• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ચેક પરતમાં એક વર્ષની કેદ સાથે બમણો 1.5 કરોડનો દંડ

ભુજ, તા. 24 : અગિયાર વર્ષ પૂર્વે ચેક પરત થવાના કેસમાં મૂળ અમદાવાદ હાલે થાઈલેન્ડના તુષાર ગિરીશભાઈ પટેલને એક વર્ષની કેદ તથા ચેકની રકમનો બમણો 1.5 કરોડનો દંડ ફટકારતો ચુકાદો કોર્ટે આપ્યો છે. આ કેસની ટૂંક વિગતો એવી હતી કે, દહીંસરાના દેવજી લાલજી હાલાઈને મૂળ અમદાવાદ હાલે પરિવાર સાથે સ્થાઈ થયેલા તુષાર ગિરીશભાઈ પટેલે ફરિયાદી દેવજીભાઈને લાલચ આપી કે, થાઈલેન્ડમાં મોટો પ્રોજેક્ટ ચાલુ કરવાનો છે જેથી શ્રમિકોની જરૂર છે. આમાં ખૂબ નફો મળે તેવું છે. આથી રૂા. 75 લાખ રોકાણ કરવાનું કહેતાં દેવજીભાઈએ 75 લાખ આપ્યા હતા. દરમ્યાન માનકૂવા પોલીસ મથકમાં તુષાર પટેલ વિરુદ્ધ 2015માં ફરિયાદ નોંધાતાં દેવજીભાઈ છેતરાઈ ગયાનું માલૂમ પડતાં તુષારભાઈ પાસે રૂપિયા પરત માગતાં તુષારભાઈએ પચ્ચીસ-પચ્ચીસ લાખના ત્રણ ચેક આપ્યા હતા. જે પરત ફરતાં અદાલતમાં કેસ દાખલ કર્યો હતો. માનકૂવા પોલીસ મથકના ભાગેડુ આરોપી તુષારની ધરપકડ થતાં હાલનો આ કેસ ચાલી જતાં ચીફ જ્યુ. મેજિ.એ આરોપી તુષારને તકસીરવાન ઠેરવી એક વર્ષની સજા તથા 75 લાખની જગ્યાએ દોઢ કરોડ દંડ વળતર ફરિયાદીને આપવા હુકમ કર્યો છે. ફરિયાદી વતી વકીલ સંતોષસિંહ આર. રાઠોડ, ચિન્મય એચ. આચાર્ય, રોહિત એમ. મહેશ્વરી, ભૂમિ પંડયાએ હાજર રહી દલીલો કરી હતી. 

Panchang

dd