નવી દિલ્હી, તા. 24 : 2020માં
ત્રણ કૃષિ કાયદાના વિરોધના પગલે એનડીએમાંથી અલગ થનારા શિરોમણિ અકાલી દળે 2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં
ભાજપ સાથે ફરી જોડાણ કર્યું હોવાની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વાગત
કર્યું હતું. હવે બંને પક્ષો `નેશનલ ડેમોક્રેટિક
એલાયન્સ'ના ભાગરૂપે સાથે મળીને ચૂંટણી લડશે અને પંજાબને
જનહિતને સમર્પિત સરકાર આપશે તેમ જણાવ્યું હતું. એક મીડિયા હેવાલ મુજબ, સોશિયલ મીડિયા પર વડાપ્રધાન મોદીએ જણાવ્યું હતું કે, પંજાબ અને ત્યાંના લોકોનું કલ્યાણ સર્વોપરી છે. તેમણે શિરોમણિ અકાલી દળની એનડીએમાં
વાપસી પર આનંદ વ્યક્ત કરવા સાથે ઉલ્લેખ કર્યો
હતો કે, આ ઘરવાપસી ગુરુ નાનક દેવજીના પ્રકાશ પર્વના અવસર સાથે
સુસંગત છે. વડાપ્રધાને ઉલ્લેખ કર્યો હતો કે, અટલ બિહારી વાજપેયી,
લાલકૃષ્ણ અડવાણી અને સરદાર પ્રકાશ સિંહ બાદલના નેતૃત્વમાં ભાજપ-અકાલી
દળનું જોડાણ વધુ મજબૂત બન્યું છે અને તે સમયની કસોટી પર ખરું ઉતર્યું છે. તેમણે વિશ્વાસ
વ્યક્ત કર્યો હતો કે, ભાજપ અને અકાલી દળ વચ્ચેનું જોડાણ પંજાબના
લોકોની પસંદ બનશે. આ અગાઉ મંગળવારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે ભાજપ અને અકાલી દળ
સાથે હોવાની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, બંને પક્ષો
2027ની પંજાબ વિધાનસભા ચૂંટણી સાથે
મળીને લડશે અને મંગળવારથી જ તેઓ સત્તાવાર રીતે એનડીએના સાથી પક્ષો તરીકે કામ કરશે.
હું અકાલી દળના તમામ સાથીઓ અને સરદાર સુખબીર સિંહ બાદલજીનું એનડીએમાં સ્વાગત કરું છું... અમિત શાહે જણાવ્યું હતું કે, નશાખોરી અને ભ્રષ્ટાચારનું નિર્મૂલન કરવું,
રાષ્ટ્રવાદી શક્તિઓને મજબૂત બનાવવી અને ખેડૂતોની ચિંતાઓનું નિરાકરણ લાવવું
એ અમારી મુખ્ય પ્રાથમિકતાઓ રહેશે. નવી દિલ્હીમાં ભાજપના મુખ્યાલય ખાતે યોજાયેલી સંયુક્ત
પત્રકાર પરિષદમાં અમિત શાહની સાથે અકાલી દળના વડા સુખબીર સિંહ બાદલ અને ભાજપના રાષ્ટ્રીય
અધ્યક્ષ નીતિન નબીન પણ ઉપસ્થિત હતા.પંજાબ વિધાનસભા ચૂંટણી પહેલાં ભારતીય જનતા પાર્ટી
અને શિરોમણિ અકાલી દળે ગઠબંધન કર્યું છે. આ બંને પક્ષો મળીને રાજ્યની તમામ 117 બેઠક પર ચૂંટણી લડશે. ઉલ્લેખનીય
છે કે, 2020માં અલગ થયા
બાદ શિરોમણિ અકાલી દળ અને ભાજપ ફરી એકવાર સાથે આવ્યા છે. નોંધનીય છે કે, વર્ષ 2020માં કૃષિ કાયદાઓ સામેના વિરોધ
પ્રદર્શનો બાદ એસએડીએ ભાજપ સાથેના સંબંધો તોડી નાખ્યા હતા. જો કે, બેઠકોની વહેંચણી અંગે બંને પક્ષોએ હજુ સુધી
કોઈ જાહેરાત કરી નથી. પંજાબ એ પાંચ રાજ્યમાંનું એક છે, જ્યાં
2027ના શરૂઆતના મહિનાઓમાં વિધાનસભા
ચૂંટણી યોજાવાની છે. આ જૂથમાં 403 બેઠક ધરાવતા
સૌથી મોટા રાજ્ય ઉત્તર પ્રદેશનો પણ સમાવેશ થાય છે,
જ્યાં ભાજપ સતત ત્રીજી વખત સત્તામાં પાછા ફરવાનું લક્ષ્ય રાખી રહ્યો
છે. 2022ની પંજાબ ચૂંટણીમાં શિરોમણિ
અકાલી દળે બહુજન સમાજ પાર્ટી સાથે જોડાણની જાહેરાત કરી હતી, પરંતુ આ ત્યારે નોંધપાત્ર પ્રદર્શન કરવામાં
નિષ્ફળ રહ્યું હતું.