ગાંધીધામ, તા. 16 : ગાંધીધામના ડીબીઝેડ નોર્થમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની બિલ્ડિંગ
બનાવ્યા બાદ તેની ઉપર મોબાઈલ ટાવર ઊભો કરવાની
પેરવીથી લોક વિરોધ શરૂ થયો છે અને આ વિસ્તારના લોકોએ આજે મહાનગરપાલિકા પહોંચીને રજૂઆત
કરી હતી. કચ્છ ભૂકંપ ઝોન પાંચમાં છે અને હવે
લગભગ ઝોન છમાં આવશે તેવામાં અહીં ગ્રાઉન્ડ પ્લસ બે માળની બિલ્ડિંગ બનાવવાની જ મંજૂરી
છે, તેવામાં નોર્થમાં ગ્રાઉન્ડ પ્લસ ત્રણ માળની
બિલ્ડિંગ બનેલી છે અને હવે તેની ઉપર માનવ જિંદગી માટે અત્યંત જોખમી એવો મોબાઈલ ટાવર
ઊભો કરવાની પેરવી કરવામાં આવે છે.વિસ્તારના લોકોએ આજે મહાનગરપાલિકા જઈને નાયબ મ્યુનિસિપલ
કમિશનર મેહુલ દેસાઈને પત્ર પાઠવ્યો હતો,
જેમાં ત્રણ માળની બિલ્ડિંગ ઉપર મોબાઈલ ટાવર ઊભો થઈ રહ્યો છે.
અહીં રહેણાક વિસ્તાર છે, તેમ છતાં ગેરકાયદે દુકાનો, ઓફિસો બની છે અને હવે ટાવર ઊભો થઈ રહ્યો છે. કુદરતી આફતો સમયે આ ટાવર જોખમી
બની શકે છે તેમજ માનવ જિંદગી માટે પણ જોખમી છે. રહેણાક વિસ્તારમાં વાણિજ્ય કામગીરી
થઈ ગઈ છે, આ બાબતે તપાસ કરીને તુરંત પગલાં ભરવાની માંગ કરવામાં
આવી છે.