ગિરીશ
જોશી દ્વારા : નખત્રાણા, તા. 23 : નખત્રાણા
તાલુકામાં મહેનતકશ પાટીદાર સમાજની મોટી વસ્તીનાં કારણે ગામડાંઓની પાણીદાર ખેતીનાં કારણે
ગામડાં સુખી હોવાનાં દૃશ્યો જોતાં જ દેખાય છે,
ત્યારે વર્તમાન સમયમાં સ્થાનિક સ્વરાજની
ચૂંટણીનો માહોલ જાણવા `કચ્છમિત્ર'ની ટીમે વિસ્તાર ખૂંદ્યો તો તળપદા ગામડાંના મતદારોમાં ચૂંટણીની નીરસતા
દેખાઈ આવી હતી. ભૂતકાળની ચૂંટણીનો ધમધમાટ અને અત્યારનો સૂનકાર જાણે કોઈ કળ આપતો ન હતો, પરંતુ 1987થી ખીલતા
કમળને અટકાવવા એકાદ-બે સીટનાં અંતર અંકે કરવા `હાથ' લાંબો થતો હોવાનું ચિત્ર સામે આવ્યું હતું.
જિલ્લા અને તાલુકા પંચાયતમાં સીમાંકનમાં ધરખમ ફેરફાર થયો હોવાથી ઉમેદવારોની પસંદગીમાં
ભાજપે તો નવા નેતાની શોધ કરી છે, તો કોંગ્રેસે પોતાના પરંપરાગત અને વફાદારો
પર ભરોસો મૂક્યો છે, છતાં ક્યાંક કોંગ્રેસ પક્ષની અધૂરી એકજૂટતા
ભાજપની ફોજ સામે નબળી પડતી હોવાનું જાણવા મળ્યું હતું. - સીમાંકનમાં ફેરફાર : પાંચ વર્ષ પહેલાં નખત્રાણામાં પણ એક ગ્રામ
પંચાયત હતી, એટલે નખત્રાણાની એક જિલ્લા પંચાયત બેઠક
હતી, પરંતુ હવે નખત્રાણા નગરપાલિકા બની જતાં અહીંની જિલ્લા પંચાયત બેઠક કોટડા
(જ.) બની જતાં કોટડા (જ.) જિલ્લા પંચાયતમાં ગામડાંઓમાં પણ થોડો બદલાવ થયો છે. તાલુકા
પંચાયતની પાંચ વર્ષ પહેલાં 20 બેઠક
હતી, જેમાંથી નખત્રાણામાં ત્રણ સીટ અને એક મોટી વિરાણીનો સમાવેશ થતો, પરંતુ આ વખતે નગરપાલિકાનાં કારણે નખત્રાણાની ત્રણેય અને એક મોટી વિરાણી
બેઠક રદ થતાં તેના બદલે બિબ્બર અને સુખપર (રોહા)ને નવી સીટ મળતાં નખત્રાણા તાલુકા પંચાયતમાં
20ના બદલે 18 સીટ પર ચુનાવી જંગ જામ્યો છે.નાના અંગિયા
અને નેત્રામાં ભાજપ-કોંગ્રેસ અને આપ છે,
જ્યારે કોટડા (જ.), રસલિયા, તલમાં અપક્ષ હોવાનાં કારણે 18માંથી પાંચ સીટ પર ત્રિકોણિયો, જ્યારે બાકીની 13 બેઠક
પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધી સ્પર્ધા છે. - પ્રમુખપદ અનામત : 18 સભ્યની 28મીએ
પરિણામ આવ્યા બાદ નવી તાલુકા પંચાયત જે પક્ષની રચાશે, પરંતુ નખત્રાણા તાલુકા પંચાયતનું પ્રમુખ પદ બક્ષીપંચ માટે અનામત છે. તાલુકા
પંચાયત અને જિલ્લા પંચાયતનું કુલ મતદાન 91,609 છે. તેમાંથી 47,510 પુરુષ, જ્યારે
44,098 ત્રી મતદાતા છે. જ્ઞાતિવાર સમીકરણો રજૂ
કરતાં જાણકારોએ કહ્યું હતું કે, આખાય વિસ્તારમાં પાટીદાર મતો નિર્ણાયક છે.
પાટીદાર મતોની સંખ્યા 25 હજાર
છે, બીજી બાજુ લઘુમતીઓના 30 હજાર મતો હોવાથી બંને પક્ષોએ પોત-પોતાની વોટબેંક મજબૂત હોવાના દાવા કરાય
છે. - અંતર ઓછું હોય છે : નખત્રાણા તાલુકા પંચાયતમાં આમ તો 1985 પછી ભગવો જ લહેરાય છે. બહુમતી ભાજપને મળતી
આવી છે, પરંતુ બહુમતી માટે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે બે-ચાર બેઠકની હરીફાઇ રહ્યા
કરે છે, પણ 85 પછી
બે સીટ ઓછી પડતાં કોંગ્રેસ સત્તાથી દૂર રહી જાય છે. - ગ્રામીણ મતદારો શું કહે છે ? : કચ્છમિત્ર ટીમે નખત્રાણા નગરની દિનચર્યા કર્યા બાદ બપોરે ગ્રામીણ વિસ્તાર
ખૂંદ્યો હતો. ટોડિયા-ખોંભડી જેવા નખત્રાણા તાલુકાના ભલે અંદરનાં ગામો છે, પણ લીલી ખેતીનાં કારણે વિકસિત ગામો છે. અહીંના મતદારો બહાર વસે છે, પણ વતન સાથે નાતો જાળવી રાખ્યો છે. ખોંભડીના ઓટલે બેઠેલા 70 વર્ષીય આમદ જુસા રાયમા મળી ગયા. તેમને ચૂંટણીનું
પૂછતાં કહ્યું, બધા પોતાનાં કામો કરે છે ને મતદાર વેળે
વેઠા... ખરેખર સારી વ્યક્તિઓએ આગળ આવવું જોઇએ. રસ્તે ચાલતાં વાડીવિસ્તારમાં ઉમર સુમરા
પસાર થતા હતા. ગાડી રોકીને તેમને ગાડીમાં બેસવાનું કહ્યું, તો ના પાડી. ચૂંટણી વિશે કહ્યું,
કોઇ આયો નાય અને અસાંકે માલધારીકે ચૂંટણી
સે મતલભ નાય... ખાસ કરીને લઘુમતી વસ્તીવાળા તલ તાલુકા પંચાયતની બેઠકનાં ગામોમાં પહોંચ્યા.
જતાવીરામાં જર્જરિત બસ સ્ટેશનનાં પોપડાં પડતાં હોય એવી સ્થિતિમાં અંદર બેઠેલા 83 વર્ષીય દેશરભાઇ કોલીએ બે કાન પર હાથ રાખીને
કહ્યું, અસાંકે ખબર નાંય કેર ઊભો આય,
તો સલીમભાઇ મુતવાએ ફોડ પાડયા વગર કહ્યું, સઠ-ચાલી આય. - જિલ્લા
પંચાયતની ટક્કર : નખત્રાણા
તાલુકામાં આવતી જિલ્લા પંચાયતની ચાર બેઠક પૈકી વિથોણ બેઠક પર તીવ્ર સ્પર્ધા છે. કેમ
કે, પાટીદાર પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર કોંગ્રેસમાંથી હંસરાજભાઇ પારસિયા જ્યારે
ભાજપમાંથી દિનેશભાઇ રૂડાણી, બેઉ પાટીદાર બળિયા વચ્ચે જંગ છે. નિરોણા
બેઠક એટલા માટે ચર્ચામાં છે કે, ભાજપે છેલ્લી ઘડીએ સ્થાનિક ઉમેદવારને બદલી
બહારથી ઘનશ્યામસિંહ જાડેજાને ઉતાર્યા હોવાથી આંતરિક ક્યાંક વિરોધ છે. સામે આહીર ગામો
પણ આવતા હોવાથી કોંગ્રેસે જૂના જોગી મમુભાઇ આહીરના પુત્ર રાજેશ આહીરને ટિકિટ આપી છે.
તેઓ તાલુકા કોંગ્રેસના પ્રમુખ પણ છે. નવી જાહેર થયેલી કોટડા (જ.) અનુ. જાતિ મહિલા અનામત
બેઠકમાં ભાજપના મંજુલાબેન ચાવડા, જ્યારે કોંગ્રેસના ભાવનાબેન મહેશ્વરી વચ્ચે
સીધી સ્પર્ધા છે. એવી જ રીતે નેત્રા સીટ ચતુષ્કોણીય જંગ છે. ભાજપની ટિકિટ ફાળવણીમાં
ક્યાંક કચવાટ સામે આવ્યો હતો. મહિલા બેઠક પર ભાજપના સરોજબા જાડેજા, કોંગ્રેસના નેહાબેન રૂપારેલ,
એ.આઇ.એમ.આઇ.એમ.ના સરીફાબાઇ રાયમા અને અપક્ષ
તરીકે દક્ષાબેન ભાવાણી મેદાનમાં છે. કોંગ્રેસના મહામંત્રી અશ્વિન રૂપારેલના પત્નીને
કોંગ્રેસે અહીં ટિકિટ ફાળવી છે. - ભાજપ
કહે છે કે, અમે કાર્યો કર્યાં, કોંગ્રેસના મતે લોકો પરેશાન : છગનભાઈ ઠક્કર દ્વારા : નખત્રાણા, તા. 22 : નખત્રાણા તાલુકા પંચાયતની ચૂંટણીનો જંગ
જામ્યો છે, ત્યારે મુખ્ય બન્ને પક્ષ ભાજપ-કોંગ્રેસ
વચ્ચે સીધી સ્પર્ધા હોવાથી અબડાસા મત વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ ત્રણ
ટર્મ દરમ્યાન કરેલાં વિકાસકામોનો હિસાબ આપતાં કહ્યું કે, પ્રત્યેક ગામમાં કામો થયાં છે,
તો કોંગ્રેસના તાલુકા પ્રમુખ રાજેશભાઈ આહીરે
કહ્યું, ના, ખોટી વાત છે, નાગરિકો પરેશાન છે. પ્રદ્યુમનસિંહે જણાવ્યું કે, નાનાં-નાનાં ગામોમાં જે વર્ષોથી રોડ બન્યા ન હતા ત્યાં રસ્તા મંજૂર કર્યા
છે. હાજીપીર જવા 32 કિ.મી.નો
88 કરોડના ખર્ચે આખો સિમેન્ટ રોડ કચ્છમાં પ્રથમ છે. નખત્રાણાનો બાયપાસ રોડ મંજૂર થયો છે.
ટાઉનહોલ બનાવવામાં આવશે, નર્મદાનાં વધારાનાં પાણીથી ડેમ ભરવાનાં
કામો સતત ચાલુ છે. મોટી સરકારી હોસ્પિટલ પણ બનશે. કોઈ એવું ગામ નથી જ્યાં હું સમયાંતરે
મુલાકાત લેતો ન હોઉં. ટિકિટ ફાળવણીમાં નારાજગી છે. જો ભાઈ લોકશાહીમાં ટિકિટ માગવાનો
બધાને અધિકાર છે. વારાફરતી ફાળવણી થાય અને જીતી શકે, સક્ષમ
હોય તેની જ પસંદગી થતી હોય છે. તમામ તા.પં.ની 18 અને જિલ્લા પંચાયતની ચાર બેઠક મળતી હોવાનો દાવો કર્યો હતો. સામે કોંગ્રેસના
પ્રમુખ રાજેશ આહીરે જણાવ્યું હતું કે,
લોકો હવે કંટાળી ગયા છે. ભાજપના આ ખોટા
વાયદાઓથી વારંવાર એક-એક પક્ષ આવે છે ને કામો થતાં નથી, તેવું મતદારો અમને કહી રહ્યા છે. આ વખતે કોંગ્રેસને 12 તાલુકા પંચાયતની બેઠકો અને જિલ્લા પંચાયતમાં
પણ બહુમતી મળશે તેવો દાવો કર્યો હતો. ભાજપે બિનહરીફ કરાવવાના તમામ બળ-પ્રયોગ કર્યા, પણ નખત્રાણામાં સફળતા ન મળી,
અત્યારે ઉમેદવારો સ્વચ્છ પ્રતિભાવાળા છે
એટલે સમીકરણ કોંગ્રેસ તરફ હોવાનું કહ્યું હતું. નખત્રાણા તા.પં.ના પૂર્વ પ્રમુખ ભરતભાઈ
સોમજિયાણીને મળ્યા, તો પાટીદાર સમાજની નારાજગીની વાત ખોટી હોવાનું
જણાવતાં કહ્યું કે, મને પોતાને પક્ષે બેઠકોની જવાબદારી સોંપી
છે. ભાજપને સ્પષ્ટ બહુમતી મળે છે તેવી ચોખ્ખી વાત કરી હતી, તો કોંગ્રેસના જિલ્લાના મહામંત્રી અશ્વિનભાઈ રૂપારેલના કહ્યા પ્રમાણે
નિરોણા, નેત્રા જિલ્લા પંચાયત કોંગ્રેસના ફાળે આવે જ છે, ભાજપ સામે નાગરિકોનો રોષ છે. કોંગ્રેસનાં કાર્યોને હવે યાદ કરે છે.