોએ મહત્ત્વનાં સૂચનો કર્યાં હતાં. - 30 ટકા નવા કેસમાં 25 ટકા કેસમાં તમાકુ જવાબદાર : વિશ્વ આખામાં સૌથી વધુ કેન્સર તમાકુના કારણે થાય છે, તેમાંય ભારતમાં અને કચ્છમાં પણ મોઢાં, ગળાંના કેન્સર એપીસેન્ટર
છે. ભારતમાં ગુજરાત, મહારાષ્ટ્રમાં સૌથી વધુ તમાકુથી થતા કેન્સરનું
પ્રમાણ જુદા-જુદા પ્રકારના જોવા મળી રહ્યા છે. ભુજની કે.કે. પટેલ
હોસ્પિટલના કેન્સર નિષ્ણાત (મેડિકલ ઓન્કોલોજિસ્ટ)
ડો. વિકાસ ગઢવીએ જણાવ્યું હતું કે, કચ્છમાં કેન્સરના નવા 30 ટકા કેસ નોંધાતા હોય તેમાં 25 ટકા કેન્સરના રોગ પાછળ
તમાકુ જવાબદાર હોય છે.તમાકુ સંબંધીત કેન્સર આ ઉપરાંત વિવિધ કેન્સરના કેસમાં 50 ટકા કેસ વ્યસનના કારણે થયું હોવાનું જણાય છે. તમાકુના
કારણે કેન્સર થતું અટકાવવા માટે પગલાં લઈ શકાય
છે, જો લોકો વ્યસન જ મૂકી દે, તો કચ્છમાં કેન્સરના
50 ટકા કેસ જ ઓછા થઈ જાય. લોકો વ્યસન મૂકે ખાસ કરીને જે વ્યસન કરે છે તેઓએ છ મહિનામાં એક વખત
જો અમુક રેડ લાઈન જણાય તો ઈ એન્ડ ટી, ડેન્ટીસ્ટ, કેન્સર સર્જન પાસે ચેકઅપ કરાવવાની વાત ઉપર
તેમણે ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે,
જે વ્યક્તિએ 10 વર્ષ સુધી રોજની એક સિગારેટનું પેકેટ પીધું હોય તો તેને 20 વર્ષ સુધી કેન્સર થવાની શક્યતાઓ
ઘણી રહેલી છે. તેમણે યુવાનોને વ્યસન ત્યજવા હાકલ કરી હતી. - એગ્રેસિવ માર્કેટિંગના કારણે વ્યસનમાં ધકેલાતા યુવાનો : ભુજની આયુષ
હોસ્પિટલના ડો. કમલે જણાવ્યું હતું કે, વિશ્વમાં યુવા પેઢી વેપ અને ઈ-સિગારેટના એગ્રેસિવ માર્કેટિંગથી આકર્ષાઈને વ્યસન
પાછળ ધકેલાય છે. અલગ-અલગ ફ્લેવરના હોય કે કહેવાય કે નિકોટીન નથી હોતું, પરંતુ હકીકતમાં નિકોટીન
એટલું જ નુકસાન કરતું હોય છે, જૂના લોકો વ્યસન મૂકે તે તો ખરું
જ, પરંતુ દેશનું ભવિષ્ય યુવાનો વ્યસન શરૂ જ ન કરે તે અતિ જરૂરી
હોવાનું કહ્યું હતું. 100માંથી 10 લોકોને ઘણા લોકો દલીલ કરે છે કે, આ વ્યક્તિને કાંઈ ન થયું, પરંતુ જિનેટીક સ્ટ્રક્ચર હોય તો ન પણ થાય. જિનેટીક સ્ટ્રક્ચરના કારણે બે સિગારેટ
પીતા લોકોને પણ ગંભીર કેન્સર થતું હોવાનું તેમણે
કહ્યું હતું. - શોખ ક્યારે
વ્યસનમાં બદલાય છે ખ્યાલ નથી આવતો : ભુજની સંઘવી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલના ક્રિટિકલ કેર સ્પેશિયાલિસ્ટ અને એનેસ્થેસિયાલિસ્ટ ડો. રાહુલ ત્રિવેદીએ જણાવ્યું
હતું કે, તમાકુના વ્યસનનો વ્યાપ વધતો જાય છે. તેના કારણે થતા કેન્સરની 15 કે 20 વર્ષ સુધી
ખ્યાલ નથી આવતો. આજે યુવાનોમાં માત્ર શોખના
કારણે કે મિત્રતામાં સિગારેટ શરૂ કરે છે, પરંતુ આ શોખ વ્યસનમાં ક્યારે પરિવર્તિત થઈ જાય
છે તેનો ખ્યાલ આવતો ન હોવાનું તેમણે કહ્યું હતું.
વિશ્વમાં ક્યાંય પણ તમાકુ લેવાની છૂટ ન હોવાનું તેમણે કહ્યું હતું. વિશ્વ આરોગ્ય
સંસ્થાની થીમ પણ યુવા વર્ગ વ્યસન કરે નહીં
તેના આધારે જ છે. તમાકુના વ્યસન પાછળ કારણ ખ્યાલ
જ છે, ત્યારે તેને અટકાવવા
માટે યુવાનો અત્યારથી જ જાગૃત બને તે સમયની
માંગ છે. - કેન્સર ઉપરાંત
ફેફસાંના રોગ, હ્યદયરોગ,
સ્ટ્રોકનું જોખમ વધારે : ગાંધીધામની સ્ટર્લિંગ હોસ્પિટલના પલમોનોલોજિસ્ટ ડો. અદિત જોટાએ કહ્યું હતું કે, તમાકુનાં વ્યસનના કારણે કેન્સર ઉપરાંત ફેફસાં,
હ્યદયરોગ, બ્રેઈન સ્ટ્રોકના કેસ વધી રહ્યા છે. ઈ-સિગારેટ તરફ યુવાનો આકર્ષાયા છે,
ત્યારે તે પણ એટલું જ નુકાસાનકારક
હોવાનું જણાવ્યું હતું. ગાંધીધામમાં તમાકુના કારણે 100 દર્દી કેન્સરના, 5ાંચથી સાત
દર્દી સ્ટ્રોકના, 50થી 60 દર્દી પ્રતિ મહિને હ્યદયરોગના આવતા હોવાનું કહ્યું હતું. આજે તમાકુનું વ્યસન મૂકવા માટે પણ ચ્યૂંઈગમ સહિતની વસ્તુઓ ઉપલબ્ધ છે, ત્યારે તે દિશામાં યુવાનો આગળ વધે તેવું તેમણે
કહ્યું હતું. - સિગરેટના ધુમાડાથી પણ કેન્સરની શક્યતા : વ્યસન કરનારનો સંગ
જ ન કરો : ગાંધીધામ, તા. 30 : તમાકુના કારણે વ્યસન
કરતા દર્દીને તો કેન્સરનું જોખમ રહે જ છે, પરંતુ તેના ધુમાડાથી બાજુમાં બેઠેલી
વ્યક્તિને પણ ચોક્કસ નુકસાન થાય છે. એક્ટિવ
સ્મોકિંગ કરતાં પેસિવ સ્મોકિંગની અસર વધુ ખરાબ હોય છે. સિગારેટ પીનારા વ્યક્તિની સંગત
જ ખરાબ હોવાનું ડો. ત્રિવેદીએ જણાવ્યું હતું.
હેલ્થ ઈન્સ્યોરન્સ કે ટર્મ પ્લાન લેતી વખતે મેડિકલ ટેસ્ટ દરમ્યાન સ્મોકિંગ ન
કરતી વ્યક્તિઓના યુરીનમાં નિકોટીન પોઝિટિવ આવ્યું હોવાના કિસ્સા જણાયા હોવાનું તેમણે કહ્યું હતું. - આ લક્ષણ જણાય
તો તપાસ કરાવો : 6 અઠવાડિયાથી
લાંબા સમય સુધી મોઢામાં ચાંદું રહે - ગળામાં સતત દુ:ખાવો થાય - 6 અઠવાડિયા લાંબો સમય સુધી સાદ બેસી જવો - સતત સૂકી ઉધરસ ચાલુ રહેવી - એક કરતાં વધુ વખત સુધી કફમાં લોહી આવવું
- સતત વજનમાં ઘટાડો થવો