• શુક્રવાર, 16 જાન્યુઆરી, 2026

ટેરિફ ટ્રમ્પનું હથિયાર

રશિયાનાં ક્રૂડતેલની ખરીદીના મામલે ભારત સહિતના દેશોને ધમકી આપતા રહેલા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે હાલ મસમોટા ટેરિફને વધારીને પ00 ટકા કરવાની ધમકી આપીને ભારે હલચલ મચાવી છે. એક તરફ ભારત અને અમેરિકા વચ્ચે વેપાર કરારની વાટાઘાટો નિર્ણાયક તબક્કે હોવાના સંકેતો વચ્ચે ટ્રમ્પે આપેલી આ ધમકીની અસર ભારતીય શેરબજારો પર તરત વર્તાઈ છે. રશિયા પર કડક પ્રતિબંધ લાદવાને લગતા ખરડાને ટ્રમ્પે બહાલી આપી દીધી છે અને આગામી સપ્તાહે અમેરિકાની સંસદ તેના પર મતદાન કરે એવી શક્યતા છે. આ ખરડામાં રશિયા પાસેથી ક્રૂડતેલ ખરીદતા ભારત સહિતના દેશોની સામે પ00 ટકાનો તોતિંગ ટેરિફ લાદવાની જોગવાઈ છે. રશિયાને યુક્રેન સામેના જંગમાં આર્થિક રીતે નબળું પાડવાનો એજન્ડા ધરાવતા અમેરિકાના નિશાને ભારત ઉપરાંત ચીન અને બ્રાઝિલ છે. આમ તો ટ્રમ્પનો નવો ખરડો એકતરફી અને આંતરરાષ્ટ્રીય નિયમોની વિરુદ્ધનો છે, પણ છેલ્લા ઘણા સમયથી વૈશ્વિક સ્થિરતા અને ધોરણોની પરવાહ કર્યા વગર જે રીતે અમેરિકાના રાષ્ટ્રપતિએ વિવિધ સ્તરે પગલાં લીધા છે તેની ચોમેર ટીકા પણ થઈ રહી છે. વેનેઝુએલા પર રાત વચ્ચે હુમલો અને હવે ગ્રીનલેન્ડ પર કબજા માટે વધારાઈ રહેલાં દબાણથી દુનિયાના દેશો ક્ષુબ્ધ છે. યુક્રેનના જંગને રોકવા મથી રહેલા અમેરિકા અને યુરોપના દેશોને હજી સફળતા મળી નથી. આવામાં ટ્રમ્પ હવે પોતાની નિષ્ફળતાનો ટોપલો બીજા પર ઢોળવા હવાતિયાં મારી રહ્યા છે. આ નવો ખરડો આવા હવાતિયાંનો એક ભાગ હોવાનું સ્પષ્ટ રીતે જણાઈ રહ્યંy છે. યુક્રેનના જંગનો મામલો એટલો બધો મુશ્કેલ બની ગયો છે કે, તેના ઉકેલનો કોઈ માર્ગ વિશ્વને જણાતો નથી. આમ તો ગયા મહિને અમેરિકાએ ફ્લોરિડામાં યુક્રેન, રશિયા અને યુરોપના પ્રતિનિધિઓ વચ્ચે અલગ-અલગ મંત્રણા કરી હતી, પણ યુક્રેનને સલામતીની ગેરંટી આપવાના મામલે વાત વધુ ગુંચવાઈ છે. એક તરફ બ્રિટન અને ફ્રાંસે શાંતિ સમજૂતી બાદ યુક્રેનમાં પોતાના દળો તૈનાત કરવાની સંમતિ આપી છે, પણ આ વાત રશિયાને સ્વીકાર્ય નથી અને તેણે યુક્રેન પર હુમલા વધારીને પોતાનો ઈરાદો છતો કરી નાખ્યો છે. રશિયા કોઈ પણ હિસાબે નમતું જોખે તેમ ન હોવાનું બરાબર સમજતા ટ્રમ્પે ફરી એક વખત તેમના સરળ હાથવગા ઉપાયને અજમાવવાનું પસંદ કર્યું છે. રશિયાનાં તેલની ખરીદી કોઈ પણ હિસાબે અટકાવવાની વ્યૂહરચના વધુ તીવ્ર બનાવવા ટ્રમ્પ ફરી સક્રિય બન્યા છે, પણ આ દબાણ ખેરેખર તો અમેરિકાને પોતાને આર્થિક મોરચે નુકસાન કરી શકે તેમ હોવાનું અત્યાર સુધીના અનુભવ પરથી જણાઈ આવે છે. વળી અત્યાર સુધીના ટેરિફથી ભારતને કોઈ નોંધપાત્ર નુકસાન થયું હોવાનું જણાતું ન હોવાને લીધે શક્ય છે કે, હવે ટેરિફ વધારવાની ધમકી આપવા ટ્રમ્પ સરકાર સક્રિય બની છે. એક તરફ ટ્રમ્પે પોતે સ્વીકાર્યું છે કે, ભારતે રશિયાના ક્રૂડતેલની ખરીદી બહુ ઓછી કરી નાખી છે. આવામાં હવે પ00 ટકા ટેરિફની ધમકી ખરા અર્થમાં બિનજરૂરી જણાઈ રહી છે. ભારતે વાશિંગટનને ખરી હકીકતથી માહિતગાર કરવા રાજદ્વારી ઉપાયોને વધુ અસરકારક બનાવવા પર તાકીદે ધ્યાન આપવાની જરૂરત છે. 

Panchang

dd