• બુધવાર, 17 ડિસેમ્બર, 2025

આજે ચોથી ટી-20 : ભારતનું લક્ષ્ય શ્રેણી જીત

લખનઉ, તા. 16 : ભમન ગિલનું ખરાબ પ્રદર્શન ચર્ચાનો વિષય બન્યો છે, સાથોસાથ ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહેલો કપ્તાન સૂર્યકુમાર યાદવ પણ સમીક્ષાની પરિઘમાં આવી ગયો છે. બુધવારે અહીંના ઇકાના સ્ટેડિયમ પર દ. આફ્રિકા સામેની ચોથી ટી-20 મેચમાં ભારતીય ટીમ વિજયક્રમ જાળવી રાખી શ્રેણી ગજવે કરવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે. આ મેચ દરમિયાન પણ શુભમન-સૂર્યકુમાર સમીક્ષાના સ્કેનર પર રહેશે. બીજી તરફ શ્રેણી જીવંત રાખવા માટે દ. આફ્રિકી ટીમે કરો યા મરો સમાન દેખાવ કરી ભારતીય ટીમને હાર આપવી પડશે. આફ્રિકાની રાહ કઠિન છે, પણ એડન માર્કરમની ટીમને ઓછી આંકી શકાય નહીં. જે તેમણે બીજી મેચમાં પ1 રનની જીતથી સાબિત કરી બતાવ્યું છે.  ત્રીજી મેચમાં કપ્તાન સૂર્યકુમાર પાસે ફોર્મ હાંસલ કરવાની તક હતી, પણ તે 12 રનની ટૂંકી ઇનિંગ રમી આઉટ થઈ ગયો હતો. એક સમયે 360 ડિગ્રી બેટર તરીકે નામના હાંસલ કરનાર ભારતીય કપ્તાન હવે અનિયમિત ફટકા મારી કેચ આઉટ થઈ રહ્યો છે. તે પોતાના ટ્રેડમાર્ક સમાન પિક-અપ શોટ રમતી વખતે આઉટ થતો જોવા મળી રહ્યો છે. આમ છતાં તેનું કહેવું છે કે તે આઉટ ઓફ ફોર્મ નથી, આઉટ ઓફ રન છે. 202પમાં તેનાં નામે એક પણ અર્ધસદી નથી.  ટી-20 વિશ્વ કપને હવે બહુ સમય નથી ત્યારે શુભમન ગિલનું ફોર્મ પણ ચિંતાનું કારણ બન્યું છે. તે ભારતનો દાવ પ્રારંભ કરે છે અને જલ્દીથી આઉટ થઈ રહ્યો છે. આથી ભારતની ઇનિંગ અસ્થિર બને છે અને પાવર પ્લેમાં રન બનતા નથી. શુભમનને ફેવર કરવા માટે ટીમ મેનેજમેન્ટ સંજુ સેમસનનો ભોગ આપી રહી છે. જેનાં પણ ઘણી ટીકા થઈ રહી છે.  ચોથી મેચમાં જસપ્રિત બુમરાહ અને અક્ષર પટેલ પહેલેથી જ બહાર થઈ ગયા છે. આમ પણ તેઓ ત્રીજી મેચની ઇલેવનના હિસ્સા ન હતા. આથી લખનઉમાં ભારતની ઇલેવનમાં લગભગ ફેરફાર થશે નહીં. ધર્મશાલામાં 7 વિકેટે મળેલી જીત વખતની ઇલેવન અકબંધ રાખી શકે છે. બીજી તરફ દ. આફ્રિકાએ ગયા વર્ષે જૂનમાં ટી-20 વિશ્વ કપની ફાઇનલ હાર પછીથી આ ફોર્મેટમાં 28માંથી 18 મેચ ગુમાવી છે. અફ્રિકી ટીમને વ્યવસ્થિત સંયોજનની તલાશ છે. આથી તેની ઇલેવનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યા છે. જેથી ખેલાડીઓ સ્થિર બની શકતા નથી. ચોથી ટી-20 મેચમાં એડન માર્કરમની ટીમ પર શ્રેણી જીવંત રાખવાનું દબાણ રહેશે. આમ છતાં તેની ઇલેવનમાં ફરી ફેરફાર જોવા મળી શકે છે. મેચ બુધવારે સાંજે 7-00 વાગ્યાથી શરૂ થશે. 

Panchang

dd