• શુક્રવાર, 24 એપ્રિલ, 2026

વૈશાખ વસમો... કચ્છડો તાપમાં તપ્યો

ભુજ, તા. 23 : સૂરજ બરાબર માથાં પર તપે તેવા મધ્યાહન ટાણાંથી સૂરજ આથમે, ત્યાં સુધી તાપમાં તપવા માંડેલાં કચ્છનાં જનજીવન માટે વૈશાખ વસમો થઈ પડયો છે. ભુજ, કંડલા એરપોર્ટ જેવા ભાગોમાં પારો 41 ડિગ્રી સેલ્સિયસને પાર પહોંચી જતાં `ગરમાગરમ' ગુરુવારે રણપ્રદેશમાં મોસમનો સૌથી ગરમ દિવસ અનુભવાયો હતો. ગુજરાત રાજ્યના મોસમ વિજ્ઞાન વિભાગની વેબસાઈટ પર આજે સાંજે અપાયેલી `તાપમાનની ચેતવણી'માં સપ્તાહાંત (વિકેન્ડ)ના બે દિવસ શનિવાર અને રવિવારે કચ્છ, સૌરાષ્ટ્ર સહિત સમગ્ર રાજ્યના કાંઠાળ ભાગોમાં ગરમ પવનો ફૂંકાશે તેનો વર્તારો આપ્યો હતો. કંડલા એરપોર્ટ પર આજે 42 ડિગ્રી સેલ્સિયસ સાથે વરસામેડી, ગળપાદર, અંજાર સહિત કચ્છનું પૂર્વીય પડખું જિલ્લા મથક ભુજમાં 41.2 ડિગ્રી અગનવર્ષા સાથે શહેર ઉકળાટમાં અકળાયું હતું. લોકો બળબળતા બપોરે બફારાથી બેહાલ બન્યા હતા. `તાપરક્ષક' ટોપી-ચશ્મા, તરબૂચ, સક્કરટેટી જેવાં પાણીદાર ફળો, જ્યૂસ, શરબત, ઠંડાપીણાની બજારમાં તાપપ્રેરિત તેજી આવેલી જોવા મળી હતી. ઉનાળુ અસર એ હદે વ્યાપક બની હતી કે, વાડી વિસ્તારથી ઘેરાયેલા માકપટ પંથકમાં મથક સમાન નખત્રાણામાં પણ 41 ડિગ્રી જેટલા તાપ સાથે ગ્રામીણ જનજીવન દાહક લૂથી દાઝ્યું હતું. પાવરપટ્ટી, આહીરપટ્ટી, વાગડ પંથક, રણકાંધીના સીમાવર્તી ગામોમાં ઉનાળુ ઉકળાટથી અકળાયેલા લોકોએ ઠંડાપીણાં, ઠંડક આપતાં ફળો, વૃક્ષોના છાંયડા શોધીને દિવસ માંડ માંડ પસાર કર્યો હતો. 

Panchang

dd