મુંબઈ, તા.22 : આઇપીએલનો સૌથી વધુ ચર્ચિત ગણાતો
મુકાબલો ગુરુવારે વાનખેડે સ્ટેડિયમ પર રમાશે. 2026 સીઝનમાં પહેલીવાર આઇપીએલની બે સૌથી વધુ સફળ ટીમો ચેન્નાઇ સુપર
કિંગ્સ અને મુંબઈ ઇન્ડિયન્સ આમને-સામને હશે. બન્નેના નામે પ-પ ખિતાબ છે. ફૂટબોલ લીગમાં
રિયલ મેડ્રિડ અને બાર્સિલોનાની ટક્કરને સૌથી મોટી માનવામાં આવે છે. આથી તેને અલ-ક્લાસિકો
કહેવામાં આવે છે. આઇપીએલમાં મુંબઈ-ચેન્નાઇની ટક્કરને અલ-ક્લાસિકોનો દરજ્જો અપાયો છે.
ઉપરાઉપરી ચાર હાર સહન કર્યા બાદ પાછલા મેચમાં તિલકની સદી અને બાદમાં બોલરોના ઉમદા દેખાવથી
વિજયનો સ્વાદ ચાખનાર મુંબઈ ઇન્ડિયન્સ સીએસકે વિરુદ્ધ તેનાં પ્રદર્શનમાં નિરંતરતા બનાવી
રાખવાની કોશિશ કરશે. એમઆઇ ઇલેવનમાં દિગ્ગજ રોહિત શર્માની વાપસી થઈ શકે છે. તો બીજી
તરફ વર્તમાન સીઝનમાં અપેક્ષાકૃત પ્રદર્શન ન કરી શકનાર સીએસકે ઇલેવનમાં લાંબા ઇંતઝાર
બાદ મહાન ખેલાડી મહેન્દ્રસિંહ ધોનીની વાપસીની સંભાવના વ્યક્ત થઈ રહી છે. બન્નેએ વાનખેડે
સ્ટેડિયમ પર ટીમનાં અભ્યાસ સત્રમાં ભાગ લીધો હતો. વર્તમાન સીઝનમાં એક પણ મેચ ન રમનાર
ધોનીએ બેટિંગ સાથે કિપિંગનો પણ ભરપૂર અભ્યાસ કર્યો હતો.