• ગુરુવાર, 23 એપ્રિલ, 2026

મતાધિકાર ફરજ ખરી, મજબૂરી નહીં

પાંચ રાજ્યની વિધાનસભાની ચૂંટણી વિવિધ તબક્કે ચાલી રહી છે, ગુજરાતમાં પણ બિનહરીફ બેઠકો થવાના સિલસિલા વચ્ચે 26મી એપ્રિલે મતદાન યોજાઈ રહ્યું છે, તેવામાં મતાધિકાર સંદર્ભે સર્વોચ્ચ અદાલતે મહત્ત્વની સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે, કોઈ મતદાન ન કરે તો  તેને મજબૂર કરી શકાય નહીં. લોકશાહીમાં પ્રત્યેક મત કિંમતી છે. ચૂંટણી ગ્રામપંચાયતની હોય કે સંસદની, નોંધાયેલા મતદારોએ મતદાન કરવું જ જોઈએ. ગુજરાતનો તો અનુભવ છે કે, છેલ્લા કેટલાક સમયથી ચૂંટણીપંચની જાગૃતિને લીધે મતદાનની ટકાવારી વધે છે. સોશિયલ મીડિયાને પણ તેનો શ્રેય આપી શકાય. મતદાન ફરજ છે, મતાધિકાર શબ્દ પણ છે તે નૈતિક જવાબદારી છે,પરંતુ તેને ફરજ બનાવી શકાય નહીં. ચીફ જસ્ટિસ સૂર્યકાન્તની અધ્યક્ષતાવાળી  બેન્ચે સુનાવણી કરતાં આ મહત્ત્વની વાત કરી. વોટ ન આપવો તે શું ગુનો છે? તેવા સવાલના જવાબમાં આ વાત થઈ હતી. કોર્ટે કહ્યું કે, ભારત લોકશાહી દેશ છે, 75 વર્ષથી લોકોના વિવેક ઉપર વિશ્વાસ મૂક્યો છે. કોઈ મત ન આપે તો તેને આપણે મજબૂર કરી શકતા નથી. શું આપણે તેની ધરપકડનો આદેશ આપશું? ના, કારણ કે, તો તે કાયદાની વિરુદ્ધ ગણાશે. મતદાન અંગે અરજી કરનાર અજય ગોયલના વકીલે એવી દલીલ કરી હતી કે, જે લોકો મતદાન નથી કરતા તેમને મળતી સરકારી સુવિધાનો લાભ બંધ કરી દેવો જોઈએ. ચીફ જસ્ટિસે હળવાશથી કહ્યું કે, અમારા વતી તમે જ આ કામ કરી લો. કોર્ટે કહ્યું કે, મત ન આપવા બદલ દંડનાત્મક જોગવાઈ લાગુ કરવી તે નીતિગત બાબત છે અને સરકાર તથા ધારાસભાના અધિકાર ક્ષેત્રમાં તે બાબત છે. અરજીને ગ્રાહ્ય ન રાખતાં કોર્ટે કહ્યું કે, મતદાનના દિવસે તે વ્યક્તિએ પોતાની રોજી-રોટી કમાવા જવાનું છે, તે છોડવું તેને પોસાય તેમ નથી તો તે મત દેવા ન જઈ શકે તે સ્થિતિમાં આપણે તેને શું જવાબ આપશું? ઘણા સમયથી આ ચર્ચા ચાલી રહી છે. એક વાત સાચી છે કે, આપણને સરકાર તરફથી સુવિધા જોઈએ છે. સરકાર કામ ન કરે તો તેની આલોચના પણ કરવી છે, પરંતુ તે સરકાર ચૂંટવાની પ્રક્રિયામાં સામેલ નથી થવું. પ્રત્યેક મતદારે મત આપવો જોઈએ તે સાચું છે, પરંતુ અહીં કોર્ટનું કહેવાનું એમ છે કે, મતાધિકારને ફરજિયાત બનાવવો જોઈએ નહીં, સુવિધા મેળવવી તે નાગરિકનો મૂળભૂત અધિકાર છે. તેને મતદાન ઉપર અવલંબિત ન કરાય. જો કે, આવી બાબતમાં કોર્ટ કે સરકાર કરતાં પણ સ્વયંશિસ્ત, સ્વજાગૃતિ જ કામ કરે. આપણે ત્યાં જ્ઞાતિ-સમાજની એક અલાયદી સમાંતર વ્યવસ્થા છે. ધર્મ-સંપ્રદાયો છે. દરેક જ્ઞાતિ દીકરીએ મોબાઈલ ન રાખવો અને ક્યાં પરણવું તેવી બાબતો માટે સંમેલન યોજે છે. કથાઓ યોજાય છે. પાટોત્સવો થાય છે. ગુરુઓએ પણ પોતાના સમુદાયને કહેવું જોઈએ કે મતદાન આપણી ફરજ છે. સરકારી કે કાનૂની કરતાં સામાજિક સ્તરે આ કામ થાય તે વધારે અસરકારક નિવડે. 

Panchang

dd