કેરા (તા. ભુજ), તા. 16 : છેલ્લાં 25 વર્ષમાં 50 લાખ દર્દીની રાહતદરે સારવાર
કરી જાણીતી બનેલી માતૃશ્રી મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલ અને રિસર્ચ સેન્ટરમાં બિનનિવાસી
પરિવારે 27 લાખના ખર્ચે અદ્યતન એન્ડોસ્કોપી
મશીન વસાવી આપતાં અર્પણવિધિ કરાઈ હતી. મૂળ નારાણપરના સ્વ. શિવજીભાઈ રૂડાભાઈ ખેતાણીના
આત્મશ્રેયાર્થે હરીશભાઈ કેરાઈ તેમજ કંપાલા લેવા પટેલ સમાજના પ્રમુખ જિતેશભાઈ વાઘજિયાણી
પરિવારોના મહિલા સભ્યો પૈકી અમૃતબેન હરીશભાઈ કેરાઈ,
કાનબાઈ રામજી વેકરિયા, જેઠાલાલ વેલજી વેકરિયા,
વાલબાઈ જેઠા વેકરિયા સૌએ હોસ્પિટલના સર્જરી વિભાગમાં આ આધુનિક નિદાન ઉપકરણની અર્પણવિધિ કરી
હતી. મૂળ મેઘપરના કંપાલા નિવાસી જિતેશભાઈ નારાણ વાઘજિયાણીએ સહયોગી હરીશભાઈ કેરાઈ બન્ને
હરિ હાર્ડવેર લિમિટેડ તરફથી સમાજપ્રેમે પ્રેરાઈ ગરીબ દર્દીઓની સેવામાં 27 લાખ માતબર રકમ દાનમાં આપી હતી.
એક સમયે વતન કચ્છમાં પ્રારંભિક સંઘર્ષ પછી યુગાંડામાં પ્રગતિ પામેલા હરીશભાઈ કેરાઈ
અને જિતેશભાઈ કંપાલામાં પણ અનેક ગરીબ-મધ્યમ પરિવારો માટે મદદરૂપ બની રહ્યા છે. બન્ને
પરિવારના મહિલા સભ્યોએ લેવા પટેલ સમાજ દ્વારા કરાતી આરોગ્ય સેવામાં વિશ્વાસ વ્યક્ત
કરી ભવિષ્યમાં પણ સહયોગી થવાની લાગણી વ્યક્ત કરી હતી. `જ્યાં સેવા ત્યાં દાન' સૂત્ર અપનાવવા અન્ય દાતાઓને અનુરોધ કર્યો હતો.
નવાં ઉપકરણની માહિતી જાણીતા સર્જન ડો. અજય કલોત્રાએ આપી હતી. સમાજ પ્રમુખ વેલજીભાઈ
પિંડોરિયા, અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયા સહિતના કાર્યકરોએ દાતા પરિવારનો
આભાર માન્યો હતો. જિતેશભાઈ વાઘજિયાણી દ્વારા અગાઉ કે. કે. પટેલ હોસ્પિટલમાં 25 લાખ રૂપિયાનું દાન અપાયું હતું.