ગાંધીધામ, તા. 20 : પર્યાવરણ જાળવણી માટે સરકાર
અને સામાજિક સંસ્થાઓના અનેક પ્રયાસો વચ્ચે ગાંધીધામમાં પી.જી.વી.સી.એલ. દ્વારા વીજલાઈનને
નડતર ન હોય તે બાજુનાં વૃક્ષોને કાપવામાં આવ્યાં હોવાનાં પગલે પર્યાવરણપ્રેમીમાં ભારે નારાજગી પ્રવર્તી છે. ગાંધીધામ પી.જી.વી.સી.એલ.
દ્વારા શહેરના વિવિધ વિસ્તારમાં વીજલાઈનને
નડતરરૂપ વૃક્ષોની ડાળીઓને કાપવામાં આવી રહી છે. આ કામગીરી દરમ્યાન શહેરના ટાગોર રોડ
ઉપર પણ આ પ્રકારની કામગીરી આરંભાઈ છે, જેમાં વૃક્ષોનું નિકંદન કરવામાં આવી રહ્યં છે. પર્યાવરણપ્રેમીઓએ જણાવ્યું હતું કે, વૃક્ષોની સંખ્યા ઓછી થતી જાય છે ત્યારે પ્રિ
મોન્સુન કામગીરી તળે વીજલાઈનની નડતરરૂપ ન હોય તે બાજુનાં વૃક્ષોની ડાળી કાપી નાખવામાં
આવી છે. તંત્ર પાસે કઈ જગ્યાએ કેટલા પ્રમાણમાં વૃક્ષો કાપવા તે માટે પુરતું આયોજન પણ
કરવામાં આવ્યું નથી. નોંધપાત્ર છે કે, થોડા સમય અગાઉ અંજારના
મારુતિ ગ્રાઉન્ડમાં પણ પી.જી.વી.સી.એલ. દ્વારા વીજલાઈનને નડતરના બહાને વૃક્ષોનું નિકંદન
કરવામાં આવ્યું હતું. સ્થાનિકો અને પર્યાવરણ પ્રેમીઓના ભારે રોષ વચ્ચે વીજતંત્ર દ્વારા
કાપેલાં વૃક્ષો સામે તેટલાં વૃક્ષોનું વાવેતર કરી આપવાની ફરજ પડી હતી ત્યારે ગાંધીધામમાં
વીજતંત્ર કેવો અભિગમ દાખવે છે. તે જોવું રહ્યં આ અંગે નાયબ કાર્યપાલક ઈજનેરનો સંપર્ક કરતા
તેમણે જણાવ્યું હતું કે, વીજલાઈનને
નડતરરૂપ જ વૃક્ષો કાપવાની કામગીરી ચાલી રહી છે. કેટલાક કિસ્સામાં વૃક્ષોની પાંખના વીજપુરવઠાને
અસર થતી હોય છે. વધુમાં તેમણે પર્યાવરણની જાળવણી આવશ્યક જણાવી યોગ્ય તપાસ કરવાની વાત
કરી હતી. સૌરાષ્ટ્ર વૃક્ષો કાપવા (સજા) અધિનિયમ
1951ની જોગવાઈઓ તળે વહીવટીતંત્રના સક્ષમ અધિકારીની લેખિત પરવાનગી વિના
વૃક્ષોને કાપવા અથવા વૃક્ષોના કોઈ પણ ભાગને
નુકસાન પહોંચાડી શકે નહીં. આ માટે દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ બાબતની નીતિ આયોગ દ્વારા સત્તાવાર રીતે પોતાની
વેબસાઈટમાં સ્પષ્ટતા કરવામાં આવી છે, ત્યારે ગાંધીધામમાં વીજતંત્ર દ્વારા
વૃક્ષોને નુકસાન પહોંચાડવાની ગતિવિધિ અંગે
સક્ષમ અધિકારી પાસે મંજૂરી લેવામાં આવી હશે ખરી ? આ કાયદાની અમલવારી
કરવાની જવાબદારી વહીવટીતંત્રની છે. વૃક્ષોને નુકસાન પહોંચાડવાના બનાવમાં પીજીવીસીએલ
પાસે દંડ વસૂલવામાં આવશે કે નહીં તે સહિતના
પ્રશ્નો બહાર આવ્યા હતા.