લખનઉ, તા. 22 : સતત બે હાર બાદ આજે રાજસ્થાન
રોયલ્સે લખનઉ જાયન્ટસને તેના જ ઘરમાં 40 રને હાર આપી પોઈન્ટ ટેલબમાં બીજા સ્થાને પહોંચી ગઈ છે. 160 રનના લક્ષ્યાંકને આંબવા ઉતરેલી
લખનઉની ટીમ રોયલ્સના ચુસ્ત બોલિંગ આક્રમણ સામે 119 રને ઓલઆઉટ થઈ હતી. ઓપનર મિચેલ માર્સ (55) એ જીત માટે સંઘર્ષ કર્યો હતો. નિકોલસ પુરન (22) અને હિંમતસિંગ (15) સિવાય જાયન્ટસનો કોઈ બેટસમેન ડબલ ફિગરમાં પહોંચ્યો નહોતો. રાજસ્થાન
તરફથી જોફ્રાર આર્ચરે ચાર ઓવરમાં 20 રન આપી ચાર વિકેટ ખેરવી હતી,
જ્યારે નાન્દ્રે બર્ગર અને બ્રિજેશ શર્માને બે-બે વિકેટો મળી હતી. જાડેજા
અને બિશ્નોઈએ એક-એક વિકેટ મેળવી હતી. અગાઉ અનુભવી ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાએ લાંબા
સમય પછી ફિનિશરનો રોલ નિભાવીને લખનઉ સુપર જાયન્ટસ સામેની મેચમાં રાજસ્થાનનો સ્કોર 6 વિકેટે 1પ9 રનના સન્માનજનક
સ્કોર સુધી પહોંચાડયો હતો. જાડેજાએ 29 દડામાં 2 ચોગ્ગા અને
1 છગ્ગાથી અણનમ 43 રન કર્યાં હતા, જ્યારે શુભમ દૂબે 11 દડામાં 3 ચોગ્ગાથી 19 રને નોટઆઉટ રહ્યો હતો. આ બન્ને
વચ્ચે સાતમી વિકેટની અતૂટ ભાગીદારીમાં 2પ દડામાં 49 રનનો ઝડપી
ઉમેરો થયો હતો. આથી છેલ્લી 3 ઓવરમાં રાજસ્થાન
રોયલ્સના સ્કોરમાં 43 રનનો વધારો
થયો હતો. જેથી લખનઉને 160 રનનો વિજય
લક્ષ્યાંક મળ્યો હતો. લખનઉ તરફથી શમી, પ્રિંસ અને મોહિસને 2-2 વિકેટ લીધી હતી. રાજસ્થાન રોયલ્સની શરૂઆત ખરાબ રહી હતી. પાવર
પ્લેની અંદર જ જયસ્વાલ (22), વૈભવ (8) અને જુરેલ (0)ની વિકેટ ગુમાવી દીધી હતી. કપ્તાન રિયાન
પરાગ (20)ની નિષ્ફળતા યથાવત રહી હતી, જ્યારે હેટમાયર સેટ થયા પછી 22 રને આઉટ થયો હતો. રાજસ્થાનની
ઈનિંગ્સમાં ફકત 3 સિકસ લાગી
હતી, જ્યારે ચોગ્ગાની સંખ્યા 17 હતી.