ભુજ, તા. 4 : ખેતી એ કોઈ સામાન્ય વ્યવસાય
નથી. ખેતી જીવનશૈલી છે, ધર્મ છે,
સંસ્કૃતિ છે તેવો સંદેશ નર્મી અને કચ્છમિત્ર દ્વારા મુખ્ય પ્રાયોજક એગ્રોસેલ,
અદાણી ફાઉન્ડેશન, અદાણી પેટ્રોકેમિકલ્સના મુખ્ય
સહયોગથી યોજિત 15મા હાઈટેક
કૃષિ મેળાના બીજા દિવસે રસપ્રદ સેમિનારના મંચ પરથી અપાયો હતો. માત્ર એક વર્ષમાં ફાલ
આપતા કેસર કેરીના રોપાથી માંડીને અદ્ભુત અંજીરના અવનવા પ્રયોગો તેમજ સિંચાઈમાં ઓટોમેશન, નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક કચેરીની માન્યતાપ્રાપ્ત
એગ્રી. ડ્રોન સહિત સિસ્ટમ્સ, ટેક્નોલોજી કૃષિ મેળામાં ભારે આકર્ષણ
જમાવી રહી છે. જોશો તો જાણશો અને માણશો... એક વાર મુલાકાત લેનારને જરૂરથી ઘણું બધું
નવું જાણવા મળશે તેવો વિશ્વાસ અપાવતાં આયોજકો, પ્રાયોજકોએ આવતીકાલે
રવિવારે કૃષિ મેળામાં કચ્છભરમાંથી ઊમટી પડવા કિસાનોને આમંત્રણ આપ્યું હતું. - નાગરિક ઉડ્ડયન વિભાગ માન્ય ડ્રોનનું આકર્ષણ : ગાંધીનગરથી
કૃષિ મેળામાં આવેલી એગ્રિઓન ફાર્માટેક પ્રા.લિ. કંપનીના એગ્રિડ્રોને કિસાનોમાં જબરું
આકર્ષણ જમાવ્યું હતું. આરટીઓની જેમ આરપીટીઓ એટલે કે રિમોટ પાઈલટ ટ્રેઈનિંગ ઓર્ગેનાઈઝેશન
સાત દિવસ તાલીમ માટે આવી પરીક્ષા લે છે, ત્યાર બાદ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશક કચેરી (ડીજીસીએ) ડ્રોન પાઈલટનું લાયસન્સ
આપે છે. એગ્રિઓન કંપની પાંચ વર્ષ સુધી દર વર્ષે સાત લાખ રૂપિયાનું કામ આપવાની ગેરંટી
આપે છે. - કૃષિ મેળામાં
જાણવા મળ્યું : ઉતાવળે આંબા પાકે : સુરતના અરેઠથી આવેલા શ્રીહરિ નર્સરીના પ્રકાશ
નાગજી ધડુકે જે કેસર કેરીના રોપા બતાવ્યા તે જોઈને સૌને ભારોભાર અચરજ થાય. અલગ-અલગ
બે-ત્રણ કે ચાર દેશી રોપાની કલમ એકસાથે જોડી તેના પર કેસરની કલમ ચડાવીને તૈયાર કરાતા
રોપા પોખ્યાના બે-ત્રણ વર્ષ નહીં પરંતુ માત્ર બાર મહિનામાં ખેડૂતો ફળ લણવાનો લહાવો
લઈ શકે છે. - અફઘાનમાં પાકતા અંજીર કચ્છમાં
પણ પાકી શકશે : છેક અમરેલીથી
આવેલા સમર્પણ પ્રાકૃતિક અંજીર ફાર્મ અને નર્સરીના દિનેશ સાવલિયાએ બતાવેલા અમરેલીના
અદ્ભુત અંજીરે પણ ભારે આકર્ષણ જમાવ્યું હતું. અંજીરની ચટ્ટણી, મીઠાઈનો સ્વાદ એકવાર ચાખનાર કદી ન ભૂલે. - ડ્રીપ માટે ઓટોમેશન કિટે પણ
કિસાનોનું ધ્યાન ખેંચ્યું : સમય અને પૈસાની સાથોસાથ પાણીની પણ બચત કરી
આપતી સ્માર્ટ સિંચાઈ માટે `ઓટોડ્રીપ' ઓટોમેશન કિટની સિસ્ટમને પણ મુલાકાતી ખેડૂતોએ
વખાણી હતી. ઓટોમેટિક ક્રીન ફિલ્ટર, ડિસ ફિલ્ટર, સેંડ મીડિયા ફિલ્ટર, ઈલેક્ટ્રિક કંટ્રોલ વાલ્વ સમાવતી
આખી ઓટોમેટિક સિંચાઈની સિસ્ટમની સુંદર સમજ અપાઈ રહી છે. - `સેતુ સેમિનાર'ને મળ્યો કિસાનોનો જબરો પ્રતિસાદ : કૃષિ મેળાના બીજા દિવસે શનિવારે મુખ્ય પ્રાયોજક
એગ્રોસેલના સહયોગથી યોજિત સેમિનારને કિસાનોએ વખાણ્યો હતો. પ્રાકૃતિક ખેતીના પ્રખર પ્રચારક
મનોજભાઈ સોલંકીએ પ્રકૃતિના ખોળે ખેતી અંગે પ્રેરક પથદર્શનથી ખેડૂતોને પ્રભાવિત કરી
દીધા હતા. એ જ રીતે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર મુંદરાના વરિષ્ઠ વૈજ્ઞાનિક જયદીપ ગોસ્વામીએ
દાડમ, ખારેક, કેરીના બાગાયતી
પાકોની સફળ ખેતી અંગે મહત્ત્વનું માર્ગદર્શન આપ્યું હતું. જંગલની કુદરતી મલ્ટિક્રોપ
પેર્ટનના સુંદર દૃષ્ટાંત સાથે પ્રયોગધર્મી કિસાન રતિલાલ શેઠિયાએ ખેતીની અદ્ભુત વાતો
કરી હતી, તો અભ્યાસુ તજજ્ઞ હિતેશભાઈ વોરાએ વાવેતરથી વેચાણ સુધી આત્મનિર્ભર બનવા અંગે પથદર્શન પૂરું
પાડયું હતું.