• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

ગાંધીધામના રાજવીથી ભવાનીનગર ફાટક સુધી 70 દબાણ હટાવવા નોટિસ

ગાંધીધામ, તા. 16 : ગાંધીધામના રાજવી ફાટકથી લઈને ભવાનીનગર ફાટક સુધી પીવાનાં પાણીની મુખ્ય એક્સપ્રેસ લાઈન ઉપર વ્યાપક દબાણો ને લીધે લાઈન લીકેજ થઈ છે. અતિક્રમણના કારણે લીકેજ દૂર કરવા મુશ્કેલ છે, જેના પગલે વહીવટી તંત્રએ અહીં 70 દબાણકારને સમયમર્યાદામાં પોતાનાં દબાણો હટાવી લેવા માટેની નોટિસ આપી છે. કમિશનરની સૂચના પછી નાયબ મ્યુનિસિપલ કમિશનર અહીં પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું ત્યારબાદ કાર્યવાહી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. - પાણીની લાઈનો પર દબાણ : ઘણા લાંબા સમયથી રાજવી ફાટકથી લઈને ભવાનીનગર ફાટક સુધી રિશી શાપિંગ રોડ ઉપર પીવાનાં પાણીની એક્સપ્રેસ લાઈનમાં લીકેજ છે. લાઈન ઉપર દબાણ છે, તેના કારણે લીકેજ દૂર થતી નથી. પીવાનાં પાણીનો વેડફાટ રોડ ઉપર થઈ રહ્યો છે, જેના પગલે રોડ પણ અત્યંત ખરાબ છે. બેથી ત્રણ વખત મલબો પણ નાખવામાં આવ્યો હતો, છતાં રોડની સ્થિતિ સુધરી નથી અને સતત પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. આ ઉપરાંત લીકેજના કારણે લોકોને પીવાનું પાણી દૂષિત મળતું હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી હતી. કમિશનર મનીષ ગુરુવાણીની સૂચના  પછી નાયબ મ્યુનિસિપલ કમિશનર મેહુલ દેસાઈ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. પગલે મહાનગરપાલિકાનાં પાણી અને દબાણ હટાવ વિભાગ દ્વારા મંગળવારે રાજવી ફાટકથી લઈને ભવાનીનગર ફાટક સુધી એક્સપ્રેસ લાઈન ઉપર થયેલાં 70 દબાણને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી છે. - 80 ફૂટનો માર્ગ ખુલ્લો કરાશે : આ અંગે ગાંધીધામ મહાનગરપાલિકાના ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર શ્રી દેસાઈનો સંપર્ક સાધતા તેમણે વાતને સમર્થન આપીને કહ્યું હતું કે, રાજવી ફાટકથી ભવાનીનગર ફાટક સુધી એક્સપ્રેસ લાઈન ઉપર દબાણ છે અને લાઇન લીકેજ છે, પાણીનો વેડફાટ થઈ રહ્યો છે, હજારો લોકો અવરજવર કરી રહ્યા છે તે રોડની હાલત પણ ખરાબ છે. લીકેજના કારણે પાણીનો જે બગાડ થાય છે, તેના કારણે રોડ પણ ખરાબ થાય છે. જેથી અહીં લાઈન ઉપર થયેલાં દબાણને દૂર કરવા માટે નોટિસ આપવામાં આવી હોવાનું કહ્યું હતું. આગામી સમયમાં 80 ફૂટના માર્ગને ખુલ્લો કરીને તેનું નવીનીકરણ કરવામાં આવશે અને એક સારા માર્ગનું નિર્માણ કરાશે તેમ જણાવ્યું હતું. - અગાઉ પણ દબાણ હટાવવા માટે કાર્યવાહી થઈ હતી : રાજવી ફાટકથી લઈને ભવાનીનગર ફાટક અને ત્યાંથી ભારતનગરના ગોપાલપુરી કોલોનીને લગતા ખૂણા સુધી વ્યાપક દબાણો છે. અહીં એક્સપ્રેસ લાઈન ઉપર અતિક્રમણ છે, અગાઉ નગરપાલિકા વખતે દબાણ હટાવવા માટેનો પ્રયાસ થયો હતો તે સમયે તત્કાલીન પોલીસ સંપૂર્ણ રીતે તૈયાર હતી, પણ તત્કાલીન સમયના નેતાઓ અને અધિકારીઓ ઘટયા હતા, તેના કારણે જે તે સમયે કાર્યવાહી થઈ ન હતી. હવે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવશે.  

Panchang

dd