• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

`હોર્મુઝમાં માઈન્સની બોટને જોતાંવેંત ઉડાવી દો'

નવી દિલ્હી, તા. 23 : અમેરિકાની નાકાબંધીનાં કારણે ઈરાન-અમેરિકાની શાંતિ મંત્રણા યોજાતાં પહેલાં જ વિખેરાઈ ગયા બાદ હોર્મુઝ પર વર્ચસ્વની લડાઈ જારી છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું હતું કે, હોર્મુઝમાં માઈન્સ ગોઠવતી તમામ બોટસને જોતાંવેંત ઉડાવી દો.અમેરિકાની નાકાબંધી સામે ઈરાને સ્ટ્રેટ ઓફ હોર્મુઝ ઉપર પોતાનો વ્યૂહાત્મક સકંજો કસી લીધો છે અને યુદ્ધવિરામ છતાં ઈરાની નૌસેના જહાજોને નિશાન બનાવીને હુમલા કરી રહી છે. તનાવ વધે તેવી વકી છે. ટ્રમ્પે મોટું અને કડક પગલું ભરતાં અમેરિકન સેનાને આદેશ આપ્યો છે કે, `સ્ટ્રેટ ઓફ હોર્મુઝ'માં દરિયાઈ સુરંગો (માઈન્સ) બિછાવનારી કોઈપણ ઈરાની નાની બોટને `જોતાંવેંત જ ઠાર કરવામાં આવે.' ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતાં કહ્યું, `મેં અમેરિકન નૌસેનાને આદેશ આપ્યો છે કે, જે પણ બોટ, ભલે તે નાની કેમ ન હોય, હોર્મુઝ સ્ટ્રેટના પાણીમાં દરિયાઈ સુરંગો બિછાવતી જોવા મળે તેને તાત્કાલિક નિશાન બનાવવામાં આવે. તેમાં કોઈપણ પ્રકારનો સંકોચ રાખવો જોઈએ નહીં.' ટ્રમ્પે એ પણ કહ્યું કે, અમેરિકન નૌસેના આ મહત્ત્વપૂર્ણ દરિયાઈ માર્ગમાં દરિયાઈ સુરંગોને હટાવવાનું કામ કરી રહી છે અને આ અભિયાનને ત્રણગણું ઝડપી કરવાનો આદેશ આપવામાં આવ્યો છે. ઈરાન ક્રૂડ ઓઇલના ભાવ સળગાવીને વૈશ્વિક બજારમાં દબાણ ઊભું કરીને અમેરિકાનું નાક દબાવવા માટે આ જળમાર્ગનો હથિયાર તરીકે ઉપયોગ કરી રહ્યું છે. રોજ જે જળમાર્ગમાંથી આશરે 130 જેટલાં જહાજો પસાર થતાં હતાં ત્યાં હવે ટ્રાફિક લગભગ ઠપ જ થઈ ગયો છે. બીજીબાજુ ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી)ની નજર હવે ફારસની ખાડીમાં બિછાવાયેલા ઇન્ટરનેટ કેબલ અને ક્લાઉડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઉપર પણ હોવાની આશંકા પેદા થઈ ગઈ છે. જો આવું કોઈ પગલું ઈરાની સેના દ્વારા લેવામાં આવે તો આખી દુનિયામાં હાહાકાર મચી શકે છે. આઇઆરજીસી સંબંધિત સમાચાર એજન્સી તસ્નીમ દ્વારા તાજેતરમાં એક રિપોર્ટ આપવામાં આવ્યો હતો અને તેમાં ફારસની ખાડીમાં ઇન્ટરનેટ કેબલ સહિતના નક્શા પ્રકાશિત કરવામાં આવ્યા હતા. નિષ્ણાતો  ખાડી દેશો માટે એક ગંભીર ચેતવણી ગણાવી રહ્યા છે. આ અહેવાલમાં હોર્મુઝ જળમાર્ગને માત્ર ઓઇલ અને ગેસ માટે નહીં બલ્કે યુએઇ, કતાર, બહેરીન, સાઉદી જેવા દેશોને જોડતી સંચાર સિસ્ટમ માટે પણ ચાવીરૂપ ગણાવવામાં આવ્યો છે. જેને આડકતરી ધમકી ગણાવવામાં આવી રહી છે. અમેરિકા અને ઈરાન વચ્ચેનાં ઘર્ષણમાં હોર્મુઝ જંગનો અખાડો બની ગયો છે. બન્ને વચ્ચે હવે હોર્મુઝ ઉપર વર્ચસ્વની લડાઈ શરૂ થઈ ગઈ છે. જો કે, આમાં યેનકેન પ્રકારે ઈરાન ભારે પડતાં અમેરિકાની હાલત કફોડી બનતી દેખાવા લાગી છે. આની અફરાતફરીમાં જ અમેરિકાએ તાબડતોબ પોતાના નૌસેના પ્રમુખને પણ હટાવી દીધા છે. અમેરિકાના યુદ્ધ વિભાગે આજે ઓચિંતા આની ઘોષણા કરી હતી કે, નૌસેના સચિવ જોન સી.ફેલન તાત્કાલિક અસરથી પોતાના પદેથી હટી ગયા છે. આ સાથે જ હંગ કાઓને કાર્યવાહક નૌસેના પ્રમુખ બનાવવાની ઘોષણા પણ કરી દેવામાં આવી હતી. અમેરિકાએ હોર્મુઝ ઉપર અંકુશ નહીં મળતાં રઘવાટમાં આ પગલું લીધું હોવાનું માનવામાં આવે છે. તો બીજીબાજુ યુદ્ધવિરામ છતાં ઈઝરાયલે લેબેનોનમાં હુમલા ચાલુ રાખ્યા છે. દક્ષિણ લેબેનોનમાં ઈઝરાયલે કરેલા એક ઘાતક હુમલામાં એક મહિલા પત્રકાર સહિત પાંચ લોકોનાં મૃત્યુ થયાં હોવાનું જાણવા મળે છે.  

Panchang

dd