ગાંધીધામ, તા. 4 : કંડલા મહાબંદરને જોડતા અને
વિશ્વ ધરોહર ધોળાવીરાને સાંકળતા રસ્તા અને પુલના કામ માટે કેન્દ્ર સરકાર દ્વારા માતબર
રકમ મંજૂર કરવામાં આવી છે. આ બે પ્રકલ્પ થકી પ્રવાસન અને પોર્ટ સેક્ટરના વિકાસને સારી એવી ગતિ મળશે. વિશ્વની 40મી ધરોહર વાગડની ભૂમિ ધોળાવીરા છે, જ્યાં 5000 વર્ષ જૂની હડપ્પન સંસ્કૃતિના
અવશેષો સચવાયેલા છે. આ ઉપરાંત પ્રવાસન સ્થળ
ધોરડો, રોડ ટુ હેવન સહિતના વિસ્તારને સાંકળતા રસ્તામાં
ચિત્રોડ-બાલાસર નેશનલ હાઈવેનો સમાવેશ થાય છે. આખરે બહુચર્ચિત રાષ્ટ્રીય ધોરીમાર્ગ 927-સી ચિત્રોડ- રાપર-બાલાસરનાં
નિર્માણ માટે કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધી છે. 57.848 કિમી લંબાઈ ધરાવતા આ માર્ગનાં નિર્માણ માટે કેન્દ્ર સરકાર દ્વારા
રૂપિયા 698.78 કરોડ મંજૂર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, ઘણા સમયથી
આ માર્ગની રાહ જોવાઈ રહી હતી. આ માર્ગ બનતાં મોરબીના સિરામિક ઉદ્યોગ માટે ફતેહગઢ અને
આજુબાજુથી જતી વ્હાઇટ ક્લે (સફેદ માટી)નું પરિવહન
સરળ બનશે. ચિત્રોડ પાસે રાષ્ટ્રીય ધોરીમાર્ગ 27 (અમૃતસર-જામનગર કોરિડોર)થી શરૂ
થતો આ નેશનલ હાઈવે બાલાસર પાસે નેશનલ હાઇવે 754-કેને મળશે. આ માર્ગ ધોળાવીરા,
રોડ ટુ હેવન, ધોરડો સહિતનાં અનેક પ્રવાસન સ્થળોને
જોડતો મહત્ત્વપૂર્ણ કોરિડોર સાબિત થશે અને મુસાફરી સલામત અને બહેતર બનશે. આ માર્ગ રાપરથી
બાયપાસ નીકળતો હોવાથી શહેરના ટ્રાફિકમાં પણ રાહત મળશે. ઉલ્લેખનીય છે કે, અત્યારે આવાં ખનિજ ભરેલાં ડમ્પરો શહેરની વચ્ચેથી તાડપત્રી કે એવું કાંઈ ઢાંક્યા
વગર માટી ઉડાડતાં બેફામ નીકળે છે, જે આ માર્ગ બનતાં આ સમસ્યામાંથી
છુટકારો મળશે. પ્રવાસન ઉપરાંત દેશના મહાબંદર કંડલાના ટ્રાફિકના સરળ સંચાલન માટે ગાંધીધામ
સ્મશાન પાસે રેલવે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે. આ પ્રકલ્પ માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા 90 કરોડની ફાળવણી કરવામાં આવી હતી અને રેલવે દ્વારા આ આર.ઓ.બી.નું કામ ચાલી રહ્યું છે. સ્મશાનથી કંડલા તરફ જતા
માર્ગે ફાટકના કારણે ભારે ટ્રાફિક જામ થતો હતો, જેનું નિવારણ કરવા આર.ઓ.બી.નું એલ.સી. 235 પાસે નિર્માણ કરવામાં આવી રહ્યું છે. પુલના બાંધકામની કિંમતમાં વધારો થતાં
ડીપીએ દ્વારા વધુ રકમની મંજૂરી માટે શિપિંગ મંત્રાલયમાં દરખાસ્ત કરવામાં આવી હતી,
જે અંતર્ગત મંત્રાલય દ્વારા 135 કરોડની રકમની મંજૂરી આપવામાં આવી છે. તાજેતરમાં કેન્દ્ર સરકાર
દ્વારા હાજીપીરથી ધોળાવીરા સુધીના માર્ગ વિસ્તૃતીકરણ
માટે 600 કરોડની મંજૂરી આપવામાં આવી
હતી.