ભુજ, તા. 16 : અબડાસાના માજી ધારાસભ્ય જયંતીભાઈ
ભાનુશાલીની હત્યાના ચકચારી કિસ્સામાં કેસના સાત વર્ષે જેમને આરોપી તરીકેની ભૂમિકામાં
મૂકવામાં આવ્યા છે એવા ભાનુશાલી જ્ઞાતિના અગ્રણી તથા ઓધવરામ સત્સંગ મંડળના સ્થાપક પ્રમુખ
મનજીભાઈ ખીયશીં ભાનુશાલીને રાજ્યની વડી અદાલતે હાલ તુરત આંશિક રાહત આપી છે. હાઈકોર્ટ
દ્વારા આ અંગેની આગળની કાર્યવાહી 22મી જાન્યુઆરી ઉપર મુકરર કરવામાં આવી છે. હત્યા કેસમાં ફરિયાદી
સુનીલ ભાનુશાલીની સુનાવણી દરમિયાન જુબાની અને તેમના દ્વારા અપાયેલી અરજી અન્વયે થોડા
દિવસો પહેલાં ભચાઉ સ્થિત જિલ્લા અદાલતે મનજીભાઈ ભાનુશાલીને આરોપી તરીકે ઠરાવીને તેમને
ટ્રાયલ ફેસ કરવાનો આદેશ કર્યો હતો. આ હુકમને હાઈકોર્ટ સમક્ષ પડકારાતાં ન્યાયાધીશ પી.એમ.
રાવલે આંશિક રાહત આપતો આ હુકમ કર્યો હતો. ભચાઉ જિલ્લા અદાલતે તારીખ 19મી જાન્યુઆરીના શ્રી ભાનુશાલીને હાજર થવા
આદેશ કર્યો હતો, જ્યારે હાઈકોર્ટે તેની
સમક્ષ થયેલી અરજીની સુનાવણીમાં 19 તારીખની હાજરીમાં રાહત આપી અરજીની આગળની સુનાવણી તા. 22મી ઉપર નિર્ધારિત કરી છે. હાઈકોર્ટે નોંધ્યું
હતું કે, માત્ર શંકા અને અમુક ત્રુટિઓના આધારે ટ્રાયલ
કોર્ટે અરજદારને આરોપી તરીકે ઉમેર્યા હોવાનું જણાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે,
જાન્યુઆરી 2019માં માજી
ધારાસભ્યની ચાલતી ટ્રેને હત્યા થવાના મામલામાં પકડાયેલા તમામ આરોપીઓ હાલે જામીન ઉપર
મુક્ત છે. આ વચ્ચે ગત ડિસેમ્બર માસમાં કેસની સુનાવણી દરમિયાન ભચાઉની કોર્ટે મનજીભાઈ
માટે કરેલા હુકમથી પ્રકરણમાં નવો વળાંક આવ્યો હતો.