• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

ગાંધીધામ : રાષ્ટ્રીય ધોરીમાર્ગ રક્તરંજીત હનુમાન મંદિરમાં ટ્રક ઘુસી, ચાલકે જીવ ખોયો

ગાંધીધામ, તા. 23 : શહેરના બસસ્ટેન્ડ સામે રાષ્ટ્રીય ધોરીમાર્ગની વચ્ચોવચ્ચ આવેલા હનુમાન મંદિરમાં ટ્રેઈલર ઘુસી જતાં રાજસ્થાનના લુંબારામ તુલસારામ જાટ (ઉ.વ.25) નામના યુવાને જીવ ખોયો હતો. બીજી બાજુ ભચાઉમાં પ્રવિણ ધરમશી બઢીયા (ઉ.વ.38)નામના યુવાને ફાંસો ખાઈ છેલ્લા શ્વાસ લીધા હતા તેમજ મેઘપર કુંભારડીમાં સિમાકુમારી ગુડ્ડુકુમાર કેવર (ઉ.વ.27)નામના મહિલાએ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હતું. ગાંધીધામના રાષ્ટ્રીય ધોરીમાર્ગ ઉપર ગત રાત્રે 11:35ના અરસામાં ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. ભચાઉ બાજુથી આવતું ટ્રેઈલર નંબર  જીજે-12-બીટી-1028 વાળું ચુંગીનાકા ઓવરબ્રીજ પાર કરી કંડલા બાજુ જઈ રહ્યું હતું. આ વાહન બસ સ્ટેન્ડ સામે પહોંચ્યું હતું તેવામાં રાષ્ટ્રીય ધોરીમાર્ગની વચ્ચોવચ્ચ આવેલા હનુમાન મંદિરમાં ધડાકાભેર અથડાતાં વાહન ચાલક લુંબારામ વાહનની કેબિનમાં ફસાઈ ગયો હતો. ગમખ્વાર અકસ્માતથી આ યુવાનને ગંભીર પ્રકારની ઈજાહો પહોંચી હતી. આ યુવાનને બહાર કાઢી હોસ્પિટલ લઈ જવાતાં ફરજ પરના તબિબે તેને મૃત જાહેર કર્યો હતો. આ બનાવ એ ડિવિઝનમાં આવશે કે બી ડિવિઝનમાં તેની મથામણ બાદ અંતે આ અંગે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે. બીજી તરફ ભચાઉના ભવાનીપુરમાં અપમૃત્યુનો બનાવ બન્યો હતો. અહીં રહેનાર પ્રવિણ બાઢિયા નામનો યુવાન ગઈકાલે સાંજે પોતાના ઘરે હતો દરમ્યાન ઘરની છત ઉપર લાગેલા લાકડાંમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ જીવ દીધો હતો. આગળ તપાસ પોલીસે હાથ ધરી છે. વધુ એક બનાવ મેઘપર કુંભારડીની ગોલ્ડનસીટી સોસાયટીમાં બન્યો હતો. અહીં રહેનાર સિમાકુમારી નામના મહિલાએ પોતાના ઘરે કોઈ કારણોસર ગળેફાંસો ખાઈ પોતાનું જીવન ટુંકાવી લીધું હતું. બનાવ પછવાડેનું કારણ જાણવા આગળની તપાસ પોલીસે હાથ ધરી છે. 

Panchang

dd