ભુજ, તા. 16 : માંડવી તાલુકાના તલવાણા પાસે
માંડવીથી મુંદરા જતા ધોરીમાર્ગ પર રોંગસાઈડમાં આવતી બોલેરો પીકઅપ જીપકારની હડફેટે આવી
જતાં બાઈકચાલક શંકરલાલ ઉર્ફે રાજેશ કાનજી કોલી (ઉ.વ. 31)નું ગંભીર ઈજાના પગલે મોત થયું
હતું, તો મુંદરા તાલુકાના લુણી નજીક વહાણનું કામ કરતી
વેળાએ દરિયામાં પડી જતાં કમલેશ કિશોરભાઈ ચુડાસમા (ઉ.વ. 33)નું મૃત્યુ થયું હતું, જ્યારે મુંદરા તલુકાના મોટા કાંડાગરામાં અજયપ્રસાદ
રઘુનાથ ભગત (ઉ.વ. 37) નામના યુવાને
કોઈ અગમ્ય કારણે ગળેફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું હતું. પોલીસે આપેલી વિગતો મુજબ, તલવાણા પાસે પાંજરાપોળ જતાં ત્રણ રસ્તા નજીક
માંડવીથી મુંદરા જતા ધોરીમાર્ગ પર રોંગસાઈડમાં આવતી જીજે 12 સીટી 3729 નંબરની બોલેરો જીપકારના ચાલકે
બેદરકારીપૂર્વક વાહન ચલાવી સામેથી આવતી બાઈક નં. જીજે 12 એચબી 7871ના ચાલક શંકરલાલને હડફેટે લીધો
હતો, જેમાં તેને ગંભીર ઈજાઓ પહોંચી હતી. તેને સારવાર
માટે તાત્કાલિક માંડવીની સરકારી હોસ્પિટલ ખસેડાતાં ફરજ પરના તબીબે તેને મૃત જાહેર કર્યો
હતો. કોડાય પોલીસે આ મામલે જીપકારના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.
બીજી બાજુ મુંદરાના લુણી ઓપી ખાતે જૂના પોર્ટમાં વહાણ પર પાણી લીકેજ બંધ કરવાનું કામ
કરતા હતભાગી કમલેશનું વધણ (પ્રાંચ) પરથી દરિયામાં પડી જવાથી મોત થયું હતું. મુંદરા
મરીન પોલીસે આ મામલે અકસ્માત મોતની નોંધ કરી આગળની તપાસ હાથ ધરી છે. વધુ એક અપમૃત્યુનો
બનાવ મોટા કાંડાગરામાં બન્યો હતો, જ્યાં આઈકૃપા લેબર કોલોનીમાં
રહેતા અજયપ્રસાદ નામના યુવકે કોઈ અગમ્ય કારણે પોતાના ઘરે જ લોખંડના સળિયામાં ગમછા બાંધી
ગળેફાંસો ખાઈ જીવનનો અંત આણ્યો હતો. આ યુવકે કયા કારણે અંતિમ પગલું ભર્યું તે જાણવા
સહિતની તપાસ મુંદરા પોલીસે હાથ ધરી છે.