ભુજ, તા. 16 : કચ્છમિત્ર એન્કર કપની સંતશ્રી
વલ્લભદાસ સ્ટેડિયમ રતનાલમાં આયોજિત લીગ મેચમાં પીએન અમરશી સ્કૂલનો 109, તો દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામનો
210 રને વિજય થયો હતો. ડીપીએસના
બિલાલ લંઘાએ બાવન બોલમાં 101 રનની તોફાની
ઈનિંગ્સ રમી હતી. પ્રથમ મેચમાં પીએન અમરશી સ્કૂલે પ્રથમ બેટિંગ કરતાં વ્યોમ અથવાલના
45, રાહુલ યાદવના 53, આદિત્ય રાઉનના 27 રનની મદદથી 5 વિકેટે 208 રન બનાવ્યા હતા. એસ. પોદાર સ્કૂલ કિડાણા તરફથી સમર યાદવે ત્રણ, આર્યન બારોટે બે, તો શિવમ
કુમારે એક વિકેટ ઝડપી હતી. જવાબમાં એમ. પોદાર સ્કૂલ કિડાણા 20 ઓવરમાં આઠ વિકેટે 99 રન બનાવી શકતાં પીએન અમરશીનો
109 રને વિજય થયો હતો. પીએન અમરશી
તરફથી હિમાંશુ ચૌહાણે ચાર, દક્ષે ત્રણ
અને હસવતએ બે વિકેટ ઝડપી હતી. હિમાંશુ ચૌહાણને મેન ઓફ ધ મેચ અને સમર યાદવને સેકન્ડ
મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. માધવ આહીર અને રાહુલ આહીર અમ્પાયર, તો પ્રકાશ આહીર તેમજ વિકાસ છાંગા સ્કોરર રહ્યા હતા. ટોસ ભૂતપૂર્વ ક્રિકેટર
શ્રી ખાને ઉછાળ્યો હતો. નવીન આહીરના હસ્તે ટ્રોફી અપાઈ હતી. પ્રવીણ હીરાણી,
અશોક રાવલ, યુવરાજસિંહ જાડેજા હાજર રહ્યા હતા.
બીજી મેચમાં પહેલા બેટિંગ કરનાર દિલ્હી પબ્લિક સ્કૂલ ગાંધીધામે ચાર વિકેટે 257 રન બનાવ્યા હતા. બિલાલ લંઘાએ
4 છગ્ગા અને 14 ચોગ્ગની મદદથી બાવન બોલમાં
101, તો શુભ રાજવીએ આઠ ચોગ્ગા અને
ત્રણ છગ્ગાની મદદથી 29 બોલમાં 65, જ્યારે અમિતગિરિએ 36 રન બનાવ્યા હતા. એજ્યુકેશન
સ્કૂલ અંજાર તરફથી રોહિત આહીરે બે અને આરવ માતાએ એક વિકેટ ઝડપી હતી. જવાબમાં એજ્યુકેશન
અંજારની ટીમ 47 રનમાં ઓલઆઉટ થઈ જતાં ડીપીએસનો
210 રને મહાવિજય થયો હતો. ડીપીએસ
તરફથી શ્લોક ભાટિયાએ ચાર, યશ ઠક્કર અને
આર્યન આહીરે એક વિકેટ ઝડપી હતી. એજ્યુકેશન અંજાર તરફથી મોહમ્મદ તનવીરે 17 રન બનાવ્યા હતા. બિલાલ લંઘાને
મેન ઓફ ધ મેચ, તો શ્લોક ભાટિયાને સેકન્ડ
મેન ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. રૂદ્રલાલ આહીર અને બી.કે. આહીર અમ્પાયર, તો માધવ આહીર તેમજ વિકાસ છાંગા સ્કોરર
રહ્યા હતા.