નવી દિલ્હી, તા. 26 : દેશના ચૂંટણીપંચે
સોમવારે સર્વોચ્ચ અદાલતમાં પોતાનો જવાબ દાખલ કરતાં સ્પષ્ટ કર્યું હતું કે, મતદારયાદી સુધારણા (સર) પર તમામ ફેંસલા સર્વસંમતિ
સાથે લેવાયા હતા. `સર' સાથે જોડાયેલા 2025ની 24 જૂન, 27 ઓકટોબર અને
2026માં 14મી મેના લેવાયેલા ત્રણેય નિર્ણયો સામેલ
છે, તેવું ચૂંટણીપંચે જણાવ્યું હતું. બધા જ ફેંસલા
મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશકુમાર, કમિશનરો સુખબીરસિંહ સંધુ,
વિવેક જોશી ત્રણેયની સહમતિથી લેવાયા હતા. સુપ્રીમ કોર્ટમાં દાખલ કરાયેલાં
સોગંદનામાંમાં પણ ચૂંટણીપંચના આ ત્રણેય ટોચના અધિકારીએ હસ્તાક્ષર કર્યા હતા. આ સોગંદનામું
એ અરજીના જવાબમાં કરાયું છે, જેના પર સુપ્રીમ કોર્ટે ચૂંટણીપંચ,
મુખ્ય ચૂંટણી કમિશનર અને અન્ય અધિકારીઓને નોટિસ આપી હતી. વધુ એકવાર ફોર્મ-6માં કોઈ સુધારો કર્યો હોવાનો ઈન્કાર કરતાં
ચૂંટણીપંચે કહ્યું હતું કે, મતદાતા નોંધણી
નિયમ હેઠળ નિર્ધારિત ફોર્મમાં બદલાવનો અધિકાર માત્ર કેન્દ્ર સરકાર પાસે છે. પંચે સ્પષ્ટ
કર્યું હતું કે, સર પ્રક્રિયા દરમ્યાન મગાયેલું ડેકલેરેશન એક
અલગ દસ્તાવેજ છે તેને ફોર્મ-6માં કરેલો સુધારો માની ન શકાય. ચૂંટણીપંચે એવું માન્યું હતું
કે, ઓનલાઈન અરજી પ્લેટફોર્મ પર જે પ્રકારે આ ઘોષણા
મુકાઈ હતી, તેના પરથી એવું લાગી શકતું હતું કે, ફોર્મ-6માં સુધારો
કરાયો છે. ચૂંટણીપંચે સ્પષ્ટ કર્યું હતું કે, મતદારયાદીમાં કોઈનું નામ સક્ષમ ચૂંટણી અધિકારીના આદેશ કે મંજૂરી વિના જોડાશે
પણ નહીં અને હટાવાશે પણ નહીં. એક મહત્ત્વની ટિપ્પણી કરતાં ચૂંટણીપંચે જણાવ્યું હતું
કે, બંધારણ મુજબ, મુખ્ય ચૂંટણી કમિશનરને
પદ પરથી હટાવવા સરળ નથી. તેના માટે સુપ્રીમ કોર્ટના કોઈ ન્યાયમૂર્તિને હટાવવાની હોય
તેવી પ્રક્રિયા અને આધારો હોવા જરૂરી છે.